રાત તો બાકી જ છે..
પરદેશી પ્રીતમ તો એની ચંદ્રપ્રિયાના સ્વપ્ન મમળાવતો પોઢી ગયો. વિયોગી હૈયાઓમાં હોય શું? ચારેકોર્ય બસ એકમાત્ર હ્રદયરાણી. ધમનીઓના ધબકાર માં પણ બસ એ વિયોગીને તો પોતાની પ્રિયા જ સાંભરતી હોય, ગતિવંત શ્વાસની ગણતરી પણ જાણે એજ પ્રિયા ના રટણ સાથે ચાલતી હોય, બીડાતી આંખ આડે પણ એજ પ્રિયાનો ચહેરો આવી ખડો થતો હોય, યાદોના આ ઘોડાપુર વચ્ચે ક્યાંક ક્યારેક એજ ચંદ્રપ્રિયા સામે ખડી હોયને એવો આભાસ પણ કરાવતી હોય, અમથે અમથા ક્યારેક એજ પ્રિયાનું નામ મુખેથી નિસરી પડ્યું હોય, જેને પોતાનું સોણલાં સજેલ હૈયું સોંપી ને એ કંથ પરદેશ કમાવા ખાતર ગયેલ. કમાઈ ને પરત ફરતા એ ધર્મશાળામાં એક બાવા સાથે વાતો કરતા કરતા પોઢી ગયો હતો.
એ બાવાએ એને કહેલ કે તારી ચંદ્રપ્રિયા તારી જ વાટ્યું જોતી ઝરૂખે ચંદ્રમાં તારા દર્શન ને આતુર થઈ રહી છે. અહીં આ પ્રીતમ પણ ચંદ્રપ્રિયાનું સુંદર મુખ યાદ કરતો પોઢી રહ્યો.
આગળની યાત્રા સારું, પ્રીતમ તો પ્રભાતનું પહેલું કિરણ ઉગે ન ઉગે એ પહેલા જાગી ગયો. પણ જાગતા જ જાણે આઘાત પડ્યો, એની તમામ માલમત્તા ક્યાંય ભાળી નહિ એણે. નહતો એનો લબાચો, ન કમરે ખોસવેલ રાણીસિક્કાની પોટલી, ન પેટી, ન પટારો, અરે સવારી કરીને આવેલ ઘોડો પણ નહીં. કશું જ નહીં. પેલો ત્રિકાળીબાવો પણ ત્યાં હાજર ન હતો. પ્રીતમ ને પહેલો વહેમ એ બાવા પર જ પડ્યો, એતો એ ગામની શેરીએ શેરી ફરી વળ્યો, પણ ક્યાંય કોઈ પત્તો જડ્યો નહિ.
ઘાત તો ઘણી ઊંડી પડી, આખુંય વરહ એણે તનતોડ મહેનત કરીને એ ધન કમાયો હતો. વળી ચંદ્રપ્રિયાને એક વર્ષ માં પાછા વળવાનો વાયદો પણ કરીને આવ્યો હતો. વાયદાને તો હજુ પંદરેક દિ આડા હતા પણ આ બાવો ક્યાંય કળાયો નહિ. માલમત્તા તો માલમત્તા, પણ પગ ના જોડાય ગૂમ..!
પહેલા પ્રીતમ પરદેશી હતો, હવે તો ઉઘાડપગો ય છે. તો આમ ઉઘાડપગો પ્રીતમ તો વન વન ત્રિકાળી બાવા ને શોધતો ભટકતો હતો. છ સાત દિ' મા તો એ નદી નાળાઓ, પહાડો, વન-જંગલો, રેતી, માટી, ગારો બધુંય ખૂંદી વળ્યો. ન મળ્યો તો એક એજ ત્રિકાળીબાવો.
એક દિવસ એ ઉઘાડપગો પરદેશી પ્રીતમ એક ગાઢ જંગલમાં જઇ ચડ્યો, લીલી વનરાયું પથરાઈ પડી છે. ઘટાદાર વૃક્ષોના પાંદડાઓએ ખરી ખરીને જમીન ઉપર જાડો થર ચડાવ્યો હોય, ચારેકોર બસ ઝાડવા જ ઝાડવા, ને વીંટળાયેલ વેલ. એવડું ગાઢ જંગલ હતું કે સૂર્યનું એક નાનું સું કિરણ પણ ધરતી ને મળવા પામતું નહોતું. ક્યાંક કોઈ જંગલી કીટક તમરાં સમાં ત્રમ્મ.. ત્રમ્મ.. કર્યે જતા હતા, ક્યાંય કોઈ ખિસકોલી બે હાથ માં કોઈ વનફળનું બીજ લઇ ખોતરતી હશે એનો અવાજ સુદ્ધાં આખા જંગલ માં જાણે ગુંજતો હતો. જંગલી તેતર પણ ક્યાંક સૂકા પાંદડાઓ કચડતા આમતેમ ભાગતા ત્યારે આવતા અવાજ થી ભય ઉદભવતો અને ઉ.પ.પ્રીતમ (અરે, ઉઘાડપગો પરદેશી પ્રીતમ) ને આખાય શરીર માં થરથરાટી થઈ ઉઠતી. પણ મહેનતનું ફળ એમ ચોરાઇ જવા દે એવો આ ઉ.પ.પ્રીતમ હતો નહિ. બરોબર જંગલ ની મધ્યમાં એક મહાકાય વિશાળ વડલો હતો, એની વડવાયું પણ લંબાઈને જમીન સાથે જોડાઇ ગઈ હતી. ત્યાં વડલાની પાછળની બાજુ એક ઓટલા જેવું દેખાતુ હતું. આખા કુદરતી વન વચ્ચે અહીં એને કાંઈક મનુષ્ય સર્જિત જોવા મળતા એને નવાઈ થઈ.