વાણી બતાવે છે સાચો સ્વભાવ..! વાણી-વર્તન-શિષ્ટાચાર

0
એક દિવસ મોટભાઈ કહે, "વાણી બતાવે છે સાચો સ્વભાવ"


     મોટભાઈ, વાણી સાચો સ્વભાવ બતાવતી હોય કે નહીં ઇ તો હું નહિ કહી શકું, પણ વાણીનો લહેકો જરૂર ડખો કરવી શકે..! તમે કોક ને સીધો ગધેડો કેશો તો ખોટું માની જશે પણ મલકતા મોઢે વૈશાખનંદન જેવા સંબોધનથી વાત નહિ બગડે..! (ખબર પડે તો બગડે ને..!)

     પણ મોટભાઈ વાણી એક રીતે સાચો સ્વભાવ કહી શકે નહીં, આ લાંબા લચક ભાષણો દેતા નેતાઓની વાણી માં કેવું અમૃત ઝરતું હોય જાણે, ને પડદા પાછળ ઇનો ઇ માણહ ફોન માં બબ્બે ટકરા દેતો હોય..! વાણી દેખાડો કરવાનું પણ સાધન છે. સ્વભાવને ચરિતાર્થ કરવાનું નહિ. માત્ર વાણી થી કોઈનોય સ્વભાવ નક્કી કરવો મુશ્કેલ છે જ્યાં સુધી તેનો વ્યવહાર માલુમ નો થાય. 

     અત્યારે આ ખાડી વાળા દેશો તેલ લઈને વાંહે પડી ગયા છે કે 'ભારત માફી માંગે', એનું કારણ વાણી છે, પણ એ વાણી ના વક્તા નો સ્વભાવ પણ એવો જ હોય એવું જરૂરી તો નથી જ ને..? હાલો માંડીને કહું, હમણાં એક ટીવી ડિબેટમાં ભાજપા પ્રવક્તા નૂપુર શર્મા એ પ્રોફેટ મોહમ્મદ ઉપર એક ટિપ્પણી કરી. એજ ટિપ્પણી જો ઓલ્યા ઝાકીર નાઈકે કરી હોત તો કાંઈ નો થયું હોત, પણ એક તો ભાજપા ની છવિ, પાછી હિન્દૂ પ્રવક્તા એટલે ભાવતું'તું ને વૈદે કીધું એમ ખાડી વાળા ખાબકયા, "ભારત માફી માંગે". ઠીક છે, ભારત સરકારે એમની રીતે કાર્યવાહી કરી ને પક્ષ માંથી તેમને બેદખલ કર્યા, પણ તોય આ વંટોળ કેમેય શમ્યો નહિ, ભારતમાં પણ અમુક સમુદાયો ઠેકડે ચડ્યા, અમુક બીકણ પણ બબડ્યા, કે ખાડી દેશોમાંમાં આપણાં કરોડ જેટલા માણસો કામ કરે છે, એમને કાઢી મુકશે એ લોકો, બેરોજગારી આવશે ને એવું એવું..!! તો એવાવ ને હું કહું એલા ભાઈ, જરાક વિચારીને વાણી વાપરો, ધારો કે ખાડી વાળા કરોડ જેટલા ભારતીયો ને ત્યાંથી કાઢી મૂકે તો નુકસાન કોનું? એજ લોકો નું ને? એ લોકો કાંઈ ત્યાં કામ કરતા ભારતીયોને બેઠા બેઠા તો ખવડાવતા નથી ને? ભારતીયોએ પોતાની આવડત ને આધારે ત્યાં જગ્યા કરી છેને? બાકી ઇ લોકો ને તો ખબરેય નહોતી કે ઇ તેલ છે.. આ તો અંગ્રેજો એ એમને કીધુ તયે એમની પાંહે અમીરી આવી. બાકી પેલા તો ઘોડાદળ બનાવી ને ઈય ભારતમાં નોકરીયું કરતા'તા, ઇતિહાસના પાના ઉથલાવો તો કેટલાય રાજ્યોની સેનામાં એમની ટુકડી હતી.

     વાણી મોટા વ્યવસ્થિત હોવી જોઈએ, મધુર તો ખાંડ પણ હોય છે. વાણીનો ઉપયોગ કઈ જગ્યા એ કેવી રીતે કરવો એવી આવડતનું જ્ઞાન જરૂરી છે. ઓલી કહેવત નથી કે, "બોલે એના બોર વેચાય" પાછા એના એ જ લોકો એ એમ પણ કહેવત કરી કે, "ન બોલવામાં નવ ગુણ"..  આપણે આયાં વાણીનું કેવડું સ્વાતંત્ર્ય છે..! જેને જે મરજી પડે ઇ બોલી દે, પછી થવું હોય ઇ થાય પણ એક વાર તો બોલી જ નાખો..! પાછી આપણી પ્રજા ય એવી છે, એક બાવાએ બાર વર્ષ મૌન રાખ્યું, તે પ્રજા કે વાહ બાવા મૌન, બાવા કાઈ બોલે નહિ, બાવા કાઈ કહે નહિ.. ઇના ઇ બાવા એ એક દિ કંટાળી ને કીધું જાવ દુકાળ થાહે.. તયે ઇની ઇ પ્રજાએ બાવાને કોસ્યો, બાર વર્ષે બાવે દુકાળ કરાવ્યો..!! એને તો નહોતો જ કરવો તમે મોઢા માં આંગળા નાખીને કરવ્યો.. ઇ કોણ જોહે? 

     પણ નહીં..! વાંક બોલે એનો ય છે ન બોલે એનો ય છે. ગાંધીના તયણ માંથી મૂંગુ વાંદરૂ માણહમાં ગળી ગયું છે..! ને કાયમના મૂંગાને જીભ જડે પછી ઇ પાછી પાની કરે?

     માણસ જેમ જેમ સભ્ય થતો ગયો એમ એમ એણે વાણીમાંય સભ્યતા વિકસાવી. નકર પધારો, આવ, ગુડા અને મર્ય નો અર્થ એક જ થાય હો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)