(મોટા, તડકો બોવ તપે છે હો, અમારે આય તો દીકરો એમ કે બાપા ગરમી બોવ છે એટલે બાપો વાળંદને ન્યા લઈ જઈ ને ટોલો મુંડાવી નાખે..!!)
લાગલગાટ લેખનથી વિરામ લેવા, ને yq માં બેચાર પોસ્ટ વાંયચી'તી તે થોડુંક મનમાં ખટાશ આવી ગઈ'તી, તે હવે ટાઢો થાવા હાટુ વાડીએ ઢોલિયો (ખાટલાનો મોટોભાઈ) ઢાળીને પીપળ હેઠે બેઠો'તો. બંધાણ તો નથી, પણ તોય માટલી માંથી લોટો ભરીને હોકો ધોયો, કળશયો નવા પાણી થી ભર્યો, પીપળ હેઠે બે ચાર સૂકા ડાળખા બાળીને કોલસો કર્યો, ને હોકો ચેતાવ્યો. એક લાંબો દમ ખેંચીને ધુમાડાનો ગોટો છોડ્યો ત્યાં જ સામે શેઢે થી ડાઘીયું ધોડતું આયવું. વળી છાપરે થઈ બિસ્કિટ ઉતારીને આને નાખ્યા, એટલા માં ગજો ને રુગો ખંભે હાથ નાખીને સામે થી હાલ્યા આવે..!! હવે થઈ રયો આરામ ને થઈ રયો વિરામ..
"કેમ છો મહાશય? શું હાલે લાલા?" ગજો ને રુગો બેય હાર્યે બોલ્યા, ને ઢોલિયામાં સાંકડમૂકડ સમાવા મથ્યા.
"એલા એય રુગા, આ તારી કાયાનો ભાર ધરણી ઝીલે - ઢોલીયો નહિ, એ સામે કંતાનિયુ પડ્યું ભર ભરવાનું ઇ લઈને આય પાથરી લે હેઠું..!"
"એવું ની ચાલે, ગજો ઉપર બેહહે ટો મેં ભી ઉપર જ બેહવાનો." રુગા નો પ્રચંડ વિરોધ.
ગજા ને કહું "ભાઈ, તું તો સાહિત્યિક જીવડો, જો આ ધખતી ધરણી તને કાંક સંદેશો દેશે, તું હેઠે કંતાનીયે બેહ." મથલ મારે ઢોલિયો જૂનો છે ને ઝાઝો ભાર આવતા ભાંગે તો વળી આ મોંઘવારી માં એનો ય ખર્ચો મારે..
તે ગજે કંતાનિયુ પાથરી ને ધરતી માં કાન માંડ્યા.. મારી હામુ જોઈને કે "સમજાયું નહિ મહાશય પણ ઉની ઉની ઉષ્માયુક્ત વરાળ આવી.."
"તે એલા ઇ વરાળ માં જ કાંક સંદેશ છે ને તું સાહિત્ય નો જાણકાર, કાંક જોડી લે કોયડો." મેં કીધું ને એણે કલમ કાગળ લીધા હાથમાં, ને વિચાર વાયુએ ચડ્યો.
મેં રુગા ને હોકાની નળી ધરી, "ના લાલા, આપણને ની ફાવે એ." તે મેં ડાઘીયા હામુ જોયું, બિસ્કિટ ખાઈને ય ઇ હજી જીભડી બારી કાઢીને કાંક મરકાતો લાગ્યો, હું કઉ "લે! તારેય રસ ચાખવો હોય તો આયવ." ઇ બે વાર ભૌ ભૌ કરીને પીપળના થડ પાંહે ખોદીને શરીર સંકેલીને હુઈ ગયો..!!
રુગો બેઠો'તો ઇ કોર્ય ઢોલિયો સહેજ જમીન માં ખૂતી ગ્યો તો, તે મેં પૂછ્યું "રુગા, હૈયાની વાત કેજે, ઉલ્લાસપૂર્ણ ઘડપણની તે શું તૈયારી કરી રાખી છે."
પેલા તો એણે બેય નેણ ભેળા કર્યા, આંખ્યું ઝીણી કરી, માથું ખંજવાળતા ખંજવાળતા મને કે,"જુઓની લાલા આમટો ઉપરવાળા નું દીઢેલું બઢું છે, દોલટ, શોરટ, ઈજ્જટ… પણ એક કહ્યાંગરુ બૈરું જોવે."
ત્યાં તો સાહિત્યિક ગજો કે "મિત્ર, આમ તમે સ્ત્રી વિશે અપમાનજનક વાત ન કરી શકો, મન માં ફેમિનિઝમનો ભય ભરો. અન્યથા સર્વ સ્ત્રૈણ જનમાનસમાં તમારી આ કુંઠિત માનસિકતાનો પ્રચંડ વિરોધ થશે, તથા તમારા સ્ત્રીદ્વેષીપણાના અક્ષમ્ય અપરાધ બદલ ઠેર ઠેર તમારા પૂતળા બાળવામાં આવશે, કોઈ સ્ત્રી તમારા પર કોઈ આરોપ હેઠળ કેસ કરશે, તો કોઈ વળી તમારા પર કૂદી કૂદી ને થપ્પડો વરસાવશે, સર્વ કોઇ તમારા આ અપરાધથી તમાશો જોતા વિડિઓ બનાવશે."
"એલા એ પોરો ખા, શું ધોમતડકા નો ચોંયટો છો તે, કયાનું ક્યાં પુગાડે છો?, હાલ્ય ઇ કે ધખતી ધરણી એ હું કીધું તને?" મેં વાત વાળી તે રુગો થોડોક થથરતો મટ્યો.
"મનમોજી, તમે બસ મનનું સાંભળ્યા કરો છો, બીજા કોઈનું સાંભળ્યું? ધરણી પાસે કાન રાખતા તેણે કહ્યું, માણસો પોતાની સુવિધાઓ, સુખો ના ભોગ સાટુ મારું શોષણ કરીને પોતાનું પોષણ કરી રહ્યા છે.. આ ધુમ્રપાન નુકસાન કરે છે તોય આ હોકાનું સેવન તમે કરો જ છો ને, બાકી આમાંથી કયું પોષણ મળે છે? કોઈ દી આત્માં શુ કહે છે સાંભળ્યું છે? કોઈ કુદરતના અવાજો ધ્યાનથી સાંભળ્યા છે, તેમના શું સંદેશ છે, તેમની લાગણી શુ છે? તેમની ઇચ્છા શું છે?"
હોકાને તત્કાલિક ઠારવો પડ્યો. "અરે ભાઈ ગજા, તને હેઠે શું બેહાડયો, ધરણી હાર્યોહાર તુંય ધખ્યો હો, આવ્ય આયાં ઉપર બેહી જા, હું ન્યા હેઠે બેહી જાઈશ."
"લાલા, આને મોઢે ટેપ ચોંટાળો ની..!"
"બેહ બેહ, બચાળો હૈયાની વાત કરે છે, કરવા દે એને..!!" ત્યાં તો વળી ગજાની કેસેટ વાગી, "શુ માંડ્યું છે? કોઈ બોલે તો વાંધો કોઈ નો બોલે તો વાંધો, સાંભળો, આ ધરતી સાદ કરે છે, કહે છે, એના પડ હેઠળ સંસ્કૃતિઓ સંગ્રહિત છે, દેવતાઓ પણ દાબયા છે, કોઈ વિરોના પાળિયા પણ પોકારે છે, વીરતાંને આવકારો કરે છે, કોઈ મહાસંગ્રામોના અવશેષો પણ ત્યાં અવાજો કરે છે. પણ કોણ સમર્થ છે એ પડને ઊંચકવા? તમારે લોકો ને તો બસ ખાવું છે, જીવવુ છે, ને ઉલ્લાસપૂર્ણ ગઢપણની તૈયારીઓ કરવી છે! ગઢપણ માં શેનો ઉલ્લાસ? શાંતિ રાખો, ને હળવેક થી ગુજરી જાઓ, પણ નહિ,ત્યાં પણ ઉલ્લાસ જોઈયે છે. શું ઉલ્લાસ માટે જુવાની ને પ્રૌઢપણું ઓછું પડ્યું છે? નહિ, ઘડપણ માં શું લીવાઇસનું જીન્સ ને લુઈસ ફિલિપ ના શર્ટ પહેરીને નાઈટબારમાં લૈલા મેં લૈલા ઉપર ઠુમકા મારવાના છે તે તૈયારીઓ કરવી? કમલેશ ભાઈ એ કીધું એમ ખાટલી ને માટલી ને ટેકા માટે સોટી ઘણી થઈ પડે..."
"એ ભાઈ ગજા હાઉં કર્ય હવે થાક્યો હોઈશ" ઢોલીયે થી ઉતરી એની પાંહે જઇ ને વાંહો થાબડતો તો ને ગંધ આવી..
"ગજા ગધેડા, મને હોકા ઉપર ભાષણ દેશ ને પોતે ગાંજો ઝીંકી ને કયું નો હથોડા ધરબા ધરબ થયો? ને છાપરે પડેલ નેતરની સોટી નો એના વાંહામાં ફેરવીને સટાકો બોલાવ્યો ત્યાંતો નશામાં ઝોલા ખાતો રુગો હોંશમાં આવીને ગજાને ખંભે નાખી ને ખેતરો ઠેકતા વ્યા ગયા હો..