પ્રેમ પ્રકરણ
#વાતનું_વતેસર
મોટા, આ વાદળાં બંધાય છે વિખાય છે ને પાછા બંધાય છે, કેવો કુદરતી ક્રમ છે કાં? નિરંતર ચાલ્યા જ જવાનું, ઉભું રહેવાનું જ નહીં! કીડી હાલી જાતી હોય, આપણે એના માર્ગ વચ્ચે હાથ મૂકીને કે એવો કોઈ પણ આડશ કરો તો એ માર્ગ બદલીને અથવા તો હાથ ઉપરથી પણ હાલી જશે, એનો માર્ગ કેટલીય વાર અવરોધીએ પરિણામ એજ આવે, એજ થંભશે નહિ, રોકાશે નહિ, વિચારવા માટે પણ ઉભી નહિ રહે, બસ ચાલતી જ જશે.. નિરંતર..! શું એને ક્રોધ કે એવું નહિ થતું હોય, કે આ વારે-ઘડીએ મારો માર્ગ રોકે છે ! કે પછી એની સહનશક્તિ અખૂટ હશે? કે એની કર્તવ્યનિષ્ઠા મજબૂત હશે? આ બાબત એની પાસે થી શીખવા જેવી છે હો. પ્રેમ પ્રકરણ માં આવું કેમ આદર્યું એવું વિચારો છો? (આગળ આવશે પ્રકરણ ને પરિણામને હાસ્ય પણ મારે એક વાત કહેવી છે એ કહી દઉં પહેલા) એનું કારણ છે, ગઈ કાલ મેં એક સમાચાર સાંભળ્યા, એરફોર્સના એક યુવાને આત્મહત્યા કરી, સમાચારોએ શહીદીમાં ખપાવ્યું. કારણ જે હોય તે પણ એવું સાંભળવા મળ્યું કે ઉપરી અધિકારીઓના દબાણથી એ યુવાને આવો કદમ ઉઠાવ્યો..! શું યુવાનો માં સહનશક્તિની આવડી હદે ઉણપ આવતી જાય છે? મારા મતે તો મોટા, શાળામાં કૂટનીતિ અને રાજનીતિ જેવા વિષયો પણ ભણાવવા જોઈએ, વળી સમયાંતરે માનસિક બોજા નો પણ અભ્યાસ કરાવવો જોઈએ, અને તેમાંથી બહાર નીકળવાનો પણ માર્ગ શીખવાડવો જોઈએ, ખાલી ગણિત, વિજ્ઞાન, ભાષા જેવા શિક્ષણો થી એ વિદ્યાર્થી જ્ઞાન તો અર્જિત કરે છે, પણ કદાચ અમલમાં લાવતા અચકાય છે. આર્મી માં સંડાસ પણ સાફ કરવું પડે, એનું કારણ છે કે ભવિષ્યમાં તે યુવક કોઈ યુદ્ધકેદી બને તો ત્યારે પણ જીવતો રહી શકે, હા માન્યું કે અમુક ઉપરી અધિકારીઓ હદ બહાર નો દબાવ બનાવતા હોય છે, પણ ત્યારે પોતાના દિમાગ થકી તેનો તોડ કાઢવો જરૂરી છે..! મરવું એનો ઈલાજ નથી. આવડત વડે તેના દબાણ સામે આપણા તરફથી તેના વિરુદ્ધ અન્ય દબાણોની હારમાળા સરજો, દગો કરવાની પણ છૂટ છે જ ને..! મહાભારત માં જોઈ લ્યો, ચાણકયનીતિઓ પણ શીખવાડો, શાળાઓ નથી શીખવતી તો વાલીઓની ફરજ માં પણ આવે છે, પ્રથમ ગુરુ તો માં પણ છે, બાળકને ગળથુથીમાં અભિમન્યુ ની જેમ ચબરાક કરવો એ આપણી પણ ફરજ છે. સાવ નાહિમ્મત થઈ પાણી બેસી જાય એના કરતાં છબછબિયાં કરવા જેવડી ત્રેવડ તો એનામાં પુરવી જોઈએ.
વાડીએ આભ સામું જોતા જોતા આવી આવી મારી વિચારધારાઓને પોતાની વાક્ધારાથી ખંડન કરવા ગજો ગુડાણો. "શુ વિચારો છો મનમોજી?"
"વિચારું છું કે દુનિયામાં તારા પ્રેમ પ્રકરણો સિવાય પણ કેટલા વિષયો છે..!"
"કેમ?"
"જાવા દે એલા, તું કે, તે કોઈ નવા પ્રકરણમાં પ્રયાણ નથી કર્યું ને?"
"નહિ મિત્ર, આ વખતે મેં પ્રયાણ નથી કર્યું, ગજી ને કરાવ્યું છે..!"
"એટલે?"
"એજ કે કાયમ મુક્તિના સંદેશાઓ મોકલવાથી, ગજી ને સંસારમાંથી રસ ઉઠી ગયો, અને ભક્તિના માર્ગે સન્યાસ લેવા હિમાલય પ્રયાણ કરી ગઈ, ગઈ કાલ સંદેશ આવ્યો ત્યારે ઓખા ડિડીએન એક્સપ્રેસ માં હરિદ્વાર પહોંચી હતી."
"આવું કરાય ગજા?, પ્રેમના મળે એટલે બદલો લેવાનો?"
"એવરીથીંગ ઇસ ફેયર ઇન લવ એન્ડ વૉર"
"ખોટી વાત, ગજા, ખોટી વાત, જો બધું જ માન્ય હોય તો દગો પણ માન્ય રાખો..!"
"દગાને કારણે જ તો આ પ્રતિશોધ છે."
"પણ સાવ આમ? ગજીને સાવ સંસારથી જ નિઃરસ કરી દીધી."
"હા, એમાં એના પાપનું પ્રાયશ્ચિત પણ થશે, તથા તેના આત્માનું કલ્યાણ પણ..!"
"તો તારે પણ જાવું જોહે, કોઈના ધ્યાન બહાર એને પથભ્રષ્ટ કરવો ઈય પાપ જ છે એલા."
***
ને ગજાને રામજાણે શું સમજાયું કે કોઈ નવો કારસો ઉકલ્યો, ઈય હરિદ્વાર પુગી ગયો..! ને પાવન ગંગાના રમણીય તટ પર ગજો-ગજી એકમેકને મળ્યા, ફરિયાદોની લેતીદેતી થઈ, પશ્ચાતાપ અને વિયોગ મિશ્રિત ભાવોનું જાણે વહન થયું ને ગંગામાં ભળી ગયું..!!