મોટા, અટાણે આળસ ઉયતરી હોય એવું થોડુંક લાગે છે તે થયું લાવ લખી લઉં, બાકી કા રાખવું?
ગઈ કાલે અગિયાર મે ના નેશનલ ટેકનોલોજી ડે હતો, ઇ જ દી એ પોખરણમાં પ્રયોગો થયા હતા.. ને તોય દુનિયાને પરચો દેખાડવા વળી બે ભડાકા તેર મે ના કર્યા..!! (જો ભાઈ આપણે આપણી રીત માં કે'વી, શિષ્ટ રીતે તો પાઠ્યપુસ્તકોમાં પણ મળી રહેશે..) મોટા, બે તયણ દિ થી આળસ માં ને આળસમાં આવું બધું જોયું, એમાં એક નામ મળ્યું, 'રાજા રમન્ના'.. આપણે ભારતની પરમાણુ શક્તિ માટે ભાભા, કલામ સાહેબ અને ભારતીય સેના ને યાદ રાખીયે છીએ પણ આ પાત્ર એ વ્યક્તિ હતા જેમણે પોખરણ થી પણ પહેલા ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા પણ સુપરવિઝન કર્યું હતું, પોખરણની સફળતા બાદ સદ્દામ હુસેન આંધળો રૂપિયો દેવા તૈયાર હતો ટેકનોલોજીના બદલે, પણ આમણે રાષ્ટ્ર સેવા સર્વોપરી રાખી. પછી તો દુનિયા જાણે એમ જગતજમાદારે સેંક્શન લાદયા ને થોડાક દિ માં જ થાકી ને પાછાય ખેંચી લીધા ને આપણી વાંહોવાહ પડોશીએ "પા-પા કિલો" ના ટેસ્ટ કરી લીધા..!!
તે મોટભાઈ, આળસ આવે તયે કાનમાં ઈયરફોન ચડાવી ને કામ કરતા કરતા આવું ક્યારેક ક્યારેક સાંભળી લેતો હોય પણ મારી યાદશક્તિએ આળસુ છે. આજ ઑફિસ માં ય કાંઈ ખાસ કામ નહોતું તે આળસનો સદુપયોગ કરીને એક ફિલ્લમ જોઈ, એમાંય બે કલાક તૂટ્યા મોટા..!! ફિલ્લમ ના નામે કચરો .. !! વળી આળસ ચયડી, તે વળી યુટ્યુબ માં કાંક સારું મળી રહેશે તે એમાં ય રાજકારણ હાલતું તું, આ રશિયા યુક્રેન બાધે એમાં દુનિયા આખામાં ઘઉં આળસ કરી ગયા એલા..!! હવે જે દેશો ભારત ના ઘઉંની ક્વોલિટી સારી નથી એમ કહીને પાડોશીના ઘઉં લેતા ઈય આજ પચા હજાર ટન નો માર્કેટ ભાવ થીય ઊંચા માં ઓર્ડર દઈ બેઠા..!!
મોટા, આ ઘઉંની માંડી તે એક વાત યાદ આવી, ૨૦૦૪ માં પણ આપણા દેશ માં ઘઉં નું ઘણું ઉત્પાદન થયું'તું, તે મંડ્યા એક્સપોર્ટ કરવા…એવડા બધા એક્સપોર્ટ કરી નાખ્યા કે ઘરમાં ય રાંધવા નહોતા રયા.. પશ્ચિમી દેશો તો બ્રશ કરીને દાંત કાઢવા તૈયાર થઈ ગયા'તા, અમૂકે તો ચોકઠાં ય ચમકાવ્યા તા પણ આબરૂ રહી ગઈ મોટા..!! તે ઓણ જોઈએ આય દાઢી વાળા છે, ડેટા સાચવે તો સારું..!!
એલા આળસ માથે લખવાનું કીધું તું પણ એમાં આળસ આવી ગઈ'તી તે આવું લખાઈ ગયું હો..!!