ને મનમોજીએ મૂડી ખર્ચી..
રામ રામ મોટા.. શબ્દો તો મોંઘા છે કેમ કે શબ્દો ધારે ઇ કરે પણ મૂડી કેમ મોંઘી એ સમજાયું નહીં..! પણ તમે કયો છો એટલે હશે જ તે.. તો થોડીક મૂડી વાપરું કે રેવા દઉં?
નેતાઓ કેટલા પૈસાવાળા છે, શબ્દો વાપરે છે ને..!! ચૂંટણી પહેલા મોટી મોટી સભાઓ યોજીને મૂડીને પાણીની જેમ વહાવે.. (શબ્દો ઇજ ઈકવલ ટૂ મોંઘી મૂડી, ઓહ માય ગોડ - ઇંગરેજી)
શાકબકાલા ની બજારમાં જાવ, ન્યાતો મૂડી(શબ્દો) કિલોમાં વપરાતી હોય કાં?
પછી ઓલ્યા લાંબો ઝભ્ભો, વિખરાયેલા વાળ ને એકની એક પંક્તિ ચાર વાર દોહરાવતા કવિઓના સંમેલનો માં મૂડી(શબ્દો) મૂડી(રૂપિયા) હાટુ જ ખર્ચાય છે.. ટૂંકમાં સામસામું સરભર થાય..!!
અમુક સીધી રીતે મૂડી કમાય, અમુક બે નંબરી… એમ જ શબ્દો પણ શુદ્ધ અને અશુદ્ધ બન્ને છે..! મારા જેવા શબ્દો ને મારી મચડીને પોતાના ખેતરમાં(ક્ષેત્રમાં, ખેતર પણ ક્ષેત્રનો અપભ્રંશ) ઢસડી લાવે, અને શબ્દોનો અર્થ એજ રહે પણ શબ્દ બદલી જાય. "ક્ષ=ખ" ઘણી જગ્યા એ વપરાયો છે..! વળી કદાચ શબ્દો ની ઉંમર પણ વધતી હશે, અને નાશ પણ પામતા જ હશે, (જો સર્વોપયોગી નહિ થયા હોય તો.) પાછા અપભ્રંશ પણ પામે છે.. અને હા, મૂળ મુદ્દો તો ઉચ્ચારણ.. આપણી જૂની ફિલ્મોમાં અંગ્રેજોના મુખે બોલાવેલું હિન્દી જ જોઈ લ્યો..!
મોટા, સ્વર વત્તા વ્યંજન બરાબર શબ્દ અને ઉચ્ચારણ અને લિપિ.. ત્યારે એક ભાષા નિર્માણ પામે..! તોય અમુક ઉચ્ચારણોનું લિપિબદ્ધ થાવું કેવડું મુશ્કેલ, ઘેટા-બકરા ચારનારાઓ જે મુખેથી અવાજો કરે છે શું એ લિપિબદ્ધ થાય? અરે હા, પણ એ અવાજો પણ ક્યાં શબ્દ જેવું સ્થાન પામ્યા છે.
ઓલ્યું મોહેનજો દડો કે એવી સભ્યતાઓમાં મળેલા અક્ષરો કે આકૃતિઓ જો કોઈ શબ્દો હોય તો તેઓ તો મૃતપાય થયા..! એટલે એમ પણ કહી શકાય કે શબ્દો પણ અમર તો નથી જ..!! તો શબ્દો ને બ્રહ્મ શા માટે કીધા હશે? (ક્યાંક વાંચ્યું તો હતું શબ્દો બ્રહ્મ છે.)
હાલો લ્યો આટલી મૂડી ખર્ચી છે થોડીક શેષ રહેવા દઉં..!