આનંદ મુક્તિનો || અમુક તો પાછા નિષ્ક્રિયતાને મુક્તિ સમજે છે.|| happiness of freedom ||

0
આનંદ મુક્તિનો…
#વાતનું_વતેસર
મુક્તિ તો સૌને જો'તી છે, પણ જંજાળ્યુંનો પાર નથી..! જન્મથી માંડીને મરણ સુધીમાં પાર વિનાની પંચાતમાં આપણે સલવાયેલા હોય તોય થાય શું? ઘણાને કામથી મુક્તિ જોઈએ, ઘણાને ખાલી નામની, અમુક તો પાછા નિષ્ક્રિયતાને મુક્તિ સમજે છે. અમુક ને સંબંધોથી, અમુકને તો વાતે-વાતે મુક્તિની માંગણી કરતા ભાળ્યા છે, ઓલ્યા બાબુભૈયાએ પણ કહ્યું છે ને,"ઉઠા લે રે બાબા"..

મુક્તિનો આનંદ એને જ આવે જેને મુક્તિની સમજણ છે. પરાધીન થઈને પડ્યા રહેનારને એનો ખ્યાલ ક્યાંથી આવે? કોઈ મુક્ત વિહરતા પંખીને પકડીને પાંજરે કેદ નાખો, છ-હાત મહિના બાંધ્યું હોય, એની કાયમી જરૂરિયાતને પુરી કર્યા બાદ પણ જ્યારે એને મુક્તિનું જ્ઞાન થશે તો ઉડી જશે, ચાહે તેને કેટલાય બંધનો કર્યા હોય. આપણાં રોજિંદા જીવનમાં કેટલાય પ્રસંગો એવા બનતા હોય છે જ્યારે આપણને એમ થાય કે આના કરતાં તો આવું ન થાય એ જ સારું..!! નોકરી કરતો હોય એને ધંધો સારો લાગે, ધંધા વાળો મંદીમાં વિચારે નોકરી સારી - બાંધી આવક તો છે. વિદ્યાર્થીને પરીક્ષાથી મુક્તિ જોઈએ છે, મજૂરને શારીરિક મહેનતથી, કોઈને જવાબદારીથી, કોઈને માનસિક મુક્તિ.. કદાચ સંતોષનું કદ ઘટે છે ત્યારે જ મુક્તિની એષણાં મહાકાય થાય છે. પણ આ બધી મુક્તિઓ નિરર્થક છે, જ્યાં સુધી જીવની પરમમુક્તિ જેને કહે છે એ મોક્ષ ન મળ્યો હોય…!

     "બાબા ગજાનંદ આજ જ્ઞાનના માર્ગે કેમ વળ્યાં?" આપણે ઉવાચ.

     "આવો મનોપાસક મનમોજી, તમે પણ તમારું મનોજ્ઞાન બાંટીને અમને પાવન કરો..!" ગજો બોલ્યો.

     તે મેં વળી ગજાને કપાળે હાથ મુક્યો, ટગર ટગર જોયું, પાણીનો ગ્લાસ ભરી દીધો, ને બોલ્યો, "આજ શું થયું છે તને એલા?"

     "કશું નહિ બસ આ દુન્વયી દુઃખોના પરિતાપથી પીડાઈ રહ્યો છું હું. એક કર્તવ્યનિષ્ઠના અધિકારોનું હનન થતું નિહાળતા મને આઘાત થયો છે."

     "ગજા, નો(No) ગોળ ગોળ, સીધુ બોલ, તને મારા પર ભરોસો નહિ કે?"

     "તો સાંભળો મિત્ર, મેં ફરી એક પ્રણય પ્રવાસ ખેડયો.."

     "હા ખેતી ની સિઝન છે, ખેડ ખેડ તમતારે.."

     "વચ્ચે ટોકીને વાત ન ભાંગશો."

     "હશે હાલ, આગળ બોલ.."

     "તમને તો ખ્યાલ છે, મને અંગ્રેજીનો આવિષ્કાર જ અળખામણો છે, છતાં મેં બાબુ, શોના, થાના જેવા શબ્દો વડે મારા પ્રણયનું પોષણ કર્યું, અને બદલામાં તેણે મારું શોષણ..!"

     "કાં એલા આ કાંઈ જીવવિજ્ઞાન નો વર્ગ છે તે પોષણ, શોષણ ની આદરી છે તે હૈં?"

     "અરે પૂરું સાંભળો તો ખરા, મેં તેની તમામ ઇચ્છો પુરી કરી હતી, તેના તમામ માર્ગદર્શનોને અનુસર્યા હતા, ચલચિત્રો જોવાથી માંડીને અંગ્રેજી દાબેલી ને અર્ધશેકયા રોટલા પણ આરોગ્યા (બર્ગર-પિત્ઝા), અપચાની અવગણના કરીને સ્વાસ્થ્યથી પણ વિશેષ મેં પ્રિયતમા કરી, દુરભાષના પુનર્ભરણાં(રિચાર્જસ્)ઓ ને કાળજી પૂર્વક ભર્યા હતા, વળી વસ્ત્રાદિ ભેટ, પુષ્પ ભેટ, રૂંછડીયાળુ રીંછ પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું, આટઆટલી મહેનતની કદર કર્યા કરતા તેણે મારાથી મુક્તિનો માર્ગ પસંદ કરતા ને આનંદની અનુભૂતિ થાય છે તેમ કહ્યું. મારુ હૃદય ઘણું ખિન્ન થયું.. દ્રવ્યની સાથે લાગણી પણ ક્ષીણ થયી.. અને હવે હું ઉપર કહ્યા તેવા મુક્તિના લેખો તેને કાયમ દુરભાષમાં સંદેશ દ્વારા મોકલીને હિમાલયમાં પ્રયાણ કરાવવા સુધીનો માર્ગ પ્રશસ્ત કરી આપીશ."

ને મોટા ગાજતો ગજો છોટા હાથીમાં હાલી નીકળ્યો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)