"સમય સાથે સેલ્ફી"
મોટા, કાલ રવિવાર હતો ને ટાઈમ ન્હોતો જાતો, તે સંધ્યા કાળે એય ને તળાવની પાળે જઇ ચડ્યો, બાંધેલી પાળ છે પાકા પાણાંની, પાળ ઉપર જ જુનવાણી શિવાલય છે. તળાવ તો ઘણું મોટું છે, પણ ચોમાસુ આવતા આવતા એમાં સાવ થોડું જ પાણી બચે છે પણ માછલાં, બતકા, બગલા ઇ હંધાય નો નિભાવ થઈ રે' એટલું તો હોય છે. એમાંય કાલ તો એક કાબરો કલકલિયો (કિંગફિશર - કાબર અને કબૂતરની મધ્ય કદનું પક્ષી, અને રંગે કાળું-ધોળું કાબરચિતરું એટલે નામ- કાબરો કલકલિયો) જે ઠેકયું દેતો'તો, ઇ જોવામાં અંધારું ક્યારે થઈ ગયું કાંઈ ખબર્ય નો રહી, એકની એક જગ્યા એ સ્થિર રહીને ઉડવું, વળી, પાણીમાં ગોતું મારવું, ને વળી પાછું ઉડી જવું..!! એટલામાં જ મંદિરે 'ઇલેક્ટ્રિક' નગારું ધમધમી ઉઠ્યું, સાથે ઝાલર અને ઘંટ પણ નગારા સાથે રણઝણતા હતા, મંદિરમાં ભોળાનાથ, એક કાચબો ને નંદી સિવાય પૂજારીની જ હાજરી હતી. હું મંદિર પુગુ ઇ પેલા તો પુજારીએ દિવા-આરતી આટોપીને કોઈના બે-ચાર ચડાવેલ નાળિયેર અને કેળા લઈને લ્યુના માથે નીકળી ગયા. હવે શંકરને ક્યાં ડિસ્ટર્બ કરવા એટલે દરવાજેથી નમન કરીને, બાજુના શહેરમાં જગન્નાથ મંદિર છે ન્યાં આંટો મારી લઉં, આપણે તો સમય કાઢવો'તો કેમેય..! જગન્નાથના બેસણા છે ન્યા, એમાંય અષાઢી બીજ આવે છે તે પ્રાંગણની સાફ સફાઈ, અને રથનું બાંધકામ ચાલુ હતું. પહોંચ્યો જ હતો ત્યાં તો ત્યાં પણ 'ઇલેકટ્રીક' નગારું ધમધમ્યુ. શંખનાદ થયા, ઝાલરો રણઝણી..! પૂજારી એ કાંક મોઢેથી "ઉલુલુલુલું" એવો તીણો અવાજ કર્યો, આરતી પુરી થયા બાદ પણ આવો અવાજ કર્યો, આપણે ન્યા આવો કોઈ રિવાજ નથી, દક્ષિણ બાજુ સાંભળ્યું છે, તે મેં વળી પૂજારીને આરતી બાદ પૂછ્યું, "આપલોગ એ આરતી મેં ઉલુલુલું કયો કરતે હો?"
પૂજારી : "ઓ શોંખનાદ કેસા બોઝતા હૈ, તો ધોની(ધ્વનિ) શુદ્ધ હો ઝાતા હૈ, એસે હી એ પોરંપરા હૈ, એસા આવાઝ સે આસપાસ મેં ઉર્ઝા ઉતપન્નો હોતા હૈ."
મોટા, જે હોય ઇ પણ આપણા માટે નવું હતું. ઘડીક આરતી બાદની નીરવ શાંતિ અનુભવતો પ્રાંગણમાં બાંકડે બેઠો જ હતો, કે બ્લોગર નોટિફિકેશન ફોન માં આવી, ને ત્રણ-ચાર લિંક ઠેકીને ભુપેન્દ્રસિંહ રાઓળનો બ્લોગ 'કુરુક્ષેત્ર'માં પહોંચી ગયો. લગભગ ૭-૮ વર્ષ પહેલાં એમનો એક લેખ વાંચ્યો હતો, એજ ફરી વાંચતા કાંઈક સ્મૃતિઓ તાજે થઈ ઉઠી, એમણે એક બહુ સરસ અને સ્પષ્ટ વાત કરી, ઇની ઇ હું માસરી રીતે કહું તો, માણસ છે ઇ ઝુન્ડનું પ્રાણી છે, પણ એ ઝુંડ સતત બદલ્યા કરે છે, પહેલા તો ઇ પરિવાર ના ઝુંડ માં રહે, ભાઈભાઈનો ડખો થાય, બાધી(ઝઘડી) લે, પછી ગામ મા રે, એટલે જો કોઈ બીજા ગામ હાર્યે ડખો થાય, તો બેય ભાયું ને આખું ગામ ભેળું થઈ જાય - (ઝુંડ બદલ્યું, પરિવારમાંથી ગામ થયું.) હવે ધારોકે કોઈ મરાઠી હાર્યે ડખો થયો, તો ગુજરાતીપણું આગળ આવતા વળી પાછો ઝુન્ડનો વિસ્તાર થશે, (ગુજરાતી તરીકે), અને ધારો કે પાકિસ્તાન હાર્યે ડખો થાય તયે, કોણ મરાઠી કોણ ગુજરાતી હંધાય ભારતીય તરીકે બાધે, (ફરી ઝુંડ નો વ્યાપ વધ્યો.) હવે ધારો કે કોઈ પ્રરગ્રહવાસી હમલો કરે તો? બધાય દેશો ભેળા થઈને સામનો કરશે.. (ઝુંડનું ફરી વિસ્તૃતિકરણ અથવા વસુધૈવ કુટુંબકમ.) આદિકાળથી ઝુન્ડની આ પ્રક્રિયા હાલી આવે છે, ને એનું વાહન થયા કરે છે.
વળી મોટા, ન્યા પ્રાંગણમાં બેઠો બેઠો હું જોતો'તો, બે ચાર નાની ઢીંગલીયું ફોન માં સ્વયંચિત્ર નામ સેલ્ફી ફોટો પાડે, વળી ડીલીટ કરે, એમ કરતાં કરતાં ૨૫-૩૦ ફોટો એણે પાડ્યા, એટલા માં એની માંયું ક્યાંકથી આવી ને ઢયડીને લઈ ને વહી ગઈ, વળી ઘડીક રહીને એક યુવતી આવી, જગન્નાથ હાર્યે સેલ્ફી પડાવી, માથું નમાવીને જતી રહી, બેચાર ગયઢાવ ને પાકી ઉંમરે શોખ જાગ્યો, તે એમણેય સેલ્ફીયું લિધીયુ.. તે મેં હું ગુનો કર્યો, હુંય લઇ લઉં, તે મેય ફોટો પાડ્યો, જોયો એમાં પાછળ બોર્ડ નો પણ ફોટો આવ્યો હતો "યહાં ફોટોગ્રાફી કરના મના હૈ."
વળી વિચાર થયો, આ આપણે સોમનાથ, દ્વારકા જાવી, ન્યા મંદિર માં સેલ્ફી કે ફોટોગ્રાફી કાં નથી કરવા દેતા?
"શું વિચારો છો મનમોજી?"
"એલા ગજા તું ક્યાંથી ગુડાણો.. અરે મતલબ આવ્યો.. આમ અચાનક? હરિદ્વાર હતો તે.."
"બસ જુઓ, હમણાં જ પહોંચ્યો, ને તમને જ શોધતો હતો ને અહીં છેક મળ્યા. પણ તમે શેના વિચારવાયુએ ચડ્યા છો એતો કહો?"
"કાઈ નહિ ભાઈ, વિચારું છું, મંદિરોમાં અને અન્ય જગ્યા એ ફોટોગ્રાફીની મનાઈ કેમ હોય છે?"
"લે તમે ત્યાં ફોટો પાડવા જાઓ છે દર્શન કરવા?"
"દર્શન કરવા જ ને..!"
"તો ફોટો ની ક્યાં જરૂર છે?"
"યાદગીરી રે ને એલા."
"તો એતો એવા સ્થાનોની બહાર પેલા ફોટોગ્રાફરો હોય જ છે ને, એમની પાસે પડાવી લેવાનો, તેમનું પણ પેટિયું રળાય જાય, તમારી પણ યાદગીરી થઈ જાય."
"પણ મારી પાંહે ફોન હોય તોય ખર્ચો હું કામ કરવો?"
"એટલા માટે કે તમે દર્શન કરવા ગયા છો તો ચક્ષુઓ થકી દર્શન દ્વારા આત્માને તૃપ્ત કરો, ત્યાનું વાતાવરણ અનુભવો, મનના સર્વે વિચારોનો ત્યાગ કરીને હળવાફુલ થઈને ત્યાંની માહિતીઓ જાણો, નવું જ્ઞાન અર્જિત કરો, ત્યાનું બાંધકામ, શૈલી, રીતિ વગેરે જુઓ, ફોટોનું શુ કામ છે, યાદગીરી તો બહાર બસ્સો-પાંચસો માં બહાર પણ કરી આપશે, પણ અનુભવ તો તમારે સ્વયંને જ લેવો રહ્યો ને."
"ગજા, હરિદ્વાર માં શીખજ આવ્યો આવું બધું."
"હા હો ! ત્યાનું રમ્ય વાતાવરણ, નદીનો કલશોર, પહાડોની આડશ પાછળ સંતાતો સૂર્ય, અને ઘાટ પર એક જગ્યાએ બેસીને મેં અને ગજીએ એકમેકના તમામ દુર્ગુણો તથા આદતોને અવગણીને બસ પ્રેમનું વહન કરવાના સોગંધ લીધા, ત્યાં જ તેણે ફોન કાઢીને નવા આરંભની યાદગીરી કરવા સેલ્ફી લેવા ફોન કાઢ્યો, અમો એ પાઉટ કરીને અગણિત સેલ્ફીઓ લીધી, ચાલો તમને વાડીએ બધા ફોટો વગેરે દેખાડીશ."
ને મોટા, ફોટોના પ્રતિબંધ વિશે જ્ઞાન બાંટતો ગજો પોતાની સેલ્ફીઓ દેખાડતો અમે ચાલ્યા જતા હતા, અને લગભગ પોણા આઠસો ફોટો માં ગજીએ સ્નેપચેટ અને ઈંસ્ટાના ફિલ્ટર ચોંટાડી બનાવેલા જાતજાતના ચહેરા જોતા ગામ ક્યારે આવી ગયું ખબર ન પડી..!!!