જો મોટભાઈ, તમે જેને કેતા હોય એને અંગતમાં કેવું'તું, આમ છડે જાહેર કાં કીધુ? હવે હંધાય પોતપોતાના અભિમાન ઠાલવે ઇ પેલા હું ઠાલવી લઉં..!!
મોટા, મને રશિયા-યુક્રેનના હમાચાર લીધા વિના હખ નથી થાતું, લાગે છે પંચાતીયો જીવ થાતો જાય છે, આજ એવા કાંક સમાચાર હતા કે રશિયા એ મિલિટરી ડોલ્ફિન કાળા સાગર માં ઉતારી..!! આ સમુદ્રી જીવનો પણ યુદ્ધ પ્રસંગોમાં ઉપયોગ થાય છે, એને ટ્રેઇન કરવામાં આવે છે, પછી એ ડોલ્ફિન સમુદ્રમાં નૌ-સેના વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી સમુદ્રી-માઇન્શ શોધે છે, આ પ્રક્રિયામાં ઘણી વખત ડોલ્ફિન્સ શોધવા ગયેલી માઇન્શ બ્લાસ્ટ થતા મૃત્યુ પણ પામે છે.. અમુક દેશોએ તો કામિકાઝે ડોલ્ફિન (આત્મઘાતી ડોલ્ફીન, આ ડોલ્ફિનો પર મોટા પ્રમાણ માં એક્સપ્લોસીવ બાંધી દેવા માં આવે છે ત્યારે બાદ તેને આજ્ઞા કરતા તે ડોલ્ફિન દુશ્મન જહાજ કે સબમરીન પર આત્મઘાતી હુમલો કરે છે જેમાં દુશ્મનના જાહાજ સાથોસાથ એ ડોલ્ફિન પણ મરણ પામે છે.) પણ તૈયાર કરી છે, ત્યારે વિચાર આવે છે કે મનુષ્યો પોતાની લાભહાની માટે કોઈ પણ હદ સુધી જાય છે, પહેલા તો વિચાર આવ્યો કે ડોલ્ફિન જેવું રૂડું રૂપાળું પ્રાણી આવા ઘાતક પ્રસંગોમાં શા માટે ઉપયોગ માં લેવાય છે પછી વળી યાદ આવ્યું કે શ્વાન, અશ્વ, હાથી જેવા પ્રાણીઓ એ યુદ્ધમાં ભાગ ભજવ્યો છે તો હવે સમુદ્રી જીવ પણ હોમાય જ ને..!! આપણે કાઠિયાવાડ માં અસવારના મૃત્યુ બાદ તેના ઘોડા ને ગુડી નંખાતો જ ને...(*દરેક પ્રસંગોમાં નહિ.)
તે આ વિચાર-વમળ વચાળે ગજો આવ્યો, મને કે શું કરો મહાશય, હું કઉં, અમારે મોટેશ કોક હાર્યે બાધ્યા તે ડાયલોગ ઝીંકી દીધો છે કે તને શેનું અભિમાન છે? બોલ તારે કાંઈ કેવું છે? ત્યાં તો ગજાએ આદરી..
"આમ તો મોટાભાઈ મનુષ્ય પાસે એટલા બધા અભિમાનો છે કે કયું દાખવવું ને કયું ભાખવવું એજ નક્કી ન થાય..!! રૂપ થી લઇને પ્રશસ્તિ, કુળથી લઇને રૂપિયો, કે મોભાથી લઈને કળા સુધીના અભિમાનો પડયા છે..!! અભિમાન આમતો ખોટી કે ખરાબ વસ્તુ નથી, અભિમાન એક જ એવું છે જે સ્વ ને અન્યથી જુદું તારવે છે. અભિમાનને લીધે જ ઘણીય કર્તવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. અભિમાનથી આત્મવિશ્વાસનો પણ ઉદભવ થાય છે. અભિમાનથી ક્ષમતાઓ વિસ્તાર પામે છે, હા અતિરેક ખરાબ પણ અભિમાન નહિ. કાયમ કહું એમ પાચન-પ્રણાલી મજબૂત હોવી જોઈએ, અને અભિમાન પચાવવું પડે, પણ.."
"એલા બસ બસ, હાઉં કર્ય, આંય નિબંધ લખીને નથી દેવાનો ને મોટા કાંઈ માર્ક નથી દેવાના.. તે કયુંનો ચોંયટો છો અભિમાન માથે..!! આપણે ન્યા રાવણથી માંડીને દુર્યોધન હુધીના અભિમાનમાં જ આળોટીને વ્યા ગયા ખબર્યને, કઇ ગતિ એ ગિયા?" મેં વળી વચમાં ટપાર્યો..!!
હખણો રે તો ગજો શેનો, એના વળતાં ઘા ઘેરા બહુ, "એમ નહિ મનમોજી, તમે જે નામો કીધા એ પણ અભિમાને જ એમને આટલા પ્રશસ્તિપૂર્ણ કર્યા ને, જો એમણે અભિમાન ધારણ ન કર્યું હોત તો અત્યારે જાણેત કોણ એમને..! અભિમાનથી જ તો એમના નામો ઐતિહાસિક થયા ને..!"
"તો એલા ઇતિહાસમાં નામો ચડાવવા અભિમાન હું કામ લેવું, બીજું ઘણુંય છે.. કાંક કળા, કાંક સારા કામ કર્યને?" મનેય ક્યાં હખ થાય છે.
ગજો ઉવાચ : "નહીં, એમ નહિ, મારો મત મેં સૌથી પહેલા જ જણાવ્યો હતો, એના પર મનન કરો, અભિમાન સારું અતિરેક નહિ. જેણે અતિરેક કર્યા તેઓ ગાજતા ગયા, વળી અભિમાન એક વિશેષ સ્થાનનું દાતા પણ છે..!"
હુંય ઉવાચ : "હા ઇ તારું વિશેષ સ્થાન મને ખબર્ય છે 'એકલતા'.. અભિમાનીનો કોઈ સંગી નથી, ઇ એકલો જ થાય અંતે.."
"તમે સમજતા કેમ નથી, એતો જેણે અભિમાનનો અતિરેક કર્યો એ જ એકલા પડ્યા, સો વાત ની એક વાત અભિમાન સારું છે છે અને છે.." નાનકડી અમારા બે જણ ની સભા ને ભંગ કરી, અને પંજો પછાડીને થોરની જેમ હથોડો મારી, ગજો ગામ ગજવતો નીકળી ગયો..