વિરહાગ્નિ અને વૈશાખાગ્નિ...
હૃદય અને મન તો બળતું હતું જ, હવે આ વૈશાખ નો લૂ-યુક્ત વાયુ દેહને પણ દઝાડી રહ્યો છે. પ્રત્યેક રોમ રડી રહ્યું હોય એમ પ્રસ્વેદનો પ્રવાહ વહ્યે જાય છે. તું વિણ અધૂરો હું એમ જ દાઝી રહ્યો છું જેમ આ પ્રભાકરના પ્રચંડ કિરણોથી પૃથ્વી મહીંથી ઉઠતી વરાળો..! કોઈ કિશોરને પ્રથમ સ્પર્શની મૃદુતા અસહ્ય નીવડે અને કપાળ પર અગણિત સ્વેદબૂંદો તેની જીજકને ચરમ પર લાવી દે બસ તેવી જ કોઈ સ્થિતિ આજ સૂર્યના સીધા સંપર્કથી થઇ રહી છે..! છેને વિરોધાભાસી ઉદાહરણ.. શું કરું? બસ આવું આવું જ મસ્તિષ્કમાં ઉપજી રહ્યું છે.! આ તાપ પણ જીરવાય એવો નથી..વિરહાગ્નિ અને આ વૈશાખાગ્નિનો બેવડો માર ઝીલતો હું તારા ગામ ભણીની દિશા તાકતો બેસી રહ્યો છું, ક્યારે એ બસ આવે જેમાં તારું આવવું થાય..!
દૂર દૂર એક નાની એવી વાદળી એકલી જ વ્યોમમાં નિર્વિઘ્ન વિચરી રહી છે, તે પણ કોઈ સંગાથની રાહે ભાસે છે, કદાચ કોઈ મોટું અંભોદ તેને અહીં તાણી આવે, સૂર્યની આડી આડશ બંધાય અને ભલે બે ફોરાં હજી પડે ન પડે.. પણ આ અગનવર્ષાથી તો થોડો આરામ મળે..! એ વાદળી હેઠળ આ કાળઝાળ તાપ ને જાણે ચીરતો એક ખેડુ હળ હાંકી રહ્યો છે.! હું બસ એકિટસ ભાળી રહ્યો છું, આ ગરમીને ન ગણકારતો એ ખેડુ દેશી ગીતડાં તેના પહાડી કંઠે ગહેકાવતો ગાજી રહ્યો છે, કદાચ એ મેઘની ગર્જનાને પ્રતિસ્પર્ધા ન દેતો હોય? એ ચિરાતી ધરતીની માટી પણ છૂટી પડવા ન માંગતી હોય તેમ એકમેકને વળગીને ઢેફાં થઇ રહી છે, હવે તો ખેડુનાં સખા બળદો તો શહેરોમાં કોઈ ગલી-ખાંચે કોથળીયું ખાતાને ક્યાંક કોઈ રજકો ખાતા બાકી તો હડધૂત થતા દેખાય છે, ઈ ભેરુની જગ્યાએ અદ્યતન ટ્રેક્ટરોના વિશાળકાય ચરણ જેવા ટાયરો એ ભેગી થયેલી માટીના ઢેફાને કચડતા પસાર થતા હોય છે અને જાડી નળી માંથી કાળો ધુવાડો ઓકતું એ વાહન પ્રાકૃતિક ઉષ્મામાં ઉષ્માનો ઉમેરો કરી ઉષ્માનો અતિરેક કરી રહ્યા છે, અને અન્ય અતિરેક થઇ રહ્યો છે મારા મનસ પર તારી સ્મૃતિઓનો..!
અંશુમાન ધીમે ધીમે આથમણે ઉતરાણ કરી રહ્યા છે, પણ તેજમાં ચણોઠીભર ઉણપ આવી નથી. બંધાણીને એના બંધાણ વિના ન જ ચાલે, બસ જો ને આ સળગતી સિગરેટનો ઉચ્છવાસ મહીંથી નિકાશ થતો ધૂમ્ર મારાં નિઃશ્વાશને સંતાડી રહ્યો છે, મારી એષણાઓની આપૂર્તિમાં ઉણપ રહે છે.. મારા પ્રયાસો અધૂરા નથી, પણ શું કરું આ મન કાયમ અતૃપ્તનું અતૃપ્ત જ..! તને ખબર છે? ફરી એક વાર હું મારી ચૂકને છુપાવવામાં અસફળ રહ્યો, આ અરીસો જેવાને તેવો કહેવામાં જરીય વાર કરતો નથી..! અરીસા સામે ઉભો રહી તારી સ્મૃતિઓ વાગોળતો શર્ટના બટન બીડી રહ્યો હતો, અને છેલ્લું બટન તેના ગંતવ્યને અધૂરું રહ્યું..! તરત અરીસાએ બધાએ બટન ખોટા બિડાયાં હોવાની ચાડી ખાધી. આ વાત ખાસ તો એટલે આ ડાયરીમાં ઉતારી રહ્યો છું કે, ભવિષ્યમાં કદાચ આ અરીસાની પાસે ખુરસીમાં બેઠા બેઠા તું આ પાનું વાંચે તો આ અરીસો તેની સાક્ષી પૂરશે..! હા, મારી ભૂલ પર હંમેશની જેમ તું ખીલખીલાટ હસજે જરૂર..!
દૂર એક ઉઠેલા વંટોળે ધૂળની સાથે મારું ધ્યાન પણ ખેંચ્યું..! એ વંટોળના કેન્દ્રમાં એક છોડ છાતી કાઢીને ખડો હતો, પડકાર કરતો હતો, એણે પોતાના પર્ણો, પુષ્પોને કચકચાવી રાખ્યા હતા. વંટોળે જોર તો કર્યું હશે પણ એ છોડના મૂળ મજબૂત હશે.. એ છોડના પર્ણો મધ્યમાંથી ચિરાય હતા, પણ સંલગ્ન યથાવત હતા, તેના એક-બે પુષ્પોને વંટોળ તાણી જવા સમર્થ થયો હતો પણ એ છોડ પોતાના સ્થાને એમનમ અણનમ રહી શક્યો હતો. એ બળ કયું? પ્રેમ? જે એના મૂળે રત્નગર્ભા સાથે કર્યો હશે, ધરાની અંદર પોતાનું એટલું મજબૂત સ્થાન સ્થાપ્યું કે ધરાની બહારના અણધાર્યા સંકટ તેને પીડિત ન કરી શક્યા, તો શું પ્રેમ પીડા મટાડે છે? તું તો જાણે છે મારો પ્રેમ પ્રત્યેનો અભિગમ..!
ઉષ્મા ઉષ્માને કાટ્ય નીવડે તેવી આશાએ આ સિગરેટના ધુમ્રને મારા શ્વસનતંત્ર માં ઉતારી રહ્યો છું. મષ્તિષ્કનાં સર્વ તંતુઓને તેણે ભાન ભુલાવ્યું છે, અને હું તેને દોરાતો દોરાઉં છું. હા, તારી ગેરહાજરીએ આ જ મારી સંગાથી છે. તૃષિત ઓષ્ઠને આનો સમાગમ થતા જ હું સઘળુંય ઘડીક પૂરતું ભૂલી જાઉં છું, અને બસ ધુમાડામાં તારા ચિત્રની પરિકલ્પનામાં ખોવાઈ જઉં છું.! હા, તારાથી છુપાઈને ક્યારેક આ હોઠે સ્થાન પામતીની તું ઈર્ષ્યા ના કરીશ.. એતો ક્યારેક બસ એમ જ કોઈ સ્મૃતિવંત ગીતડાની માફક હોઠે આવી ચડે છે ને પછી છાતીમાં એકછત્ર આરૂઢ થઈને જતી પણ રહે છે, કદાચ એને ત્યાં તારી હયાતીની અદેખાઈ હશે.. જે તારું દેદિપ્યમાન સ્થાન જોઈને તરત જ નાસિક વાટે બહાર નીકળી વાતાવરણમાં ભળીને અદ્રશ્ય થઇ જાય છે.. બસ હવે તું ફરી આવી મળે તે જ આશાએ બેઠો છું.. એજ દિશા ભણી દ્રષ્ટિને એકાગ્ર કરીને...!!!