વળી એક દિવસ મોટાભાઈ કહે, "સ્વપ્નગ્રહની સફર"
મોટભાઈ સ્વપ્નસૃષ્ટિ સાંભળ્યું છે, પણ સ્વપ્ન નો ગ્રહ પણ હોય?
હશે! તો હાલો ઉપડીયે..!!
બરમુડા ટ્રાઈંગલથી સાડા બારહજાર કિલોમીટર ખંભાતની ખાડીમાં ખાબકેલું અમીતાબહેન પટેલનું ખડખડ પાંચમનું વેમાન એકદી તણાઈને સૌરાષ્ટ્રને કિનારે આવ્યું, અને ગજો દિવ-ઉદેપુરની ખેપ મારતો તો ઇ ભાળી ગયો.. છોટાહાથી માં નાખીને મારી વાડીએ લેતો આવ્યો..!
"એલા આ શું ઉપાડી આવ્યો." મેં પૂછ્યું.
"ભાઈ શ્રી મોટાએ સ્વપ્નગ્રહની સફર કરવા કહ્યું છે તેથી તેમાં આ 'અવકાશી ઉડ્ડયન યંત્ર' ઉપયોગી નીવડશે તેવા હેતુથી હું અહીં લાવ્યો છું."
"એલા આતો ઓલ્યું જગત રળિયાત કરવા ગયા'તા ઇ આ જ હતું ને?"
"હા મનમોજીજી, આ તે જ અવકાશી ઉડ્ડયન યંત્ર છે."
"પણ એલા આ તો પ્રથમી મા આંટો મરવે, એંનથી ઉપર જાવું હોય તો ઓલ્યું ઇસ્પેસ શટલિયું ખપે."
"એ બધી વ્યવસ્થા હું કરી લઈશ તમે સાંજે તૈયાર રહેજો."
ને મોટા, વાડીએ ગજાએ રીપેરીંગ ચાલુ કર્યું, ગઈ ફેરે રુગાએ પાયલોટ ને પજવ્યો તો તે ઇ તો સીટ હોતો છત્રી(પેરાશૂટ) લઈ ને ઉડી ગયો તો, એટલે કોકપીટમાં સીટ જ નહોતી. ગજા એ સીટને બદલે ખાટલો બેહાડયો એમાં, વેમાને ગઈ ફેરે પાણીમાં પછડાટી ખાધી'તી તે અમુક જગ્યા એ વેમાનની દિવાલ્યું માં તિરાડું પડી'તી ન્યા લાપી ભરીને માથે વેલ્ડીંગ કરી દીધું..! બે-ત્રણ બારીના કાંચ બટકી ગ્યા'તા, ન્યાં અમારા હમણાં જ ચૂંટાયેલા નવા સરપંચે ગ્રાંટુ ગળચીને નવો ખરપીયો (સ્કોર્પિયો) લીધો'તો એના કાંચ કાઢી આવ્યો ને વેમાન માં ચોંટાળ્યા. બેય ટાયર પંચર હતા તે જેક ચડાવીને ટાયર લઈને ગયો સજા સુથાર પાંહે, એને કે રંધો મારી ને થોડાક છોલી નાખ, તે ઓલ્યાએ તો ઘસીને ચમકાવી નાખ્યા, ન્યાથી ગયો પીરો પંચરવાળા પાસે બે નવી નક્કોર ટ્યુબ નંખાવી, પાછા પાણીમાં બોળીને પંચર ચેક કર્યા, ને લાવીને વેમાનમાં ફિટ કરી દીધા. વેમાનનું પૂંછડું બટકી ગયું'તું, ન્યા અલંગ થી એક લોઢાનું પતરું લઈ આવીને ચોંટાળ્યું. ગામમાં ક્યાંય એશિયન પેન્ટ હતો નહિ તે 'ખડી' (સફેદ ચૂનો) માં ચાર બુંદ ઉજાલા ઉમેરીને રંગરોગાન કર્યું.
એન્જીન ખાડીનું ખારાશ વાળું પાણી પી ગયું'તું તે ચાંપુ(સ્વિચ) ચાલતી નહોતી, ગજા એ ચાવી વાળું કર્યું પણ ચાવી મયડે તોય ચાલુ નો થાય..!! ટાંકી માં જોયું તો ઇંધણ જ નહીં..!! ગજો ગયો રાશનની દુકાને (સરકારી સસ્તું અનાજ વિતરણ કેન્દ્ર) પાછલે બારણે થી બે બેરલ(ચારસો લીટર) ઘાસલેટ લઈ આવ્યો. ટાંકી ફૂલ કરી પણ તોય એન્જીન ચાલુ જ નો થાય. હાર માને ઇ ગજો નહિ, એન્જીન જ કાઢી નાખ્યું. રુગા પાંહે ગયો, રુગા નો ભડભડીયો દેશી છકડો લેતો આવ્યો. એનું એન્જીન કાઢીને વેમાન મા ફિટ કર્યું. હવે એમા તો ચાવી ની જરૂર નહીં, એક રાંઢવું (જાડું દોરડું) ચકેડે ચડાવીને તાણ્યું ત્યાં તો ભડ ભડ ભડ કરતુંક વેમાન ચાલુ થયું હો..!
"ગજા, આ છકડા નું એન્જીન આપણને બીજા ગ્રહ ઉપર લઈ જાહે? જો જે ક્યાંક દબાય નહિ, નકે ગઈ ફેરે તો પાણી માં પડ્યા એટલે બચી ગયા પણ આ ફેરી તો ઓલવાઈ જાશ્યુ હો..!!"
"અરે મનમોજીજી, આપ ચિંતા કરશો નહિ, મેં મહારથ હાંસિલ કરી છે, નાસા વાળાઓએ મારી વિદ્યાને અવગણી હતી, હવે હું એમને મારું સામર્થ્ય દેખાડીશ. ટેસ્લા વાળો તો થોડેક સુધી જ લઈ જઈ શકે છે, હું આપ સર્વેને પરગ્રહ પ્રવાસ કરાવીશ."
મોટાભાઈ વિશ્વાસ તો ન્હોતો પણ પડશે એવા દેવાશે કહીને હું, ડાઘીયું, રુગો અને ગજો વેમાન માં ચડ્યા ત્યાંતો "અરે ઉતરો, ઉતરો, આ ઉડ્ડયન યંત્રને ઉભું ગોઠવવું પડશે, સીધું ઊંચું આકાશ તરફ ગતિ કરે તેમ."
"એલા એમ કેમ થાય, આ કાંઈ રમકડું તો છે નહીં કે હળ હોત તોય ખંભે નાખીને ખડું કરી દેત."
ત્યાં ડાઘીયું બોલ્યું, "આ માણસ જાત આમ કે બુદ્ધિશાળી, પણ છે નહીં હો."
"છાનુમાનું પડ્યું રે'જે ડાઘીયા, અવાજ નહિ, આઇડીયો દે." મેં કીધું. તે ઇ કે " જે.સી.બી. કે'દિ કામ આવશે?"
તે મેં વળી બેય જેસીબીના વાંહ્યલા પાવડા ને ટેકે વેમાન ઉભું કર્યું, સીધુ ઉપરની દિશામાં જાય એમ.
ગજાની રજા મળતા અમે ચારેય હવે વેમાનમાં ગોઠવાયા. ગજાએ છકડાનું હેન્ડલેય આમાં ચોંટાળ્યું'તું. ને દીધું લીવર, ભડ ભડ ભડ કરતોક અવાજ ગાજયો.. પણ વેમાન ઉડયું નહિ, ત્યાં તો રુગો કે "આઘો રે તારું કામ નહીં." કહીને ખાટલા ઉપર ગજાને ખસેડી પોતે બેઠો, એક્સેલેટર વધાર્યું ઘટાળ્યું, પાછું વધાર્યું વળી ઘટાળ્યું ને પછી એક જ જાટકે વધાર્યું ત્યાં તો વેમાન ઉડયું હો..!! ઉડુ ઉડુ ઉડુ કરતુંકને પૃથ્વીના વાતાવરણ ની બહાર નીકળી ગયું..! અવકાશમાં અમે પુગી ગયા'તા. ગજાએ હેન્ડલ હેઠે દસ બાર ચાંપુ(સ્વિચ) હતી, એમાંથી એક દબાયવી, ને ભાઈ અમે તો એક ગુલાબી ગ્રહ ઉપર પુગી ગયા, રુગા એ સફળ લેન્ડિંગ કરાવ્યું..
ઇ ગુલાબી ગ્રહ ઉપર અમે ઉતર્યા, પૃથ્વી જેવું જ હતું, પણ બધું ગુલાબી.. ધૂળ, માટી, આકાશ, વાદળાં, પાણી ય ગુલાબી..!! વાતાવરણ માં સુમધુર સંગીત વાગતું હતું. સામે વિશાલ વૃક્ષ હતું, એ પણ ગુલાબી, ડાળી, ફૂલ, પાંદડાય ગુલાબી..! પાંદડા માથે કાંક લખેલું હતું, મેં વાંચ્યું, "પ્રેમ" ને ગજાને ફેરવી ને એક ઢીકો વાંહા મા માર્યો, "આ ક્યાં લઇ આવ્યો તું? આતો તું કેતો'તો એવી તારી પ્રેમ ની દુનિયા લાગે એલા.." ઢીકાને કારણે ગજાને મોઢે થી રાડ નીકળી ગઈ ત્યાં તો ક્યાંકથી અવાજ આવ્યો "પધારો પધારો, આપની એક ઝલક જોવાને અમે વરસોથી પ્યાસી બનીને અહીં ઝૂરી રહી હતી." કહેતીક ગજી આવી., એની વાંહે આખું ટોળું હતું. મોટભાઈ સાચું નહીં માને કોઈ, મેં ગણી ને પુરી ૩૪૯ ગજી થઈ. ઓલ્યું 'પ્રેમ કરવો ગુનો નથી' તમે કીધું તે દી મેં એનો સાડા ત્રણસોનો આંકડો પૂરો નો થવા દીધો એટલે..!!
"ગજા આ શું? આવો પ્રેમ હોય? પ્રેમ એક હાર્યે હોય એકધારો નહિ..!! આવડી બધી ગજી?"
"નહિ મનમોજી, લાગે છે આ સ્વપ્નગ્રહના સેટિંગ્સમાં કોઈએ છેડ-છાડ કરી છે. મારો પ્રેમ એક પ્રત્યે જ હોય."
એટલામાં તો બધી ગજીઓ ફૂલ-હાર લઈને દોડી. ગજો ભાગ્યો, અમે ગજાની વાંહે, ગજો ગળી ગયો વેમાનમાં, વાંહોવાંહ અમે. ને ગજાએ ઉડાડી મૂક્યું. હેબતાઈ ગયેલા અમે ચારેએ નિરાંતનો સ્વાશ લીધો ત્યાં ભૂલથી હેન્ડલ હેઠે રુગાથી એક ચાંપ દબાઈ ગઈને વેમાન વળી અવળી દિશામાં ઉડયું.. ને કોક નવીન ખાડા ટેકરા વાળા ગ્રહ માં લેન્ડ થયું. અમે બીતા બીતા હેઠે ઉતર્યા..!
ચારેકોર મોટા મોટા બેનર બોર્ડસ લાગેલા હતા, રઘુરાયમલ નામના..!! ડાઘીયું મને કે "આ રઘુરાયમલ કોણ?" હું કહું "આ રુગો પોતે".
"તો એના નામના બેનર કેમ લાગેલા છે?"
"એલા, તું તો એમ પૂછે છો જાણે હું રોજ આંયા આવતો હોય. છાનુમાનું વાંહે હાલ્યું આયવ."
ને ડાઘીયાએ ધોળા કચકચાવીને દાંત દેખાડ્યા, ને હાલવા માંડ્યું. ત્યાંતો રુગાના ધર્મપત્ની શ્રી એ અવાજ કર્યો "એ સાંભળો છો?" ને રુગાને થરથરાટી થઈ ઉઠી..! "હાં.. હાં.. બોલો" માંડ થોથવાતો બોલ્યો.
રુગાની પત્નીએ રુગાની દિવા-આરતી ઉતારી, ને ચરણ-સ્પર્શ કર્યા. રુગો અચરજમાં હતો. પાણી માંગ્યું, ત્યાંતો સરસ મજાની ટ્રે માં રુગાને પાણી આપ્યું. અચરજ ઉપર અચરજ સર્જાતી હતી. રુગો કે, "બેસી જા" ત્યાં રુગાની પત્ની બેસી ગઈ, ઉભી થા તો ઉભી થઇ..! પણ આખા ગ્રહ ઉપર અમારા સિવાય કોઈ નહિ. તોય રુગાને મજા આવી ગઈ. એને તો ઓમેય કહ્યાંગરુ બૈરું જોઈતું'તું ને મળ્યું.. ત્યાં તો રુગીનું શરીર વધવા માંડ્યું, જોતજોતામાં તો મોટા ડુંગરા જેવડી થઈ ગઈ.. ને જોરથી રાડ નાયખી, અમે તો મોટા પાછા વેમાન કોર્ય ભાગ્યા હો.. ધોડતા ધોડતા મેં રુગાનેય ઢીકો ઝીંકી લીધો, "એલા કેવા સપના જોવે છો? આવડું મોટું બૈરું..?"
લબ દઈને અમે તો વેમાનમાં ગળી ગયા, ધ્રુજતા હાથે માંડ ગજાએ રાંઢવું, તાણ્યું, એન્જીન ભડભડાતી કરતુક ઊપડ્યું, પણ એટલા માં તો રુગી એ વેમાન ને હાથમાં લઈને એવો જોરથી ઘા કર્યો કે ઇ સ્વપ્નગ્રહની બાર અમે વગર ઇંધણ બાળયે નીકળી ગયા..!!
હવે હમજાય ગયું તું કે હેન્ડલ હેઠે જે ચાંપુ છે ઇ દબાવો તો જેણે દબાયવી એના સ્વપ્નગ્રહ માં પુગાડી દીયે.. ડાઘીયું ઠેકડે ચડ્યું, કે મારે ચાંપ દબાવી જ છે..!! અમે ના પાયડી કે બે વાર અનુભવ હારા નથી થયા તું રેવા દે પણ માને ઇ ડાઘીયું નહિ ને એણે ચાંપ ડાબી દીધી... ને વેમાન એક નવીન ગ્રહ ઉપર લેન્ડિંગ થયું..!! ઠાકર ઠાકર કરતાક અમે તો ઉતર્યા હો હેઠા..!! પણ આ ગ્રહ થોડોક થોડોક ગજા ના ગ્રહ જેવો હતો. પણ ચારેકોર નકરા બિસ્કિટ.. બિસ્કિટના ડુંગર, બિસ્કિટના બંગલા, બિસ્કિટના વાદળ બિસ્કિટનો વરસાદ કરે, બિસ્કિટની નદીયું.
અમે તો થોડાક આગળ હાલ્યા ત્યાં તો બેકરીવાલ ભાળ્યો..! "તું આયાં વળી શું મફતનું વિતરણ કરે છો એલા.." ને પ્રત્યુત્તરમાં એ બે વાર ખાંસ્યો માત્ર.
ને ડાઘીયું તો ભાઈ માંડ્યું આળોટવા, મન પડે ન્યા મોઢું મારે ને બિસ્કિટ ખાય.. સામે એક મોટો હોલ દેખાતો હતો, અમે અંદર દાખલ થયા. ત્યાં તો માણસના શરીરમાં શ્વાનના મસ્તક સાથે એક એલિયન ખાલી સભામંડપમાં ભાષણ દેતું હતું, "મહાનુભાવો, આપણે પૃથ્વી પરના વિશેષ જીવ મનુષ્યો કરતા વધુ દરજ્જો ધરાવનારું જીવ હોવા છતાં, મનુષ્યો આપણો ગેરલાભ ઉપાડે છે, આપણી પાસે ચોકીદારી કરાવે છે, આપણી સૂંઘવાની શક્તિઓનો અલગ અલગ સ્થાને અવનવો ઉપયોગ કરે છે, એ લોકોની પોતાની હિંસક પ્રવૃત્તિઓ પોષવા આપણને પ્રશિક્ષિત કરી હથિયાર તરીકે આપણો ઉપયોગ કરે છે. એ મતલબી મનુષ્ય જીવ આપણી જરૂરિયાત પૂરી થયા બાદ ઉપેક્ષા કરીને રખડતા છોડી મૂકે છે." ને ભાવવિભોર ડાઘીયું મારી સામું જોઈને કે,"જો એલા, જો, શીખ કાંક આની પાસે.." ને વાહવાહી કરી ડાઘીયે ત્યાં તો ઓલ્યો શ્વાન માથાળો જીવ અમારી હામુ ધોકો લઈને દોડ્યો.. ને પાછા અમે ભાગ્યા હો..!! ને મેં ડાઘીયાને કોણી મારી ને કીધું, "અમે તો માણહ છીયે, ને આને માણહ હાર્યે વાંધો છે તે અમે ભાગીએ પણ તું કા ભાગે?" તે ડાઘીયું કે "હું તમારી ભેળો રહું છું ને એટલે એક દિ સપનામાં આણે મનેય ધોકો ઝીંકી લીધો'તો."
ને ભાઈ અમે તો પાછા વેમાન માં.. હો.. સીધુ પૃથ્વી કોરા પ્રયાણ..! મારો સ્વપ્ન ગ્રહ જોવાની તો હિંમત જ નો રહી..!!
ગજાએ પોતાની આવડતનો ઉપયોગ કરીને ધીમે ધીમે પૃથ્વી કોર લેતો આવ્યો, ઓઝોનમાં પડેલા ગાબડા માંથી ગરકાવીને ગજાએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરાવ્યો..!! ને વાડીએ હેમખેમ લેન્ડિંગ કરાવી હેઠા ઉતારી દીધા..!! જેવા હું, રુગો ને ડાઘીયું હેઠા ઉતર્યા ને ત્યાં જ ગજો વેમાન ઉડાડી ને ક્યાંક વ્યો ગયો..ને મોટા મારી તો મતિ મુંજાણી હો.. ઉછીનું વેમાન ગજો લઈ ગયો ને બે-તણ કલાકમાં એક નવું વેમાન ક્યાંક થી લઇ આવ્યો..! "આ કોનું બઠાવ્યું ગજા?"
"અરે કોલમ્બોમાં પડ્યું'તું, રશિયાએ કરેલા યુદ્ધને કારણે તેમની એરપોર્ટ ઓથોરિટીએ લિઝ પર લીધેલા ઉડ્ડયન યાનો જેતે મૂળ માલિકોએ લિઝ ભંગ કરી પાછા મંગાવ્યા, એનો બદલો લેવા રશિયાએ એ વિમાનો કબજે કર્યા. એમાનું એક આ વિમાન ત્યાં કોલંબોમાં પડ્યું હતું, ત્રિશંકુ ની જેમ ઝૂલતું હતું, આ બાજુ તેની મૂળ માલિક આયર્લેન્ડની કંપની એ દાવો કર્યો 'ને બીજીબાજુ રશિયાએ લંકાને ધમકાવ્યું, એટલે હું અહી લઇ આવ્યો."
"એલા ભારે કરી, પણ વાંધો નહિ, હાલ, પુતીનને બે-ચાર બોટોક્સનો મેળ કરી દેશયુ એટલે હાલશે, ને આયર્લેન્ડને વાટકીના શિરામણ જેવડું કરીયે શું લેશ્યે, જોશુ હાલ, તું ઝટ જા, ચાર મણ ચોખા લઈને ઈરાન વયો જા, ઇ એને દઈને ન્યાનું પાણી લેતો આવજે ને અમીતાબેનને ન્યા મુકતો આવજે.."
ને ગજો ગયો.. (અમીતાબેન પાછું મોકલાવી દીધું છે હો તમારુ વિમાન, જરીક બદલી ગયું છે પણ હલવી લેજો હો..!)