સુખનો પાસવર્ડ
#વાતનું_વતેસર
મોટા, ભારત સરકારે આર્મીમાં એક નવી શાખા ઉમેરી, "અગ્નિપથ" જે ભરતી થાય એ "અગ્નિવીર", ૪ વર્ષ માટે સેના માં જોડાઈ ને દેશ સેવાનો મોકો. આમતો આ લેખકો અને કવિઓનો મંચ છે. પણ એક સારી જાણકારી અને સારો ધ્યેય સર્વવિદિત થવો જ જોઈએ એ હેતુથી લખું છું. ભારતીય સેનાની સરેરાશ ઉંમર હાલ ૩૨ વર્ષ ની છે, અને સેના તથા સરકાર તેને હજુ પણ યુવાન કરવા માંગે છે એટલે ૪ વર્ષની આર્મી નોકરી તરીકે અગ્નિપથ સ્કીમ ચાલુ કરી. આની પાછળ બે હેતુઓ સમાયેલ છે, એક તો સેના યુવાન થશે, અને બીજું આ યોજના હેઠળ સેનામાં સેવા આપેલ યુવાન ૪વર્ષ બાદ જ્યારે સમાજમાં પાછો આવશે ત્યારે એક ડિસપ્લીન, શિષ્ટ સમાજની સ્થાપના થશે. સેના ને પણ ફાયદો એ થશે કે ભારત સરકારના ડિફેન્સ બજેટ માંથી એક અંદાજ મુજબ ૧ લાખ ૨૦ હજાર કરોડ તો માત્ર સેવાનિવૃત આર્મી જવાનોને પેંશન પેટે જાય છે. અગ્નિપથ યોજના હેઠળ આ પેનશનના રૂપિયા બચશે એ સેના માટે હથિયાર તથા અન્ય રક્ષા ઉપકરણોની ખરીદમાં કામ લાગશે. જો કે બિહાર વગેરે જગ્યા એ યોજના નો વિરોધ થઈ રહ્યો છે, કારણ છે કે આ યોજનામાં ૪ વર્ષની નોકરીમાં મેરીટ બનશે અને તેમાંથી સારા મેરીટ વાળા ૨૫% લોકો ને કાયમી સેનામાં ભરતી કરવામાં આવશે, વિરોધીઓ અને વિરોધપક્ષ આ સંખ્યા ૫૦% થી વધુ કરાવવા માંગે છે. એક સારી યોજનાનો આ લોકો પોતાનો લાભ જોવા માટે દેશ નું ભલું નહિ થવા દે..!! વિરોધપક્ષનું કામ જ વિરોધ કરવાનું છે પણ રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ.
તે મોટા આવા આવા વિચારોના ટોર્નેડોના કેન્દ્રસ્થાન સુધી પહોંચ્યો ત્યાં વળી અમારો ગજો પ્રગટ થયો..!!
"શુ ચાલે છે મહાશય?"
"આયવ ગજા બેહ, જો આ વાદળાં બંધાય છે ને એ ગણું છું, કે ઇ વાદળું કાળું હોવા છતાં ય કામ ઉજળા કરે છે..! પણ તું કેમ આયવો એતો કે..?"
"કશું નહીં! બસ મોટભાઈ એ સુખનો ગુપ્તશબ્દ લાવવા કહ્યું છે..!! તો સંગણક કેન્દ્ર પર ગયો હતો, ત્યાં તેમને મેં પૂછ્યું તો તેમણે જવાબ ન દીધો એટલે હવે તમારી પાસે આવ્યો."
"સંગણક કેન્દ્ર - ઇ હું એલા?"
"અરે જ્યાં લોકો કુંજીકાપટલ પણ આંગળીઓ પટકારતા હોય છે અને મુશકનામ યંત્ર વડે સંગણકયંત્રનો ઉપયોગ કરતા હોય છે, વિભિન્ન મંચો પર શોધ વગેરે કરતા હોય છે તે જ..!"
ને મેં મોટા નેતરની સોટી છાપરેથી હાથમાં લીધી ત્યાં જ ગજો બોલ્યો.
"સાયબર કેફે નું કમ્પ્યુટર"
"હં, આનો પ્રભાવ કેવો જબરો છે નહીં ગજા?" મેં સોટી સામું જોતા કહ્યું..!
"તમને ખબર છે? પાકિસ્તાન ના પ્રધાનમંત્રીએ તેમના નાગરિકોને ચા માટે અપીલ કરી છે! જો બે કપ પીતા હોય તો અડધો કપ પીઓ..! ત્યાં દર એક સેકન્ડે ૩૦૦૦ કપ ચા પીવાય છે."
"જો ભાઈ, ગજા ઇ ચા પીવે કે પાણી, આપણે હું? તું સુખનો પાસવર્ડ ગોતતો ન્યાથી પાકિસ્તાન કેમ પુગ્યો?"
"ભાઈ સુખ ત્યારે મળે જ્યારે પાડોશીઓ સુખી હોય, જો એમના ત્યાં બળતું હોય તો તેનો તિખારો આપણે ત્યાં પણ આવે.!"
"જો ગજા, ગોળ ગોળ ફેરવ્ય માં, સીધે સિદ્ધુ બોલ. લાંબી લપ બૌ હારી નહિ, થોડું બોલો પણ સ્પષ્ટ બોલો."
"સ્પષ્ટ તમને સમજાય ક્યાં છે, જ્યારે જ્યારે સ્પષ્ટ બોલું છું, તમે કાતો સોટી દેખાડો કા ડોળા કાઢો, સલાહ દેવી સૌને ગમે."
"ગજા, સુખનો પાસવર્ડ કે'ને હવે બોવ ડાહ્યો ભાઈ બસ.."
"હૈ મને કાંઈ કીધું?"ગજની ગજો મુદ્દો ભૂલી ગયો.
એટલા માં ઓલ્યા શેઢેથી ડાઘીયું આવ્યું દાંત કચકચાવતું..! "ક્યાં હતું એલા તું? દેખાણું નહિ ક્યાંય.." મેં કહ્યું.
"પહેલું સુખ તે જાતે નર્યા, એ કથન પ્રમાણે તમારી આંખો ચેક કરાવો ચશ્મા ના નંબર વધી ગયા હશે તમારે." ડાઘીયાએ આવતાંવેંત પ્રહારો આદર્યા.
"તું સળંગ ડાહ્યું થાવું રેવા દે..!"
"હા, સ્વયંની પ્રકૃતિ શુભ હોય તો તેથી મોટું સુખ બીજે ક્યાં શોધવું?" ગજો ઉવાચ્યો..!
ત્યાં વળી ડાઘીયું બોલ્યું, "સંતોષી નર સદા સુખી."
"બરોબર છે, વાહ! ડાઘીયા" ગજા એ કહ્યું ને પ્રત્યુત્તરમાં ડાઘીયાએ તીક્ષ્ણ દાંત દેખાડ્યા.
"અરે પણ આંય કાંઈ ડાયરો નથ જમાવ્યો, સુખનો ગુપ્તશબ્દ ક્યાં?"
"એતો સૌનો અંગત હોય, આપણે શા કારણે જાહેર કરવો. એ છે જ ગુપ્તશબ્દ તો છડેચોક કહીએ તો ગુપ્ત રહે નહીં ને.."
"તો આવડી લપ હું હાટુ કયરી?"
"કાંઈ નહિ, હું અને ડાઘીયું કંટાળ્યા હતા, એટલે થોડા હળવા થવા તમારી સાથે ગમ્મત કરી."
ને બસ મોટા, મારા શાંતિ સુખનું હનન કરીને આ બંને ચાલી નીકળ્યા..!!