મનમોજીનો મેળો..

0
વળી એક દી' મોટાભાઈની એક હાર્યે બાર ચિઠ્ઠીયું આવી, કે લખો ભાઈ લખો.. "પંખીના ટહુકા, ચા અને તું, માણસને માણસ સાથે ફાવતું નથી, તું મારી ડાયરી, એકાંત, આંખમાં છલકાય છે આ પ્રેમ, પુનઃ લગ્ન, માનવજીવનનો પાનખર યોગ, મારા ગયા પછી, દુઃખનો ભાગીદાર અને જીત."

રામ રામ મોટા, કેમ છે મોજ કે અખંડ મોજ?

     તે મોટા, તમારા સ્ટેજનો જાજો ભરોસો રહ્યો નથી તે, તમારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે ને એટલે દસ બાર દી' રજા રાખીને મારા હંધાય કાલા-ઘેલા લખાણોનો બ્લોગ બનાવી નાખ્યો.. 

     તે મોટા, અટાણે વાડીએ લીમડા હેઠે ખાટલો ઢાળીને લખવા બેઠો છું ને સાંજરું ટાણું તે પંખીડાવે દી આખો દોડધામ કરતી, લીમડે નકરી ચકલીયુ ચી ચી કરે છે, ચકલીયુમાં ય પોતાની જગ્યાનો ભાવ હોય છે હો, જે ચકલી જે ડાળે બેહતી હોય એ ન્યા જ બેહે, બીજે નહિ.. તે કયુંની એક બીજાને ચાંચુડી મારતી પોતાની જગ્યા ઓ પાછી લેવા દેકારો કરે છે ને મારૂ લખવા કરતા ઇ "પંખીડાવના ટહુકા"માં જ ધ્યાન જાય છે ઘડીએ ઘડીએ.. એટલા માં ડાઘીયો આયવો, "બિસ્કિટ ક્યાં એય?"

     "એય એટલે હું? કાંક સભ્યતા રાખ!" 

    "મારે શેની સભ્યતા? હું તો જનાવર, તું માણહ છો - તું રાખ, બિસ્કિટ દે નકર મારા દાંત છે ને તારો ખભો, જોઈ લે..!!" ને ડાઘીયે ધોળા ચમકતા દાંત દેખાડ્યાને થોડુંક ઘૂરક્યું.

    હવે ઓણ પંજાબ કે મુરટ જવાનો મેળ થયો નતો ને બિસ્કિટ નો સ્ટોક પૂરો થઈ ગયો તો તે હું કઉ, "હાલ ચા પીએ, સૃષ્ટિમાં સરળ પ્રાપ્ય અમૃત તો ચા છે.." એટલા માં ડાઘીયું બોલ્યું, "કોણે ગજે શીખવાડયુને?" ને મેં જવાબ દેવા કરતા તણ ઈંટડા ગોઠવી, સૂકા ડાળખા નો તા' કરી તપેલી ચડાયવી, ને કડક ચા તૈયાર. બે કપ ભર્યા, એક મેં લીધો, એક ડાઘીયા ને દીધો ત્યાં ઓલ્યો પાછો ઘૂરકયો, "હવે આ શેર વાળી કપલીયું રેવા દે ને આપણી દેશી અડારીયું કાયઢ, મારે કેમ પીવી?"

     "જી સાહેબ" કહીને મેં વળી અડારીમાં એના હાટુ ઠારીને દીધી, "લે શ્વાનોત્તમ શ્વાન.. "ચા અને તું".. બેય ઠરો હવે."

     પાછું મને કે, "માણસ થા માણસ..!!"

     "કેમ એલા તને મારા ચાર પગ દેખાય છે?"

     "હા, જો ને તારી "માણહ જાતને માણહ હાર્યે જ ક્યાં ફાવે છે?"

     "એલા તું ઇન્દ્ર નથી ને શ્વાનાવતારમાં? એલા હા! પણ હુંય ક્યાં યુધિષ્ઠિર છું, મનમોજી છું."

    "વાત બદલમાં એય..!! તે હું કેતો'તો કે માણહ ને માણહ હાર્યે જ ફાવતું નથી, પ્રેમ ની ઉણપ છે તમારા લોકો માં..! પાછું દિમાગ છે તમારી પાંહે તે, નકર વાડા બાંધ બાંધ કરો છો, જાત ના, નાત ના, રીત ના, ખાવા-પીવા ના, બુદ્ધિ ના, ભાવ ના પણ ને કલા ના પણ.. (હું વિચારી રહ્યો કે ગજાનું એઠું ખાઈ ગયો લાગે આ, ને એની વાચા વરસતી રહી.) ..પાછા એક બીજા ના વાડામાં કાંકરા નાખ્યા કરો. તોય કે અમે માણહ બુદ્ધિશાળી, (ને મને મોટા, લખવા મુદ્દો મળ્યો, જે ડાઘીયો કે ઇ માંડ્યો મારી ડાયરી માં છાપવા.) મેં લખતો જોઈને કે, "જોયું, મેં નહોતું કીધું, તમે માણહ જાત નામની જ બુદ્ધિશાળી, અટાણે તારી પાંહે લખવા હાટુ વિચારેય નથી ને જે હું કઉ છું એ છાપયે જા છો." ઘડીક તો થયું, કે હોકાની નળી ફેરવી ને આને ઝીંકી લઉં પણ વળી આ અબોલ-બોલકા જીવ માથે દયા આવી ગઈ.

     જાણે યુગોથી કાંક કહેવાને મથતાને જીભ આવી એમ ડાઘીયો બોલ્યે જાતો તો ને હું લખ્યે, ઘડીક તો મેં ખુદને વિશ્વનો શ્રેષ્ઠ લહીયો ધારી લીધો, હા, પ્રસંગ  જ વિશિષ્ટ હતો ને કે શ્વાન બોલે ને માણહ લખે..!!

     "એલા હાચું કેજે, તું ય ગજા ની જેમ કાંઇ પ્યાલો કે એવું ચાખી નથ ગયો ને?" 

     "તું એકલો જ ઠીક છો એમ કહીને ચા ની અડારી ચાટી ને પીપળ હેઠે ખાડો કરીને વ્યો ગયો ને પાછો હું ને મારું 'એકાંત' વધ્યા. ખરેખર આ માણહ વાડા કરીને જનાવર વાળી રીત તો રાયખી છે. વળી વિચારવાયું ઉપડ્યો, જો ક્યાંય સીમાઓ જ નહોત તો? કોઈ બંધનો જ ન હોત તો? ક્યાંય કોઈ દુશ્મનાવટ જ ન હોત તો? ક્યાંય કોઈ ભય જ ન હોત તો? તો તો એય ને અમારો ઘુઘો આઇફિલ ટાવર હેઠે "આંખોમાં છલકતા પ્રેમ" હાર્યે પ્રેમપ્રસંગના પ્રખ્યાત એ ત્રણ શબ્દો કહેતો હોત, અને ઘુઘી ય ઈંગ્લીશ ફ્રોક પેરીને તત્તણ વાર યસ-યસ-યસ બોલી ને પ્રેમના મહાસાગર માં ઝોલા ખાતા હોત, અમારો ગજો ફરી પાછો પુનઃલગ્ન તો નહીં પણ પુનઃપ્રેમ માં પડતો હોત, ને દિલમિલે-દિલજલે-ફિર દિલમિલે-ફિર દિલજલે ની પ્રક્રિયાઓ પુનઃ પુનઃ દોહરાવતો હોત, ને અમારા રુગાને એની રાણી રુઠતી ન હોત, પરદેશી પ્રીતમની પ્રીત માં "માનવજીવનનો પાનખરયોગ" રૂપી વિરહ આવવા ન પામે ને કાયમ પ્રેમની વસંત જ ખીલતી હોત.. પણ આ બધી તો સંભાવનાઓ.. સત્ય ક્યાં..? એ પણ માનવ જીવનની આંટીઘૂંટીઓ માં જ ક્યાંક દબાયેલું હશે ને.. કે પછી સત્ય તો ત્યાં હતું જ પણ જોવાની દ્રષ્ટિ નહોતી? અને એમ પણ બને કે દ્રષ્ટિ હોય પણ દ્રષ્ટિકોણ ખોટો હોય..

     જે હોય ઇ, પણ મોટા, વળી પાછું તમે "મારા ગયા પછી" એમ કહીને ક્યાંય ભાગવાની માંડો માં, આ દોરંગી દુનિયા ઉપરછલ્લી "દુઃખની ભાગીદાર" થાહે, ને વાંહે ઇ જ મારી જેમ ખોદશે, કે ક્યાં આ મોટાભાઈ કાયમ હાજર રેતા'તા, કોમેન્ટ તો વરહ ના વચલા દી એ દેતા, ને લાઈક કરે તો હાઇલાઇટ કરવાનું ભૂલી જાય, ને ક્યારેક તો કોલેબ ઓપન કરવાનુય ભૂલી જાય.. અવગુણ સૌ દેખે મોટા પણ ગુણ જોવા સારા માંહ્યલી દ્રષ્ટિ કેળવવી પડે, ને એ કેળવણી માટે સારી દિશા, દિશા માટે જ્ઞાન, ને જ્ઞાન પામ્યું એની તો ચારેકોર "જીત" છે જ..

શું કેવું તમારું મોટા, ને મોટાનો ગુજરાતી ડાયરો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)