ગરમીનો પ્રકોપ..

0

એક દિવસ મોટાભાઈ ન આવ્યા એટલે રીતેશભાઈ ક્રિશ્ચિયન ચિઠ્ઠી દઈ ગયા, "ગરમીનો પ્રકોપ.."


તો વાંચો આગળ મનમોજી ને..


મોટા હોય તો વાતનું વતેસર થાય.. પણ રામજાણે, આજ રવિવાર ની રજા રાયખી કે કાલ મેં ઘઘલાયવા એનું ખોટું માની ગયા .. પણ આજ સવારના હજી લગ ડોકાણાં નથી..!!

તે આજ રીતેશભાઈ કે ગરમી નો પ્રકોપ લખો.. !! હવે આપણે રયા ગામડિયું માણહ, અમારે તો ઉનાળો આવે એટલે ધોમ તડકાના આખાય ગામ માં સોપો પડી જાય હો, કાળું ચકલુય ફરકે નહિ..!! તે આવા ધોમ ધખતા તાપમાં લોકસાહિત્યકારો કે એમ કેવો તડકો છે? તો.. એય ને મુઠી ભર મકાઈના દાણાને આ તાપમાં મારગ ઉપર ઘા કરોને ઘડીક વાટય જોવો ત્યાં તો ફટ ફટ ફટ કરતીક ની ધાણીયુ થઈ જાય એની, હયણકા(હરણ)ના તુંબડા(ખોપરી) ફાટી પડે, જાણે માભારતનો દાદો ભીષ્મ કરશન ની હથિયાર નો ઉપાડવા ની પ્રતિજ્ઞા તોડવવા પાંડવાનું સૈન્ય ધમરોળે તયે ત્રણેય લોક નો નાથ કરશન રથ નું પૈડું કાંધે નાખીને ભીષ્મ સામું ઉગામે ને જે તાપ એની આંખ્યું માં હતો એવો કે પછી દક્ષ ને ન્યા સતી બાદ વિરભદ્રએ જેમ સભા ધમરોળી, ત્યારે જે ક્રોધનો આવેગ હતો એવો કે હજી ત્રિલોચને ત્રીજું નેત્ર ઉઘાડીને કામને ભસ્મીભૂત કર્યો એ અગ્નિની જ્વાળાઓ જેવો કે પછી રગતબીજ નું રુધિર ભરી ભરીને ય ખાલી રહેલું ખપ્પર જોઈ ને મહાકાળીનો પ્રકોપ ઠરતો નહોતો એવો ગરમીનો પ્રકોપ અટાણે સૂરજ ઓકે છે..!!

આતો થયું ભાઈ સાહિત્યિક, ને વૈજ્ઞાનિક તો તમે સૌ જાણો એમ વૈશ્વિક ઉષ્ણતા (ગ્લોબલ વોર્મિંગ) જ જવાબદાર છે, ને એ ઉષ્ણતા વધારવા માનવ જવાબદાર છે..! માણહ માણહ છે હો પણ.. સૂર્યની ગરમીથી બચવા એ.સી. વિકસાવી, ને એ એસી ચલાવવા સૌર ઊર્જા(સોલર પાવર) વાપરે તો સૂર્યની શક્તિઓનો એની જ વિરુદ્ધમાં ઉપયોગ કર્યો..!! એટલે સુરજદાદો ખારો થયોને ઓણ સો - સો વરહ ના ગરમીના રેકોર્ડ માંડ્યો તોડવા, પાછું એકલી ગરમી નહિ, સૂર્યની ગરમીથી દરિયો ગરમ થાય, ને દરિયાના પેટમાં વાયુ થાય, એટલે પાછો વાવાઝોડા નો ય ભો(ડર) ઉભો ને ઉભો હો..!! ગયે વરહ એક ઝાડવું ઉભું રેવા દીધું નહોતું વાવાઝોડાએ, બાવળહોત (બાવળ પણ) સુવડાવી દીધા'તા.

હવે થોડુંક જ્ઞાન બાટી દઉં, જોવો જે ઝડપે જંગલો કપાય છે, (આ સાંભળેલું નથી કહેતો, મારી નજરે જોયુ છે કે કપાયેલા જંગલોનું મહિને સરેરાશ ૩ લાખ ઘનમીટર-ક્યુબીક મીટર લાકડું - આખા દેશનું ૬૫ % આયાતી - કંડલા બંદરે ઉતરે છે. આ આંકડો ખાલી કંડલા બંદર નો છે, દેશના બીજા બંદરો અલગ. એટલે આપણી જ -ભારત દેશની- ખપત કેવડી હશે એનો અંદાજો તમે કરો, બીજા દેશો તો અલગ...) એટલી ઝડપથી નવા જંગલો સર્જાશે નહિ..!! એક એવું પણ તારણ છે કે આ વધતી ગરમીથી ધ્રુવના ઓગળતા બરફથી દરિયાનું સ્તર વધશે અને ૨૫-૩૦ વર્ષોમાં દરિયો તેની હાલની સીમા થી ૧૦ કિલોમીટર જેટલું અતિક્રમણ કરશે..!! આ વર્ષે અપ્રિલની ગરમીએ ઘઉંના પાકોને પણ નુકસાન કર્યું જ છે..!! આવી તો કેટલીય ઝીણી ઝીણી બાબતો છે, બાકી તો તમને ય વોટ્સએપ માં આવતું જ હયશે, એકાદ ઝાડવું વાવો, પંખીડા હાટુ ચણ-પાણી ક્યાંક ટીંગાડી રાખો, વરસા નું પાણી સાચવો-"જળસંચય".. ને એ બધું સૌ જાણે જ છે પણ આચરે ક્યાં છે કોઈ? મેંય બે તણ છોડ વાડે વાયવા'તા, એક લીમડો, એક આંબો પણ બળી ગયા, હવે એકાદ વરસાદ ની હેલી થાય પછી વળી કાંક વાવી આવીશ..!! (મેં વાવ્યું એટલે જ્ઞાન બાંટ્યુ હો.)

ને એલાવ કાંઈ નહિ તો મોટરસાઇકલ કે સ્કુટી/સ્કૂટરની સીટ ગરમ નો જોતી હોયને તો એકાદ દેશી બાવળ ને કાં તો આવળ વાવજો.. પણ વાવજો..! બાકી ઓલ્યા કાબરચિતરા કુંડા માં થોર(કેક્ટ્સ) વાવીને ફેન્સી જગથી પાણી પાતા પાતા લીલા રંગને હાઇલાઇટ કરતું ફિલ્ટર સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા માં મૂકીને હેશટેગ ગ્રીનરી લખ્યા થી ગ્લોબલ વોર્મિંગ ને કાંઈ ફેર નો પડે..

Post a Comment

0Comments
Post a Comment (0)