વળી એક દિ,' મોટભાઈ કહે, "જિંદગીની વ્યાખ્યા."
મોટા, ઉર્જાની સતત ખપત સામે ઉર્જાનું સર્જન ઓછું પડે છે, તે વિદ્યુત બોર્ડ વાળા કાપ મૂકે. એક તો આ ધોમ ધખતો ઉનાળો, એમાંય જેઠ નો તાપ 'ને લૂ..! સાવ કાંઈ કામ વિના નવરા બેઠા હોય તોય પરસેવાના રગેડા હાલ્યા જાતા હોય, ગરમીથી ત્રાહિમામ થાતું હોય, તયે તમે પ્રગટ થઈને જિંદગીની વ્યાખ્યા પૂછો છો... શું કેવુ મારે?
મોટા ઓલી વાર્તા નથી, માણહ નું સર્જન કર્યા પછી ભગવાને માણહનું આયુષ વિહ વરહ નક્કી કર્યું, તે માણહ કે આટલા માં હું થાય, તે ગધેડા, કૂતરા અને વાંદરાનું ય આયુષ માણહ ને દીધું.. જન્મ પછી પેલા વિશ વરહ માણસ તરીકે જીવે, પછી ના વિહ ગધેડા ની જેમ આમ થી તેમ બોજો લાદી ને ધોડયા કરે, એના પછી વિહ વરહ કૂતરાની જેમ ભેગું કરેલાની ચોકી કર્યા કરે ને એના પછી વાંદરા ની જેમ એક ડાળ થી બીજી ડાળે પુત્રોના ઘરે ઉથલ્યા કરે..!
તે આવું આવું વિચારતો વાડીએ ધૂળના ઢગલામાં કાચો પાપડ શેકાવા ની રાહ જોતો બેઠો હતો, નયાં એટલામાં ગજો આવ્યો. ખભેથી ઓલ્યા કવિઓ રાખે એવી ઝોળી-કમ-બેગને આંબલીએ ટીંગાળી બાજુ માં બેસી ગયો. કાંક વિચારવાયુથી પીડિત લાગતો'તો. તે મેં વળી સહજ પૂછ્યું, "કાં ગજા કેમ છે? કાંઈ ડખો-બખો નથી ને?"
ત્યાં તો એણે આદરી, "તમને ખબર છે કાચા તેલ નો ભાવ વૈશ્વિક ઊંચાઈએ આંબી ગયો છે. તેના ઉપર તે તેલ ને અહીં સુધી લાવવાનો ખર્ચ, અને તેના બાદ તેના શુદ્ધિકરણ વગેરેનો ખર્ચ.. ખબર નહિ ક્યાં પહોંચશે આ બધું?"
"એલા, પારકું મુક, આ સીંગતેલનો ડબ્બો કેટલે પુગ્યો ઇ તને ખબર છે?"
"અરે પણ વૈશ્વિક સ્તરે પણ નજર હોવી જરૂરી છે તેનાથી આવનાર ભવિષ્યનો અંદાજો આવે છે."
"તો જરાક વૈશ્વિક સ્તરે જોતો! આ ધોકો હું તને ક્યારે મારીશ?"
"હૈ ! મને કાંઈ કીધું?" ગજો ગજની મુદ્દો ભૂલી ગયો.
"કાંઈ નહિ, મોટભાઈએ જિંદગીની વ્યાખ્યા કરવાની કીધી છે તને આવડે છે?" મેં વિષય વાળ્યો.
"અરે આ અમૂલ્ય માનવદેહ મળ્યો છે, પ્રથમ શ્વાસથી લઈને અંતિમ શ્વાસ વચ્ચે બળ અને બુદ્ધિથી સુશોભિત આ દેહ ને કોઈ દિશામાં એકધારું પ્રયાણ કરાવો, અને તે દિશામાં પ્રાપ્ય સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તથા એ સિદ્ધિઓ કોઈ અન્યને પણ ઉપયોગી થાય, વળી આત્મ કલ્યાણ નો હેતુ સિદ્ધ થતો હોય, પોતે પણ ફોરમે અને ચહુદીશાએ સુવાસ પ્રસરાવે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સોપાનો સાંગોપાંગ સર કરે તેનું નામ જિંદગી…"
"બસ લ્યો બાબા ગજાનંદ - ફીરકી ભરાઈ ગઈ..!"
"તો મને પૂછ્યું જ શા માટે? તમે તમારી જિંદગી નો ઉપહાસ કરી રહ્યા છો, જો તમારું કોઈ લક્ષ્ય નથી, કોઈ નીતિ નથી! આમનમ પથહીન થઈ ભટકતા રહેવું એ જિંદગીનો ઉપહાસ નથી શું?" ગજા ને પેલી વાર ગુસ્સે થતો ભાળ્યો.!
"હા હાવ હાચું, આલેલે પાપડ શેકાઈ ગયો જો..!!"
"હા, જિંદગી પણ પાપડ જેમ ક્યારે ભાંગીને ભુક્કો થઈ જશે નક્કી નહિ, કોઈ તોડે, ભાંગે કે પછી બટકું ભરે એ પહેલા પોતાની સુવાસ પ્રસરાવો, સ્વાદ થી મુગ્ધ કરો."
"જો ભાઈ ગજા, તારું તારા ઠેકાણે મારું જ્ઞાન મારા, મને એટલી ખબર પડે કે આવા જ્ઞાન હાટુ પેલી જરૂર પોષણ ની પડે ને પોષણ હાટુ ધાન ની ને ધાન હાટુ જમીન અને મેહ ની.. ને મેહ 'આવું આવું' કરે છે એટલે હું બાકી નો ચાસ ખેડી લઉં...!" કહીને આપણે માંડ છટક્યા મોટા ... !!