"આજે વાતનું વતેસર રહેવા દઉં..!!"
ખરેખર મને એક વસ્તુ નથી સમજાતી..!! બધા નાનપણથી શીખવાડતા'તા કે સત્યના માર્ગે હાલો, પણ હકીકતે કોઈ હાલી શકે છે ખરું? હા, ગૃહસ્થી જીવન કે આ સંસારથી સન્યાસ લઇ ને જિંદગી જીવો પછી સત્ય નો સાથ પામી શકાતો હશે કદાચ.!! કેમકે સન્યાસ લીધા પછી તો જીવનના કોઈ પણ પ્રસંગે ધર્મસંકટ તો નડવાનું નથી..! એક દ્રષ્ટાંત લઈએ , ધારો કે કોઈ કંપની હોય અને તેને ત્યાં ઇન્કમટેક્સ કે જી.એસ.ટી કે એવી કોઈ પણ રેડ પડે અને અધિકારીઓ ત્યાંના કર્મચારીને પૂછપરછ કરે ત્યારે એ કર્મચારીએ કયો પક્ષ લેવો? સરકારી ભરણાં ભરવા કંપનીઓ નાનીમોટી ચોરીઓ કરતી જ હોય. હવે તે નોકરિયાત માણસને અધિકારી સત્ય પૂછે તો એ વ્યક્તિ શું જવાબ આપી શકે? નોકરી કરનારના દાણા કંપનીનો માલિક પૂરતો હોય છે, એટલે નોકરિયાત તે અન્ન ના નામે કંપની નો સાથ દેવો રહ્યો, અને સત્ય એ છે કે કંપની એ નાનીમોટી ટેક્સ ચોરી કરી છે એટલે જ ત્યાં રેડ પડી છે. જો તે નોકરિયાત કર્મચારી સત્ય કહે તો 'દ્રોહ' થયો ગણાય અને ન કહે તો 'અસત્ય' થયું. આ પ્રસંગે તો યુધિષ્ઠિર નું 'નરોવાકુંજરોવા' કરીને 'મને ખ્યાલ નથી' એમ પણ ન કહી શકે..!! બીજું કાંક ઉદાહરણ લઈએ. ધારોકે એક કંપની માં રેડ પડી, કંપની નિટ એન ક્લીન હતી, બધા ખાતાઓ સરકારી નિયમોનુસાર હતા અને રેડ કરનારા અધિકારીઓ ડરનો પ્રભાવ ઉભો કરીને કાંઇક ખિસ્સા ગરમ કરવા કહે અને તમે ન કરો તો ફરજી કેસ ચલાવે ને સત્ય, સમય અને ઉર્જાની સતત બરબાદી કરવા કરતાં ખિસ્સું ગરમ કરવું સહેલું પડે, પછી ઇ વાની જે પધરાવી એ ઉપજાવવા ચોરી કરવી પડે અને પહેલું દ્રષ્ટાંત પુનરાવર્તન પામે..! આમાં વાંક કોનો? પ્રથાનો, પદ્ધતિનો કે પરિણામનો? અને તે નોકરી કરતા કર્મચારીને પક્ષ કયો સાચો? નિષ્ઠાનો કે સત્યનો?
આપણે ત્યાં તો સત્ય કેવળ સત્યનારાયણની કથા પૂરતા જ છે. બાકી કોઈપણ વ્યવસાય માં, જીવનના ધર્મસંકટોની પરિસ્થિતિઓમાં પૂર્ણ સત્યનું 'આગમન' થવા પામતું નથી જ. છતાં વિશ્વાસના જોરે સત્ય નો ટકાવ થઈ રહ્યો છે. કદાચ ફિલ્મોની કોર્ટમાં ગીતા પર હાથ રખાવી કસમો આપે છે એ પણ વિશ્વાસ ના જ આધારે કે સત્ય નહિ તો અર્ધસત્ય પણ, તથા કોઈ તુચ્છ તર્ક પણ બહાર તો આવે.
"કોઈના હિત માટે બોલાયેલું અસત્ય અસત્ય નહિ પણ સત્ય છે." શું આને સત્યની વ્યાખ્યા માં કરેલી બાંધછોડ કહી શકાય? જો આવું જ હોય તો દરેક અસત્ય પાછળ કોઈ ને કોઈ નો હિત-લાભ હોય જ છે. તો પછી સત્યની જરૂર શું? જો લાભ કે હિત માટે સત્ય ને મરોડવામાં આવે.
ખબર નહિ આગમન ની ગાડી આજ કયે પાટે ગઈ?