ગુજરાત - પ્રાંત, પંથક, પરગણાં

0

મને ગર્વ છે હું ગુજરાતી છું.

જો કે આમ તો આપણે પેલા આની ઉપર લખી લીધેલ છે પણ હાલો ને બીજી વાર.. આમ તો આજ નું ગુજરાત 1960 માં આયવું હો. એની પેલા, તો કેટલી બધી ગુજરાત હતી..? આમ આથમણેથી શરૂઆત કરવી તો પેલ્લો આવે કચ્છડો,


કચ્છડો ખેલે ખલકમેં જિં મહાસાગરમે મચ્છ,
જીત હકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ..!


પાછો કચ્છડો બારેમાસેય હાચો હો.. ન્યાથી નાનું રણ પાર કરી ને વ્યા આવો એટલે સૌરાષ્ટ્રમાં દાખલ થાતાવેંત આવે ઝાલાવાડ.. સુ.નગર, લીંબડી, ધ્રાંગધ્રા, હળવદ આ હંધોય મુલક એટલે ઝાલાવાડ..

પાછું ઝાલાવાડ માં થાનગઢ, ચોટીલા,મૂળી આ બધો વિસ્તાર એટલે પાંચાળ


તાતા તોરિંગ મૃગકુદણાં, લીલા પીળા લાલ,
ભલ વછેરા ઉછરે, પડ જુઓ પાંચાળ


ઝાલાવાડથી પાછા થોડાક કચ્છ કોરા વ્યા આવો એટલે જે પંથક આવે ઇ મચ્છુકાંઠો. મચ્છુકાંઠો ઇ મોરબી.. ન્યાથી હદ શરૂ થાય હાલાર પંથક. હાલાર એટલે હાલાર હો.


નદીયું ખળુંકે નીર વહે, મોર કરે મલાર,
જ્યા સાતે રસ નીપજે, ભોંય ધરા હાલાર.


હાલાર ની દખણાંદે જ્યાં દ્વારકાધીશ બેઠોક છે ઇ પંથક એટલે ઓખા મંડળ. ઓખાથી થોડેક આગળ આવો એટલે બારાડી પંથક, બરડા ની ડુંગરમાળા પ્રકૃતિ પાથરીને બેઠી છે ન્યા હો..!


બરડો, બારાડી અને ઘેડ,
ને મોસમનો નહિ મેળ,


ન્યાથી ઉગમણે હાલ્યા આવો એટલે ઘેડ. માધવપુર બીચ હમણાં બહુ ફેમશ થયું છે ને એને ફરતો પંથક ઇ ઘેડ.

 
નાખો એટલું નીપજે, ને કરીયે એટલી ખેડ,
નહિ નીંદવુ નહિ ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ
.


હજી આગળ હાલો,
ઘેડ એટલે કે માધવપુરથી કોડીનાર, ચોરવાડને ઠેઠ જાફરાબાદ ના દરિયા સુધી પથરાયેલો પંથક એનું નામ નાઘેર.


વાજા ઠાકોર, અંબવન, નાર પદમણી ઘેર,
રેંટ ખટુકે વાડીએ, ભોંય નીલી નાઘેર.


એની ઉપરે કે ઓતરાદી કોર્ય આવે ગીર. ત્યાંના લોકો લાડથી એને "ગાંડી ગર્ય" કે હો,

 
ગીર માં નો મળે ગામ, ન્યા તો નાના નાના નેહડા,
ધન ચારણના ધામ, જ્યાં દુધમલિયા દોટયું દીયે
.


એ સોરઠ પાર કરો એટલે દરિયાકાંઠા કોર્ય સોરઠ અને ગોહિલવાડ ની વચ્ચે આવેલ પંથક ઇ બાબરીયાવાડ. પૂર્વમાં ખંભાતનો અખાત અને દક્ષિણમાં શેત્રુંજી ના કાંઠે આવતો સીમાડો એટલે ઉંડસરવૈયાવાડ. અને વલ્લભીપુરની આસપાસ નો વિસ્તાર વાળાંક. બાબરીયાવાડ ની બાજુમાંથી જ ગોહિલવાડ પંથક કયો કે પ્રાંત એ શરૂ થાય.

ગોહિલવાડની ઉત્તરે આવે ઇ ભાલ હો.

 
નહીં છાશ છમકો ને છાંયડો, એવા કેતાક અવગુણ કહું?
પણ ભૂંડામાં ભલું એટલું , ભાલ નીપજે ઘઉં.


ભાલથી ઉપર વ્યા જાવ એટલે નળકાંઠો. ઇ ભાલ, સૌરાષ્ટ્ર અને વઢીયારથી ઘેરાયેલ પંથક. વઢીયાર એટલે નલકાંઠેથી ઉત્તરે ને ઝાલાવાડની ઉપર આયવું ઇ. પાછું સાંતલપુર આજુબાજુ નો પંથક ચોરાડ નામ. એનાથી આગળ અમદાવાદ કોર્ય ચરોતર ને દખણે રેવાકાંઠો, લાટ વગેરે.. આમ નાના પંથકો, પરગણાં, પ્રાંત ભેળા થઈ ગુર્જરી દેશ ગુજરાત બને..

ઓલ્યી બાર ગાઉ એ બોલી બદલે ઇ વાળી વાત તો મેં પેલા કિધેલી છે એટલે ઇ આંય રેવા દેવી, ખાણીપીણી માં ગુજરાત ને કોઈ પુગે? આપણે ઇ પરજા છીએ જે પત્ર લેખનમાં પણ "જય ભારત" પહેલા લખીએ છીએ નહિ કે જય ગુજરાત…!!

લ્યો હવે લખીને થાયકો હો. બાકી તમેય ગુજરાતી છો એટલે જાજુ શુ કેવું?

Post a Comment

0Comments
Post a Comment (0)