મોટા આજે ચોખ્ખું ને ચટ લખું હો.
તો ભાઈશ્રી મોટા જીવનમાં ડર પણ જરૂરી છે ને ભાગવું પણ..અને ડરીને ભાગવું પણ..!!
મોટા ફ્લાયઓવર પર ચડતા ઢાળે આપણી આગળ ખટારો હોય, ને ધારો કે એમાં ખરાબી આવે ત્યારે આગળ ને બદલે પાછળ સરકે, અને કર્મયોગે આપણે જ એની પાછળ હોય તો શું ભાગવાને બદલે એની સામું જશું? હવે તમે કહેશો કે ત્યાંથી ખસવું એ સમજદારી કહેવાય તો મોટા સમજદારી પણ ડર ની જ ઉપજ છે..!
ધારો કે આખી દુનિયા નીડર થઈ જાય તો…? વિશ્વયુદ્ધ ? કે સમગ્ર મનુષ્યજાતિ નો વિનાશ? મોટા ડર ને જ કારણે કેટલાય પ્રસંગો/આપત્તિઓ અટકેલી પડી છે. જો ડર ન હોય તો આજ રશિયા-યુક્રેન વચ્ચે આટલા દિવસો સુધી મામલો મચેલો રહ્યો નહોત. રશિયાને પોતાની સીમા સુરક્ષાનો ડર છે અને યુક્રેનને સ્વયં રશિયાનો..!!
સારામાં સારો ડર ક્યો મોટભાઈ ? આબરૂ..!! આબરૂ જવાની બીકે ઘણા વ્યક્તિઓ કાળા કામો કરતા અટકેલા પડયા છે. ડર હોવો એટલે ડરપોક થવું નથી.
હા, પ્રત્યેક બાબતોમાં ડરવું કે વેવલાઈ વર્જ્ય છે, નકામા ડરોનો તો સામનો કરવો જ જોઈએ.. પણ છતાં મોટા ડર જરૂરી છે. સાહિત્યોમાં વર્ણિત નવ રસ માંહેનો એક રસ ભયાનક છે જેનો સ્થાયી ભાવ ભય છે.
ડર કોનામાં ન હોય? ડર નો સામનો કરી શકવાની ક્ષમતા હોય તો ડરનું અસ્તિત્વ જ શા માટે છે? ડર ક્યાં નથી? શું એ માત્ર ભાવ પૂરતો સીમિત છે કે ક્રિયા?
રામજાણે પણ આજ આવું જ ઉકલ્યું મોટા, બાકી તમે ઉકેલો બેઠા બેઠા..!!