"સાહેબ" - ગુજરાતી વાર્તા || હાઈસ્કૂલમાં પ્રવેશ સાથે જ ક્લાસ અને શિક્ષકો પણ બદલાયા. શાળામાં માત્ર છોકરીઓ જ અભ્યાસ કરતી, એમની શાળા એક ગર્લ્સ સ્કૂલ હતી.

0
     માલા અને નીલા બે બહેનપણીઓ અને પાડોશી પણ હતી. બાળપણથી જ બન્ને જ્યાં જુઓ ત્યાં સાથે જ હોય. સ્કૂલમાં પણ એકજ ક્લાસમાં હતી. 
આ વર્ષે બન્ને આઠમા ધોરણમાં આવી હતી. 

     હાઈસ્કૂલમાં પ્રવેશ સાથે જ ક્લાસ અને શિક્ષકો પણ બદલાયા. શાળામાં માત્ર છોકરીઓ જ અભ્યાસ કરતી, એમની શાળા એક ગર્લ્સ સ્કૂલ હતી. 

     પ્રાથમિકથી જ માલા અને નીલાનો સાથ હવે છૂટી ગયો. જુદા ક્લાસમાં અને અત્યાર સુધી શિક્ષિકા બહેનો પાસે જ ભણેલા. હવેથી નવા આવેલા બે સાહેબો પણ ભણાવતા. થોડો વખત તો બધું બરાબર ચાલ્યું પણ... 

     કાયમ એક જ પાટલીએ(બેન્ચ) બેસનારી આ બંનેને અલગ અલગ કલાસમાં બેસાડવાથી તેમના ભણતર ઉપર ફેર પડ્યો. માલા તો સ્વભાવે સ્થિર હતી તેથી ઘણો ખાસ ફરક ન પડ્યો, પણ નીલાની મસ્તીઓ બેફામ વધતી ગઈ.

     આગંતુક સાહેબોમાંથી ધનજી ધોલકિયા કુમારશાળામાંથી બદલી પામી આવ્યા હતા, કુમારશાળા ના વિદ્યાર્થીઓ જેટલા અજડ હોય તેટલા જ ત્યાંના શિક્ષકો પણ. એમાંય ધનજી ધોલકિયાને તો કોઈ વિદ્યાર્થીને ધોલ માર્યા વિના ભોજન ન ભાવતું, એમના પાચનતંત્ર માટે આ કોઇકને મારેલી ધોલ એમને માટે હાજમોલા જેવું કામ કરતી હતી. પણ એક તો આ કન્યાશાળા, ને બે સાહેબો સિવાય પટાવાળો પથો જ એમની પ્રથાનો ભોગ બનતો છેવટે. મસ્તીખોર નીલાના વર્ગશિક્ષક આ ધનજી નિમાયા. નીલા ધનજી સાહેબના આવ્યા પહેલા બ્લેકબોર્ડ પર લાંબો લિંટો તાણીને નીચે લખી દેતી, "આ લિંટો ભૂંસે ઇ મહામૂર્ખ", વળી ક્યારેક સાહેબના ટેબલના ખાના માં ફુગ્ગો મૂકી દેતી, ખાનું ખોલતાની સાથે જ ફુગ્ગો ફૂટતો ને ધનજી ફફડી પડતા. ધનજી માસ્ટરને હાથમાં ખંજવાળ તો ઘણીય ઉઠતી પણ એ બધી પથાની પીઠમાં ઘસાતી..! એક દિ તો પથો પણ અકળાયો, એણે તપાસ કરી તો નિલાની લીલા નો પરચો એને મળતો હતો એવું જાણવા મળ્યું. એટલે એણે નીલા અને ધનજી માસ્ટર બેય ને કાંક સબક શીખવાડવા નક્કી કર્યું.

     એક દિવસ બપોર વેળા એ શાળા છૂટતા જ બધા જતા રહ્યા હતા, નીલા બહાર માલાની રાહ જોઈ રહી હતી, પણ માલા આવી નહિ, એટલે નીલા તેને શોધવા અંદર ગઈ, આ બાજુ શિક્ષકખન્ડમાં એકલા ધનજી માસ્ટર સ્કુટરની ચાવી શોધતા હતા. અને પથા ને આ લાગ મનભાવતો લાગ્યો..! એણે તો એક લાંબો ધાબળો ઢાંકીને ધોલકિયાને ધોઈ નાખ્યા, નવું નક્કોર કપડું એકાદ ખટારાના ટાયરમાં આવીને જેવું ચીંથરુ થઈ જાય એવા જ અત્યારે ધોલકિયા લાગતા'તા..! ને પથો તો મારીને ભાગી ગયો ને પણ ચીંથરેહાલ આ ધોલકિયા હવે મુંજાયા, 'બુશર્ટ' ફાટી ગયો'તો, ગોંઠણ પર 'પાટલુન'માં ગાબડું પડ્યું હતું, આંખ હેઠે કાળું કુંડાળું થયું'તું. સાહેબ ને મન માં શરમ ઉપજી કે આવી હાલત માં કોઈ જોઈ જાશે તો કાલે આખી શાળા માં ફજેતો થાશે, બધી છોકરીયું દાંત કાઢશે ને એટલા માં જ ત્યાં નીલા માલાને શોધતી પહોંચી ગઈ.. સાહેબની ખસતા હાલત જોઈ પહેલા તો ખડખડાટ દાંત કાઢી રહી.. ને સાહેબે સોદો આદર્યો હો, જો બેટા કોઈ ને કાંઈ કહેવાય નહિ હો, ચોકલેટ ખવડાવીશ. લીલાકાર નીલા તરત બોલી, એકાદ ચોકલેટમાં મારું શું થાય?, ત્યાં તો સાહેબને આશા બંધાણી, બોલ બોલ બેટા શું જોઈએ તારે? અને તરત જ નીલા એ ડીસ્ટિંકશન પાસ સાથે માલા સાથેના કક્ષમાં જ પોતાની બદલી અને છ મહિનાની લેશન માફી સાથે રોજની એક ચોકલેટમાં ધનજી ધોલકિયા ને બાંધી લીધા, અને પછી માલા ને શોધવા ચાલી ગઈ, પણ માલા ક્યાંય મળી નહી, ઘરે પહોંચી તો માલા નીલાના ઘરે જ હતી.

     ઘરે પહોંચતા જ નીલા નું આખું કારસ્તાન માલા એ નિલાના માતાપિતાને કહી સંભળાવ્યું, પથાએ સોદા ની સાક્ષી પુરી, પપ્પાની પરી નીલાને એની મા એ માળીયે ચડાવી ચડાવીને આખું ઘર સજા રૂપે સાફ કરાવ્યું..!! નીલા સુધરી ગઈ, પરીક્ષા આવી, પાસ કરી ને વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઇ..!

(હવે ધનજી એ પાસ કરી કે પોતે થઈ ઇ તમે તમારી રીતે નક્કી કરી લેજો..)

Post a Comment

0Comments
Post a Comment (0)