"પુસ્તકની દુનિયા"
કાગળનો ગઢ, પૂંઠા ના કોટ-કાંગરા વચ્ચે છે અમૂલ્ય જ્ઞાનનો ખજાનો. પણ ત્યાં જવા માટે ભાર-રહિત થઈ ને જવું પડે..!!
મોટાભાઈ! "પુસ્તકની દુનિયા" ગજબ વિષય લઈ આવ્યા તમે..! વાહ..! મનમોજીપણું તો આજકાલ આવ્યું પણ એ પહેલાં, મોટા! દસમું ધોરણ પાસ કર્યા બાદ, વડીલોએ સલાહ સૂચનો કર્યા. અને મેં એ સૂચનો સ્વીકારીને ડિપ્લોમા માં કોમ્પ્યુટર વિષય લીધો. આપણે ત્યાં વડીલોને બે જ દિશાઓ ઉકલતી, કાં તો એન્જીનીયર ને કાં તો ડૉક્ટર. મારા શહેરથી ચારસો કિ.મી. દૂર કોલેજ માં દાખલો મળ્યો, ને શરૂઆત થઈ જિંદગીના સૌથી યાદગાર અધ્યાયની. "હોસ્ટેલ લાઈફ.."
કોલેજની પ્રખ્યાતી ઘણી આગવી છે, હવે તો એ યુનિવર્સીટી છે. વિશાળ કેમ્પસ, કેન્ટીન, હોસ્ટેલ, લાયબ્રેરી, એટીએમ અને ભણતર માટેના તમામ એકવિપમેન્ટ્સ જેવી સુવિધાઓથી સજ્જ એ કોલેજ ના દિવસો, અને હોસ્ટેલની જિંદગીનો એ અનુભવ અવર્ણનીય છે મોટા..! મારા મતે તો એ અનુભવવાનો મુદ્દો છે, કહી શકવા, કે લખી શકવા કોઈ પણ અસમર્થ નીવડે.
ગુજરાતી માધ્યમમાં થી સીધો જ અંગ્રેજી માધ્યમ માં દાખલ થયેથી પ્રથમ વર્ષે જ આઠ માંથી પાંચ વિષયમાં કેટી આવી, અને ઉપરથી ડિટેન પણ થયો..!! હવે પાકું તો યાદ નથી પણ લગભગ ત્રણેક મહિના માટે ડિટેન કર્યો હતો, કે વાંચવાનો સમય મળે અને કેટી સોલ્વ થઈ જાય. રાજર્ષિ વિશ્વામિત્ર જેવા તપસ્વી નું ધ્યાન ભટકે તો હું પામર જીવ એક પથે જ ચાલુ એ ક્યાં નો ન્યાય.. એ સિદ્ધાંતએ એક દિવસ સવાર સવારમાં લાયબ્રેરીમાં જઇ ચડ્યો. ત્યાં "વાંચે ગુજરાત"નું કેમ્પઈન ચાલતું હતું, એક મોટો કબાટ મેઘાણી, ક.મા.મુનશી, ધૂમકેતુ વગેરેના પુસ્તકોથી ભર્યો હતો. અને હાથમાં આવી "સોરઠના બહારવટિયા", લાઈબ્રેરીયન પાસે આઈકાર્ડથી નોંધણી કરાવી પુસ્તક લઇ કેન્ટીન પહોંચ્યો. મારા મિત્રમંડલના "કૂલ ડુડ્સ" અને "લાલી-પાવડર વાળી લલનાઓ" મારા હાથમાં ગુજરાતી સાહિત્યનું પુસ્તકનું જોઇ ઘડીક તો ઠેકડી કરી રહ્યા, પણ આપણે કાંઈ ખાસ ભાવ નો દીધો તે બીજી વાતોએ વળગ્યા, ને આપણે એક કંટિંગનો આસ્વાદ લઈ રૂમ ભણી પ્રસ્થાન કરી ગયા.
મોટભાઈ, સોરઠી બહારવટિયા એ મને ગુજરાતી સાહિત્ય, નવલકથાઓ, ઇતિહાસ માં રસ લેતો કરી દીધો. એક જ બેઠકમાં એ આખું પુસ્તક વાંચી નાખ્યું. રોંઢા ટાણાના પાંચેક વાગ્યા હશે, બપોરનું જમવાનું તો યાદ પણ નહોતું આવ્યું. ને ફરી દોડ્યો લાયબ્રેરી..! લાયબ્રેરીયન બધું સંકેલતા હતા. અને દોડીને એમની પાસે ગયો, જમા કરાવવા. "વાંચવી નહોતી તો લઈ શું કામ ગયા'તા ભાઈ?" રજીસ્ટરમાં જમા કરતા લાયબ્રેરીયન બોલ્યા. એટલા માં હું "સોરઠની રસધાર" કબાટમાંથી કાઢી આવ્યો. ને એ ભાઈએ પેલા પ્રશ્નનો મેં કાંઈ જવાબ નો દીધો, એટલે આ પુસ્તક ફરી મારા નામે નોંધણી કરી મને આપી દીધું.
ને પછી તો કેટી કેટી ને ઠેકાણે, કોલેજ કોલેજને.. મારી વાંચનયાત્રા વધતી રહી, ધૂમકેતુની સોલંકી રાજવંશ પરની નવલકથાઓની આખી સિરીઝ વાંચી નાખી, ક.મા. મુનશીના પરસુરામથી માંડીને જય સોમનાથ, મેઘાણીની મોટાભાગની નવલકથાઓ, અને ગુજરાતી ભાષાનો એક અમૂલ્ય ગ્રંથ ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત "સરસ્વતીચંદ્ર".. .. .. અને એન્જીનીયરીંગ નો અભ્યાસ છૂટી ગયો. અભ્યાસ છોડવાનું કારણ કહેવું જરૂરી નથી પણ જીવનનો નવો અધ્યાય 'નોકરી' શરૂ થઈ..!! પણ વાંચનયાત્રા વિરમી નહિ હો મોટા..!!
વળી એક દિ શું સૂઝ્યું તે ચાલુ નોકરીએ બારમા ધોરણની એક્સ્ટર્નલ exam આપી, પાસ પણ થયો. પાછું વાંચનયાત્રામાં નવલકથાઓ માંથી નીકળી ઇતિહાસના કક્ષમાં ગયો. ત્યાં પણ શંભુપ્રસાદ દેસાઈ થી માંડીને રાજકવિઓએ વખાણેલાં રાજવીઓ, પ્રદ્યુમ્ન ખાચર, જયમલ્લ પરમાર, તમામ વાંચ્યા.
વળી એક દિ નવી ઉપડી, ઇતિહાસના કક્ષમાંથી નીકળી કવિતા નો ખંડ, સર્વાધિક પ્રિય કલાપી, કાલેલકર, મેઘાણી, નરસિંહ-મીરા-ગંગાસતી, ચારણી સાહિત્ય, કાગ, દાદ, શંકરદાન, ઇસરદાસની અમુક કૃતિઓ વાંચી. વળી એક દિ ઈન્ટરનેટના માધ્યમથી નટવર મહેતાના બ્લોગ માં આંટો માર્યો, જબરી વાર્તાઓ, ભુપેન્દ્રસિંહ રાઓળના જ્ઞાન-વિજ્ઞાનના સમન્વય વાળા લેખો, શરદ ઠાકરની વાર્તાઓ, ને ઇન્ટરનેટ ની દુનિયા તો અપાર છે, dli, શોધગંગા, નેશનલ લાઈબ્રેરી, આર્કાઈવ્સ, આ બધા મહાસાગરોમાં આજ પણ ગોતા મારું છું, અને શેવાળ થી માંડીને મોતીઓ સુધી સંપૂર્ણપણે સ્વીકારું છું. હમણાં તાજેતર માં છેલ્લે જમીન જાગીરનો ભોમિયો વાંચી..!! જેમાં રાજશાહી કાળમાં જમીન-જાગીર-મહેસુલ-જમીન આંકલન-કર લાદવાની રીતિઓ ને એવું બધું છે.
મોટા, આમ તો વાંચન માં હું ઘટીને જરીયે દેતો નથી, એમાંય આ જે કોરોનાનું લોકડાઉન ગયું, મારે તો ખાલી પંદર-વિસ દિ જ લોકડાઉનની રજા હતી, પણ એ પંદર-વિસ દી માં પુસ્તકોની દુનિયા માં જે આંટો માર્યો છે, વાત જ જાવા દ્યો..! લોકો એક કિલો ઘઉંના દાણા ગણતા હતા, હું પુસ્તકોના પાના..
મુદ્દા તો ઘણા છે પણ આટલું ઘણું લ્યો..હવે.. બાકી આ પુસ્તકોની દુનિયા પણ અનુભવવાનો જ વિષય છે.