દિલથી અમીર બનો..

0
વળી એક દિવસ મોટભાઈ પ્રગટ થઈ ને કહે, "દિલથી અમીર બનો.."
તો હાલો મનમોજી અમીરાત માંડીએ..
ભાઈ શ્રી મોટા, દિલથી અમીર થવા હાટુ સૌથી પેલી જરૂર પડે રૂપિયાની..!! બાકી ભાવ કે લાગણી તો સૌ પાંહે હોય જ છે ને..! ને પાછું ભાવ કે લાગણી માં તો માણહ ક્યાં ઘટીને દે છે કોઈને? ચાહે પ્રણયનો ભાવ હોય, મૈત્રીનો કે વેર નો..! એમાં તો હંધાય પાંહે અમીરાત ભરપૂર છે. લોભ-લાલચને તો અહીંયા ગણતો જ નથી હું..!!

(મને આ "!" બહુ ગમે છે દરેક વાક્યને અંતે ફ્રીમાં માં મૂકી દઉં છું..!! કારણ મનેય ખબર નથી..!)

તે હા, મોટા! ગજવું ભરેલું હોય, 'ને તમે(તમે એટલે સૌ કોઈ) અમીરાત દેખાડો તો હાલે, બાકી કોક ની પાંહે પાંચ ઉછીના લઈને ચા ની લ્હાણી કરવા વાળી વાતમાં કાંઈ માલ નથી..! અમીરાત વરહાવવા અમીરાત હોવી તો પડે ને .. ! ને રૂપિયા નો હોય તો દિલ થી અમીર બનીને તમે કરીય શું લ્યો..!! કોક ગરીબડું બાળક રસ્તા વચ્ચે હાથ લાંબો કરીને ઉભું હોય તયે એની જરૂર ખાલી લાગણી કે ભાવ થી તો પુરી થાવાની નથ ને? કે "લે બેટા આ ૧૦નો કે જેવી શક્તિ એવો 'વાત્સલ્ય ભાવ' તને આપું છું..!" ન્યાં રોકડા જ હાલે..! ને ખિસ્સું બોવ ખખડતું હોય ને તોય જો હાથ ખિસ્સા માં નો જાય, એવા ને કહી શકાય કે દિલ થી અમીર બનો..!!

મોટા દિલની અમીરાત માંડી છેને તે યાદ આવ્યું, અંગ્રેજી રાજના વખતમાં સૌરાષ્ટ્રમાં નાનું એવું રજવાડું, દિલની અમીરાત એમને ઉભરાઈ ગઈ હતી, કોકે અંગ્રેજને ફરિયાદ કરી "બાપુ હાથ આવ્યું ઇ બાંટી દે છે", રજવાડામાં અંગ્રેજોનો જાપતો બેઠો, તમામ કર વસુલાત અંગ્રેજોએ પોતાના હાથે કરી, ને રાજવીને વાર્ષિક જીવાઈ બાંધી દીધી. વહીવટ બધો અંગ્રેજોના હાથ માં, રાજવીના ખાસ કામદારની દિકરીયું ના લગન, દિકરીયુએ જીદ લીધી કે રાજાને મળવું, કામદારે ના પાડી કે "ન મળાય, મળીયેતો એમણે તમને કાંક દેવું પડે, ને બાપુ પોતે જ જીવાઈ ઉપર છે." દિકરીયું કે, "આશીર્વાદ જ જોતા છે બીજું કાંઈ નહિ" ને ગઢમાં ગયા, કામદાર ની નજર ચૂકવી બેય દિકરીયું રાજા પાસે પુગી ગિયું, રાજા ને ખબર નહિ કે કામદાર ની દીકરી, ઓળખાણ થઈ, રાજા એ  કામદારને ખખડાવ્યો, કે દિકરીયું એમનમ જાય તો રાજા લાજે ને, ને તે જ દિવસે અંગ્રેજો પાસેથી આવેલી આખા વર્ષની જીવાઈ બેય દિકરીયું ને દઈ દિકરીયું વળાવી.. 
*જીવાઈ - વર્ષાસન (એક વર્ષની બાંધી મૂડી,નાના રજવાડાના રાજા પાસે થી રાજ ઝુંટવીને અંગ્રેજો પ્રશાસન હાથમાં લેતા, અને રાજવીને અમુક રકમ એક વર્ષ માટે માંડી આપતા. એ રકમ એક પરિવારને નિભાવવામાં પણ ઓછી પડે તેવી રહેતી. જે પ્રસંગ કહ્યો તે ગાંફ રજવાડાના ઠાકોર સાહેબ રાયસિંહજી ચુડાસમા.)

ને મોટા પાછું રૂપિયા હોય તોય દિલ ની અમીરાત આવે એવુંય જરૂરી નથી.. ઉદાહરણ આપું, હૈદરાબાદના નિઝામ, એની કંજૂસીના ચર્ચા તો ચારે કોર ચર્ચાતા.. રજવાડા વખતે એક એવો રિવાજ હતો કે વર્ષમાં એક વખત રાજાઓને તેમના ઉમરાવો તરફથી એક સોનાની લગડી ભેટમાં અપાતી, રાજા તેનો પ્રતીક સ્વરૂપે સ્વીકાર કરીને પાછી આપી દેતા, પણ હૈદરાબાદ માં એવું કોઈ પ્રતીક હતું નહીં, નિઝામ તમામ સોનાના ટુકડાઓ લઇ લેતા અને સિંહાસન પર પોતાની બાજુમાં રાખેલી કાગળની કોથળીમાં સરકાવી દેતા, ને એક વાર તો એવું બન્યું કે એક સોનાનો ગોળ સિક્કો રગડ્યો, તેનો મૂળ માલિક ઉમરાવ એ લેવા દોડ્યો ઇ પેલા તો બે હાથ ને બે પગે દોડતા નિઝામ રગડતા સિક્કાની પાછળ બંદૂકની ગોળીની જેમ પહોંચી ગયા હતા.

તો મોટા, તારણ કાંઈ ખાસ નીકળતું નથ, પણ મારા મતે તો ખાલી દિલ થી અમીર બનવા કરતા દિલ ને રૂપિયે બેય થી અમીર બનવી ઇ વધુ હારું.. હાલો લ્યો હવે આટલી શિખામણ ઘણી..!! 

Post a Comment

0Comments
Post a Comment (0)