ક્ષત્રિય અસ્મિતા સાથે થતું રાજકારણ || Gujarat Politics vs Kshatriya ||

0

 દિનાંક : 18/04/2024

વાર : ગુરૂવાર..!


ક્ષત્રિય.. જેણે પોતાની પ્રજાના હિત ને સદૈવ પ્રાથમિકતા આપી છે, છતાં આઝાદી ના સિત્તોતેર વર્ષ બાદ લોકશાહી સરકારે શું કર્યું, એજ ક્ષત્રિયો ને દરકિનાર કર્યા..! સીધી વાત છે કોઈને એટલા ન દબાવવા જોઈએ કે છેલ્લે એની પાસે ગુમાવવા જેવું કઈ બાકી ન રહે અને એ મરણીયો યોદ્ધો હાવી થઇ પડે. આ સૂચન હતું આજની સત્તારૂઢ પાર્ટી ને..! ચૂંટણી ઘણું નવું નવું શીખવાડે છે. એક વિડીયો જોયો હતો, કોઈ યુવાન બહુ સરસ વાત કરી, "તુમને રાજતંત્ર માંગા હમને દે દિયા, તુમને જમીને છીન લી હમસે હમ ચૂપ રહે, તુમને આરક્ષણ કે નામ પર હમારે યુવાધન કો બરબાદ કર દિયા, લેકિન અબ બાત આમન્યા ઔર સ્વમાન કી હૈ તબ ભી હમ ચૂપ હી બૈઠે રહે?" વાત સાચી છે, ક્ષત્રિયો પાસે હવે ગુમાવવા શું બચ્યું છે? હજારો વીઘાનો પટ્ટો ભોગવતો દરબાર આજ ઘણી જગ્યા એ 7/12 માં ય નામ વિનાનો થઇ પડ્યો છે... પણ ક્ષાત્રત્વ એજ તો છે, કે શૂન્ય માંથી સર્જન કરવું..!


આટ-આટલા વર્ષોના સત્તારૂઢ સરકાર સાથેના સામંજસ્ય નું પરિણામ શું આવ્યું? અપમાન નો ઘૂંટડો?


ભાવનગર થી એક મંથન માગતા સમાચાર સાંભળ્યા, ગરાસિયા બોર્ડિંગમાં રામનવમી નિમિત્તે ક્ષત્રિયોના ઇષ્ટ રામની આરતી પોલીસે અટકાવી, અને કારણ શું આપ્યું, કે પરમિશન નથી લીધી? એલા કાલ તો તમે લોકો મારા ઘર માં આવીને મને આરતી કરતા રોકશો એમ? આ સત્તારૂઢો ઉત્તર કોરિયન બનતા જાય છે કે શું? આટલી હદ નો કંટ્રોલ કરવો તો એજ બાબત સિદ્ધ કરે છે અને વિપક્ષની ડિક્ટેટર વાળી વાત ને સમર્થન આપતી કળાય છે. અમદાવાદ માં તો 144 ના નામે કાળા વાવટા ફરકાવવા, બેનર લઈને વિરોધ દેખાડવો, કે સૂત્રોચ્ચાર ઉપર પ્રતિબંધ મૂકી ને કાયદાસર કાર્યવાહી માટેની નોટિસ જાહેર કરી દીધી? શું ક્ષત્રિયો એ લોકશાહી માં પોતાનો વિરોધ પણ ન નોંધાવવો? લગાતાર 25 દિવસ થી ક્ષત્રિયો પોતાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે, નથી ક્યાંયે એક નાનું એવું છમકલું થયું, નથી કોઈ ની જાહેર કે અંગત સંપત્તિ ને નુકસાન પહોંચ્યું.. આ ક્ષાત્રવટ છે. પણ કહેવાય છે ને કે ભારતના સંયમ ને વિદેશી તાકતો એ કાયરતા સમજેલી, બસ એમ જ આપણાં સત્તારૂઢો ક્ષત્રિયોના શાંતિસમર્થન ને કાયરતા ન સમજે..!


રાજકોટમાં એક બૌદ્ધિક ક્ષત્રિયે ગજબ દલીલ કરી..! હાઇવે ઉપર ક્યાંક મોદીસાહેબ નું બેનર લાગેલ હતું, એ બેનર માં મુદ્રકે અને પ્રકાશન નો ઉલ્લેખ કરાયો નહોતો, ભાઈએ પોલીસ સ્ટેશન થી માંડીને નગરપાલિકા કોર્પોરેશન માં બધી જગ્યાએ ફરિયાદ કરી દીધી, પણ કઠણાઈ તો જુઓ, કે પછી સત્તા પક્ષની ચાલાકી જુઓ, બેનરો બદલાઈ ગયા..! ભાઈ ને આ ઓફિસ થી ઓલી ઓફિસ ને ઓલી ઓફિસ થી આ ઑફિસે ધક્કા ખવડાવતા રહ્યા અને પાછળથી સમાચાર પહોંચતા કરી દીધા કે આમ આમ મેટર છે, અને જયારે બેનરો પાસે પહોંચ્યા ત્યારે બદલેલા બેનરો ને લીધે કોઈ દલીલ બચી નહીં..! 


ચુડા પાસે ચાંચકા ગામમાં સત્તા પક્ષ વાળાઓ પ્રચારર્થે ગયેલા.. ભાગ્યશાળી તે તોલો રંગાવતાં બચી ગયા..! પોલીસે આડે પડી ને માંડ માંડ મામલો સંભાળ્યો..! આટલા પોઇન્ટ થી સત્તાપક્ષ વાળાઓ સમજી જાય, ખાલી શહેરો માં પ્રચાર કરવાથી જીતવું કઠિન છે, ગામડાઓમાં આવવું જ પડશે અને પણ ક્ષત્રિયો ના ગામો માં કેવી રીતે પ્રવેશ કરશો? જ્યાં સુધી ક્ષત્રિયોના મનામણાં થયા નથી, જ્યાં સુધી રૂપાલાનું ઉમેદવારી ફોર્મ યથાવત છે ત્યાં સુધી તો તમારો પ્રચાર-પ્રસાર નિરર્થક જ છે, કારણ છાપાવાળાઓ ખાલી ક્ષત્રિય આંદોલનનું જ કવરેજ કરે છે. તમારા મતવિસ્તાર માં તમને કેવો આંચકો લાગે છે એની જ ગણતરીઓ ચાલુ છે..! એટલે હજી સમય છે, સત્તાપક્ષ કાનમાં મશીન લગાવીને સાંભળી લે, ક્ષત્રિયોની રણ-ગર્જના ને પડકાર ફેંકશો નહીં..!


સાંભળ્યું છે ગઈ કાલે ગૃહમંત્રીશ્રી અમિત શાહ અમદાવાદ પધાર્યા, ને વડાપ્રધાન શ્રી પણ આવે છે બાવીસે? ગજબ વાત છે કે ગૃહમંત્રીને રોડ શો કરવો છે એટલે અમદાવાદ માં ધારા 144 લાગુ કરી દીધી..! સત્તા નો ઘમંડ એ હદે ચડી ગયો છે કે વિરોધ નો 'વ' સાંભળવા પણ આ લોકો તૈયાર નથી..! સાહેબોને એવો તો શેનો ભય છે કે પોતાની સામે કાળું વાવટુ જોવા માંગતા નથી? એનો એક અર્થ એમ પણ થાય છે કે તમને તમારા કરેલા કૃત્યો ઉપર એટલો વિશ્વાસ પણ નથી કે 2-5 જણ જો તમારા સામે સૂત્રોચ્ચાર કરે કે કાળો ધ્વજ દેખાડે તો તમારી રાજનીતિ તબાહ થઇ જાય..! લોકતંત્ર છે ને ભાઈ, લોકો ને એટલી આઝાદી તો આપો કે તમારી સામે તમારા કૃત્યો ને વખોડી શકે? તમારી સામે તમારો શાંતિપૂર્ણ વિરોધ કરી શકે..! તમારી સામે નિર્ભય થઇ ને કાળો ધ્વજ ફરકાવી શકે..! એમનમ તો કોઈ કાળો વાવટો ફરકાવવા રાજી નહીં થતું હોય ને કાંક કારણ હશેને કે શા માટે વિરોધ થઇ રહ્યો છે? તો જાણો, સમજો..! ભાવનગર મહારાજા ઉપર કોઈ એ પાણો ફેંક્યો ને ત્યારે મહારાજા સાહેબે મુઠા ભરી ભરી ને રૂપિયા આપ્યા હતા એ પાણો ફેંકનાર ને..! (આખું કથાનક લખવાનો સમય નથી.) ને એક આજ ની લોકશાહીના તમે બની બેઠેલા રાજા છો જે પોતાની સામે કાળો ધ્વજ જોવાથી ભય પામે છે.


એક જૂનો દુહો છે, એના છેલ્લા બે ચરણ છે, "ખરીયુ સોતો ખાઈ ગયો, ભડલી વાળો ભાણ.." સત્તાના મદ માં જયારે ગાયકવાડી ફોજ કાઠિયાવાડમાં ચોથ ઉઘરાવવા ઉતરી, ત્યારે અંગ્રેજી દળ પણ એમની સાથે જોડાયું, અને ભડલી ના પાદર માં ધામા મંડાયા. નાનું એવું ભડલી કોઈ કાળે સીધી લડાઈમાં દરિયા જેવડી ગાયકવાડી અને અંગ્રેજી સંયુક્ત સેનાએ સામે જીતી શકે એમ હતું નથી ત્યારે ભડલી ના રાજા ભાણ ખાચરે એવી તો કાઠી-કળા વાપરી કે એ યુદ્ધમાં નિર્ણાયક રીતે ભડલી જીતી ગયું..! આખો પ્રસંગ ગૂગલ માં મળી રહેશે..! વાંચો.. ક્ષત્રિયો, પૂર્વજો ના કારનામાઓ વાંચો, સિદ્ધિ ઓ સંભારો..! ઇતિહાસ માં જ આપણું ભવિષ્ય સંતાયેલું છે. કૃષ્ણનું જીવનચરિત્ર આપણા દૈનિક જીવનમાં ઉપયોગ માં લ્યો. ઔરંગઝેબની સાથે રહી ને ઔરંગઝેબ ની જ પાડ કેવી રીતે પીટાય એ જાણવા જોધપુર ના જસવંતસિંહનું જીવન-ચરિત્ર વાંચો..! શત્રુ સામે વેર હોવા છતાં એના દુઃખમાં ભાગીદાર કેમ થવું એના માટે ભાવનગર મહારાજ અને જોગીદાસ ને વાંચો..! ગોંડલના ભા કુંભોજી ને વાંચો, પ્રાતઃસ્મરણીય ભગવતસિંહજી ને વાંચો..!


અરે હા, સાંભળ્યું છે કે રૂપાલા ભાભા કહે છે કે, જો હાઇકમાન્ડ ઈચ્છે તો હું નામાંકન પાછું ખેંચવા તૈયાર છું..! એલા ઈમોશનલ અત્યાચાર કરો માં ભાભા.. આ પેંતરા જુના થઇ ગયા..! એ ક્ષત્રિયો હવે એટલા ભોળા પણ નથી રહ્યા કે આવી પશ્ચાતાપ દર્શાવતી વાતો ને સાચી માની લે. ભાભા ખરેખર દુઃખ થતું હોય હાઇકમાન્ડ ના આદેશ ની શું લેવા રાહ જોવી છે..! સ્વયંભૂ પાછળ હટી જાવ. હાઇકમાન્ડ કોક બીજા ને બેસાડી દેશે.. સીટ ખાલી તો રાખશે નહીં..! એટલે આ જે ભોળપણ ને ભરમાવવા વાળી વાતો હવે નહીં ચાલે..! રાજા દશરથ ને જયારે માથા માં એક શ્વેત વાળ દેખાણો ને ત્યારે સત્તા નવલોહિયાને આપવા નિર્ધારિત કર્યું હતું..! અને એક આ જ રામ ને નામે મત માંગતા લોકો છે, કાળા રંગ થી ભય પામવા લાગ્યા છે..!


"સંઘશક્તિ કલિયુગે" કહેવાય છે ને. આપણા માંથી ઘણાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હશે..! આજે આપણે સત્તાપક્ષ નો જે ચહેરો જોઈ રહ્યા છીએ એ સંઘ ની જ દેન છે..! અને જે દિવસો જોવાનો વારો આવ્યો છે એ પણ કદાચ સંઘ ની જ દેન છે. ક્ષત્રિયો જો જાગ્યા હોય, સંઘ ની કિંમત જાણ્યા હોય, જો બૌદ્ધિક અને શારીરિક રીતે સજગ થતા હોય તો મારા મતે હવે સમય છે, આપણા જ સંઘ માં જોડાવાની. "ક્ષત્રિય યુવક સંઘ" RSS ની સામે પડવા આપણે જે સંઘ ની કલ્પના કરી શકીએ એને સામર્થ્ય પૂરું પાડવા નું ઇંધણ "ક્ષત્રિય યુવક સંઘ" છે. ઘણા ક્ષત્રિયો આ સંઘમાં જોડાયેલા છે, પણ ઘણૉ અજાણ છે. મારા મતે એક વાર આ સંઘ વિષે જાણો, સંઘના વિચારો ને જાણો, જો પ્રભાવિત થાઓ તો એમાં અવશ્ય જોડાઓ..! ભવિષ્યનું નિર્માણ જો આપણે આપણા હિસાબે જ કરવું હોય તો એક નેજા હેઠળ આવવું જ પડશે, એ નેજો ક્ષત્રિય યુવક સંઘ નો હોય એ વધુ લાભદાયી નીવડશે. વળી આપણી જ વિચારધારા ને વેગ આપતો આ સંઘ છે, ક્ષાત્રત્વ ને ઉજાગર કરવાનું સાધન સમજી ને પણ આને આપણે અપનાવીએ તો ભવિષ્ય ઉજ્વળ જરૂર થશે જ.


અસ્તુ, જય માતાજી.

Post a Comment

0Comments
Post a Comment (0)