આમ તો મેં કોઈ દિવસ ધાર્યું નહોતું કે હું ભાજપા નો વિરોધી થઈશ..! પણ રાજકારણ ગમે ઈ કરાવી શકે, રાજનીતિ અને રાજતંત્ર માં હાલની તકે તો કોઈ પણ શિષ્ટાચાર-આચાર-નિયમ કે સ્તર રહ્યું જ ક્યાં છે? છેલ્લા 3-4 દિવસથી રાજનેતાઓનો રોદણાં રોવાનો સિલસિલો યથાવત છે..! એક કોર્ય ગેનીબેન રોવે છે, એક બાજુ તુષારભાઈ, વળી આંય ના ઓછા હોય એમ પંજાબ થી આવીને માનસાહેબ પણ આંસુડાં વહાવે છે..! યેન કેન પ્રકારેણ આ લોકો ની એક જ માનસિકતા છે કે વધુ માં વધુ સંખ્યા ને પોતાની તરફેણ માં લાવવી..! હજી જેમ જેમ તારીખ નજીક આવતી જાશે એમ એમ જોવા મળશે કે દારૂબંધી વાળા ગુજરાત માં સરોવરો ભરાય એટલો દારૂ પીરસવામાં આવશે..! ચૂંટણી ટાણે તો આવું બધું થાય જ છે, સૌ જાણે પણ છે જ..!
ભાણકુળભૂષણ શ્રી રાજા રામચંદ્ર ની આજ તિથિ છે, રામનવમી..! ક્ષત્રિયોના સૂર્યવંશ માં પ્રકટ થયેલ વિષ્ણુ અવતાર પ્રભુ શ્રી રામનું આજ ભવ્ય મંદિર અયોધ્યામાં શોભાયમાન છે. નાની પણ મહત્વની વાત કરવી છે, ચૂંટણી આવે છે ને..! ભાજપે મંદિર બંધાવડાવ્યું એમાં કોઈ બે મત નથી.. પણ હવે એ રામમંદિર ને નામે ચરી ખાવું એ ભાજપા ની નીતિ જગ-જાણીતી છે. આજ ભાજપનો પટ્ટો આંખે થી ઉતરી ગયો છે એટલે દેખાય છે કે અટાણની સત્તારૂઢ પાર્ટીએ રામ નો ઉપયોગ કર્યો છે. રામ ને નામે મત માંગ્યા જીતી ગયા, ધીમે ધીમે વિપક્ષ ના મૂળિયાં હલાવ્યા સફળ રહ્યા. જે વિપક્ષીઓ અડગ રહ્યા એમને યેનકેન પ્રકારેણ સામ-દામ-દંડ-ભેદ થી તોડ્યા..! પણ હવે એ જ ભાજપા સત્તા ના મદ માં આંધળી થઇ છે. કોઈને પણ ગણકારવા તૈયાર નથી. છેલ્લા દસ વર્ષ માં મેં એક વાત તો જરૂર જોઈ છે, કે ગુજરાતની જ્ઞાતિઓમાં વાણિયાઓ, બ્રાહ્મણ અને દલિત સિવાયની તમામ કોમ આજે ક્ષત્રિય થઇ ગઈ છે..!
જ્યારથી રાજકોટ સીટ ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પેટમાં રહેલું ઝેર ઓકતા વાણી-વિલાસ કર્યો છે, ત્યારથી જોઉં છું, નવયુવાનો માં પટેલો અને ક્ષત્રિયો સામ-સામા આવી ગયા છે. જુના અને પીઢ લોકો તો જાણે છે, એતો બંને યુવાઓને સમજાવે જ છે. હું પણ મારા પ્રયત્નો કરી જ રહ્યો છું. પણ યુવા રક્ત રહ્યું ને, ઘડીક માં ઉગ્ર થઇ જાય..! આપણા ગામડાની સમાજ વ્યવસ્થા ને ઝીણવટ થી જોજો..! બધા સરસ રીતે હળીમળીને રહેતા હતા..! ધારો કે એક ગામ છે એમાં બધા વરણ છે. તો બધા ના સૌ સૌ ના સોંપેલા કામ તેઓ પોતાની રીતે પોતાનું સમજીને કરી લેતા..! વ્યવસ્થા કેવી રીતે ચાલતી એ એક નાની વાત થી રજૂ કરું.! કોઈ ગામ હોય તો એ ગામ ના તમામે સંરક્ષણ ને લગતા સર્વે વહીવટ ક્ષત્રિયને સોંપવામાં આવ્યા, જમીનો પટેલોએ સાચવી, જમીન ની ઉપજ તમામે વાણિયાઓએ બજાર માં સંભાળી લીધી, અને ગામની સ્વચ્છતા અને સુંદરતા ને જાળવી રાખવાનું કાર્ય દલિતોએ ઉપાડી લીધું. હવે ધારો કે કાલ ઉઠી ને કોઈ સંરક્ષણને લગતી આફત આવી, અને ક્ષત્રિયો એ વિચાર્યું કે હું કદાચ આ ધીંગાણાં માં કામ આવી જાઉં તો મારા પરિવાર નું શું થશે? ત્યારે એ ક્ષત્રિય ના ઘર નો દાણો સાચવવાની જવાબદારી પટેલો એ લીધી હતી, વાણિયાઓએ એ જવાબદારી નિભાવી જાણી હતી. આપણે ત્યાં લગ્ન પ્રસંગો માં એક ધર્મ-ભાઈ બનાવવામાં આવે છે, વર-કન્યા ના ફેરા થતા હોય ત્યારે જવતલ હોમવા એક ધર્મ ભાઈ કરતા, ક્ષત્રિયો માં મોટેભાગે પટેલ ને ધર્મ ભાઈ કરે છે કારણ શું? કદાચ કોઈ ધીંગાણાં માં એ રાજપુત કામ આવી જાય તો એનું ઘર રખડી નો પડે, પટેલ ભાઈ તરીકે ની તમામે સંરક્ષણ પુરી પાડી દેતા. આજ જયારે આ ચૂંટણી માં ઘણાય લોકો પોતાની સિદ્ધિઓ અને બલિદાનો ગણાવવા લાગ્યા છે, ત્યારે જો કદાચ હું ક્ષાત્રત્વના ગુણો ગણાવવાં બેસીશ તો સિદ્ધિઓ અને બલિદાનોનું લિસ્ટ બહુ લાંબુ જાશે..!
હવે વાત કરું છું રાજનીતિ ની અને મારી..! પહેલા લોકો વ્યક્તિ/ઉમેદવાર જોતા હતા, પક્ષ નહીં. હવે એથી ઉલટું છે..! ઉમેદવાર ગમે તેવો હશે ચાલશે, પક્ષ જીતવો કોઈએ..! એલા તમારે ઘરે પાણી નથી આવતું એનો નળકો દિલ્લી થી નહીં લાગે, તમારા ઉમેદવાર ને જ તમારે જાણ કરવી પડશે? કોઈ પણ વૈષ્ણવ મંદિર માં જાઓ છો તો બહાર પહેલા બે જય-વિજય જોયા જ હશે ને..! દરવાન.. આપણા ઉમેદવારો એ દરવાન જેવા હોવા જોઈએ. જે આપણી અરજી અંદર સુધી લઇ જાય.! હજી ઘણાઓ એમ ધારે છે કે પ્રધાનમંત્રી તમારું સાંભળે છે. ખોટું છે, તમે પ્રધાનમંત્રીનું સાંભળો છો, વાગોળો છો. વૈશ્વિક રાજનીતિ માં ભારતનું કદ વધ્યું છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી. આજ તમામે દુનિયા જે ભારત ને એક સમયે ત્રીજું વિશ્વ કહેતી એ પણ કાન માંડી ને સાંભળતી હોય તો ભારતીય જનતા પાર્ટી નો સિંહફાળો છે એમાં કોઈ બે મત નથી..! પણ એજ ભારતીય જનતા પાર્ટી જો દેશમાં જ, અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું માનવંતુ સ્થાન ભોગવતા બંને ગુજરાતીઓ જ અન્ય ગુજરાતીઓની વાત કાને નથી ધરતા તો આ બાબત જરૂર વિચાર માંગી લ્યે છે કે આગળ આપણે આપણું કર્તવ્ય શું અને કેવી રીતે કરવું?
જયારે એક વ્યક્તિએ આવીને કાંક માગ્યું ત્યારે આખા સમાજે આપી દીધું, અને આજ આખો સમાજ કાંક માગે છે ત્યારે એક વ્યક્તિ થી એ અપાતું નથી..! જે હિન્દુરાષ્ટ્ર્ની પરિકલ્પના આ લોકો ઘડી રાખી છે એ ક્ષત્રિયો વિના કદી પૂર્ણ થવાની નથી. જયારે આ પાર્ટી નું અસ્તિત્વ પણ નહોતું ત્યાર થી ક્ષત્રિયો આ હિન્દુત્વનો અણનમ ધ્વજ શિરમોર રાખતા આવ્યા છે. આજ જે હિન્દુત્વ માં મુસ્લિમોને દરકિનાર કરી નાખવામાં આવ્યા છે એ મુસ્લિમો ક્ષત્રિયોએ ઊંચા કરેલ હિંદુત્વના ધ્વજ હેઠળ સુરક્ષિત પણે ફુલ્યા-ફાલ્યા છે એ જો આજની સત્તા ભૂલી ગઈ હોય તો યાદ દેવડાવી દઉં..! તમે આજે એ સમાજની અવગણના કરવા મંડ્યા છો જે સમાજ ના ત્યાગ-બલિદાન વિના આજ તમે સત્તા ભોગવો છે એની કલ્પના પણ ઉભી થઇ ન હોત. સત્તારૂઢો જો એમ ધારતા હોય કે લોકસભાના ક્ષેત્રમાં ક્ષત્રિયોના મતો થી કોઈ ફેર ન પડે તો ધ્યાન રાખજો લોકસભા પછી વિધાનસભા ની પણ ચૂંટણીઓ આવે છે, તાલુકા પંચાયત થી માંડી ને તમામે ચૂંટણીઓ માં અટાણ ના પડઘા ન સાંભળવા હોય તો ક્ષત્રિયોની નાનીસી વિનંતી સ્વીકારવાનો સમય હજુ પણ જતો નથી રહ્યો..!
તણખો નાનો હોય ત્યાં સુધી માં ઠરી જાય એ સારું, નકર દાવાનળ થયા પછી દોડવું ઈ નરી મુર્ખામી ગણાય. જયારે સંમેલન ની જાહેરાત થઇ ત્યારે કદાચ સત્તાપક્ષે ધાર્યું હશે કે દરબારુ છે ભેળા નો થાય..! પણ પાંચેક લાખનું દળ જોયું તો રાત્રે અઢી વાગેય સમાધાનની વાત્યું કરવી પડે છે ને? આ તો એક-બે બેનું અણસમજુ થઇ ને થોડુંક કાચું રાંધી નાખ્યું નકર, બાંધી મુઠી લાખ ની જ હતી.
હવે જયારે ક્ષત્રિયો એ આર-પારની લડાઈ ના બ્યુગલો ફૂંકી દીધા છે ત્યારે કહું છું, મારો અંગત વિચાર છે, એક ખુલ્લા પત્ર સાથે કાને સાંભળવાનું મશિન પ્રધાનમંત્રી આવાસ ઉપર પોસ્ટ કરું, જેથી બહેરી થયેલી સરકાર સરખું સાંભળી શકે..!