હૃદયમાં આવકારો .. હૃદય તો લાગણીઓનું કેન્દ્રસ્થાન છે ને..!

0
"હૃદયમાં આવકારો"

     મોટભાઈ, આ કવિઓએ ભેળા થઈને હૃદય હૃદય હૃદય કરી મૂક્યું છે હો નકરું..! એ મુઠી જેવડું બચાડું કેટલુંક કરે? એનું કામ તો લોહીનું પંપિંગ કરવાનું છે, પણ આ કવિઓ.. લાંબો ઝભ્ભો, એક બાંય ઊંચી ચડાવીને આંખ્યું આડી આવતી લાંબા વાળની લટ ને ઊંચી ચડાવતા ચડાવતા મન પડે એવું એવું હૃદયને નામે ઠબકાર્યું છે. દિમાગ ખોટું હૃદય સાચું, ને મન ખોટું હૃદય સાચું..! હવે હૃદય બચાડું પંપિંગ માંથી નવરું નથી થાતું તોય આ એને નામે દીધાદીધ થયા છે. આવું આવું વિચારતો ડાઘીયો આંબલીને છાંયડે બેકરીવાલ ના બિસ્કિટ આરોગતો'તો, ને હું કાલ મેહ ની બે છાંટ પડ્યા પછી ધરતીમાંથી નીકળતો ઉકળાટ ભાળતો ઢોળીયે ઢળ્યો'તો, ને ખાલી પૂછવા ખાતર ડાઘીયાને પૂછ્યું, "હું હાલે એલા?"

     "કાંઈ નહિ જો, આ તમારા મોટેશ નવું લઇ આવ્યા "હૃદયમાં આવકારો" એના ઉપર મનોમંથન કરું છું."

     "હવે! તારે પૂંછડું પટપટાવાય, બહુ બહુ તો આમથી તેમ ઠેકડા દેવાય, ને ચોકીયું કરાય. તારે શેનું મનોમંથન એલા? મોટા કે એમાં કાંક માલ હોય તો જ કે'."

     "જો! કર્યું બુદ્ધિનું પ્રદર્શન. માણહ જાત કીધી એટલે થઈ રહી..! એલા એવું નો હોય, હૃદયમાં શેનો આવકારો?"

     "કેમ? હૃદય તો લાગણીઓનું કેન્દ્રસ્થાન છે, તેમાં જ એકબીજા પ્રત્યે નો ભાવ ઉદભવે છે." ગાફેલ ગજાએ આવતાંવેંત હથોડો ઝીંક્યો.

     "આવ આવ ગજા, આ ચાર પગાળુ કાયમ માણહ જાત ને એલફેલ બોલે છે, હમજાવ્ય હમજાવ્ય આને કાંક..!" મેં ગજાને ચણે ચડાવ્યો. ત્યાંતો ડાઘીયું પાછું બોલ્યું, 

     "જોયું, એમાં પણ તમે માણહજાત અમારાથી પાછળ છો, તમારે બે જ પગ છે."

     "પણ હામે આ બે હાથ રયા તે.."

     "ને એનો ઉપયોગ તમે કેવો કરો છો ઇ સાંભળ્યું મેં શુક્રવારનું.!"

     "એવું હાલ્યા રાખે ભાઈ, ઠામ હોય ન્યા ખખડે." મેં કહ્યું.

     "જુઓ તમે વિષયને વળગો, મોટાભાઈએ હૃદયમાં આવકારો કીધો છે." ગજાએ વાત વાળી લીધી. ત્યાં પાછું ડાઘીયું બોલ્યું,

     "પણ શેનો આવકારો ઈય હૃદયમાં? ન્યા લોહીની નળીયું સિવાય કાંઇ છે જ નહીં તોય..!!"

     "એલા પણ તને વાંધો હું છે, હૃદય માં બધું ય હોય તો..!તારે ક્યાં ભાડું ભરવું છે?" 

     "એમ તો મને કયો હાલો તમારા હૃદય માં શું છે?" ડાઘીયો ઘડીકમાં તંત મૂકે નહિ હો.

     "મારું રેવા દે, મારે તો મબલખ ડખા હાલે છે, ગજા તારું કે..!" મેં ઘા ચૂકવીને ગજા કોર્ય વહેતો કર્યો, ને ભાઈ એની તો કેસેટ ચાલુ થઈ..

     "મારા હૃદયમાં તો અવનવી ઊર્મિઓ ઉત્સર્જે છે, વિવિધ વિષયો પ્રત્યે આકર્ષણ ઉદ્ભવે છે, પ્રીતના પોકાર ઉઠે છે, મારી એ હ્ર્દયરાણી પ્રત્યેની સ્નેહધારા વહે છે, જેને મેં હૃદય સોંપ્યું છે, એનો એક નો જ ત્યાં ધબકાર છે, હ્ર્દયરાજ્યની એ સામ્રાઞી તણો સેવક થઈ બસ ત્યાં જ તો હું વસવા ચહું છું, મારા હૃદયમાં એ પ્રિયનું વદન કાયમ હસતું રહે છે જે નિહાળ્યા કરું છું, તેને હૃદયમાં આવકારો કરું છું, પ્રાણથી પણ એ પ્રિયનો કુસુમ સત્કાર કરું છું, ત્યાં હૃદય મધ્યે વહેતી લાગણીઓ તણી સરિતા મહીં અમે સ્નેહની નૌકાએ સવાર થઈ હિંચકોલા ખાતા, ઝૂલતા હોઈએ અને પ્રણયપાન થી રસબોળ થતા અમો પર સૂક્ષ્મ જલબિન્દુઓ તણી છાંટ ઉડાડતો વાયુ પણ એક વિશેષ સુખદ અનુભવ અર્પતો વહ્યો જતો હોય છે મ્હારે હૃદય..."

     "બસ એલા, આ અછાંદસના અણવર ને આઘો રાખ..!!" ને મોટા, હું જાણે પગમાં પંચર પડ્યા હોય એમ પગમાં ખાલી ચડવવાથી લંગડાતો ચાલતો, સભાભંગ કરીને ભાગી નીકળ્યો હો.

Post a Comment

0Comments
Post a Comment (0)