આંખોમાં રહેલી લાગણી
શું કેવું મોટા, બે દિ થી તમારે ન્યા "ડન" લખવાનું ભુલાઈ જાય છે..!! ને તમે નિયમના ભારી પાકા હો. હવે આ લેખન ના મંચ પર આંખ્યુંની લાગણી તો દેખાશે નહિ, પણ બહુ બહુ તો વાંચનમાં કોઈની લાગણીયુ કળાઈ જાય..! જોવા અને સમજવા માટે આપેલી આ બબ્બે આંખ્યું, એની ઉપર પાંપણના પડદા, ને એની ઉપર નેણ..! એલા આ નેણ શું હાટુ છે કોઈ ને ખબર હોય તો કેજો? નેણ દીધા જ નો હોત તો કાંઈ વાંધો? આતો બાયુના પાર્લરનો ભાંયુના ખિસ્સાને ભાર નો રે'ત એટલે પૂછ્યું ખાલી અમસ્તા.. જસ્ટ આસ્કિંગ યુ નો.! એક પુરુષના તમામ શોખ સ્ત્રી કરી શકે, પણ સ્ત્રીના શોખ જો પુરુષ કરે તો? આમ તો દિમાગને નવરું પડવા દેવું જ નો જોઈએ નવરું થાય એટલે આવું આવું ગોત્યા કરે..!
મોટા! નવરો હતો તે તમારી ફોલોઈંગ લિસ્ટ જોઈ, તમે કોને કોને ફોલો કરો છો ઇ.. અડધો કલાક ક્યાં નીકળી ગયો ખબર નો રહી..! ત્યાં વળી યાદ આવ્યું તમે આંખ્યું માથે લખવા દીધું છે, તે હાલો હવે કાંક માંડીએ..!
ખરેખર આંખ જબરી આઈટમ છે એલા, એક તો જોવે ઇ ને ધંધે મગજ લાગે..! પાછું એને જોવામાં કાંક આડું આવે એટલે મગજ હાથ ને સંદેશો દે, "જા એલા આંખ્યું ને કાંઈ સૂઝતું નથી..!" તે હાથને બીજા કામ હોય તોય પેલી સેવા આંખની કરવી પડે એમાં ક્યારેક હાથને ખીજ ચડે એટલે થોડુંક જોર કરી જાય ને આંખમાં ઘોકો મારી લ્યે..! તે એનોય અફસોસ મગજને જ કરવાનો..! વળી રાત આખી આરામ આંખો કરે ને સવારે ઉઠતાંવેંત પાછી હાથને જ પીડા, આંખ્યુંને ચોળવાની..! વળી જ્યારે આંખ્યું નબળી પડે, ચશ્મા ચડે, એટલે હાથ ને બમણી મહેનત, ઘડીક ચશ્મા ચડાવવાના, ઘડીક આંખ્યુંને ચોળવાની, વળી ચશ્મા માથે ડાઘ કે હાથની છાપ બેસે ઈય સાફ કરવાની જહેમત જુદી..! ખાલી જોવે છે તોય એને 'રતન' કેવાય છે બોલો. આતો ઘડીક ગમ્મત પણ આંખો જોવા સિવાય, ભાવને પણ વ્યક્ત કરે છે, જો કે ભાવની અભિવ્યક્તિમાં તો આખો ચહેરો હોય પણ આંખ્યુંનું ય અનોખું યોગદાન હોય જ..!
કલા જગતના નવરસને દર્શાવવા, જાણવા, માણવાનું માધ્યમ આંખો બને છે. આંખોની પોતાની કોઈ લાગણી હોતી નથી મોટા, પણ લાગણીને વ્યક્ત કરવા આંખો ઉપયોગી બને છે..! કોક પ્રસંગમાં ગયા હોય ને કોકનું માનતાનું ફરજંદ ઠેકડે ચડ્યું હોય, ને સહેજ આંખ્યું મોટી કરીને ડારો દ્યો, એટલે ટાઢું પડી જાય..! લાગણીને વ્યક્ત કરવી કે લાગણી વ્યક્ત થવી એ પાછું વસ્તુસ્થિતિને આધારિત હોય હો, કોક ના બેસણામાં અટકચાળી આંખો નો હાલે..! ને એમ જ બાધણ(ઝઘડા)માં કરૂણ આંખો નો હાલે..! જે-તે જગ્યા એ જે-તે ભાવ આંખો વડે કે ચહેરા વડે વ્યકત થાય એજ યોગ્ય છે..! નકર 'માથું રહી જાય શેવાળમાં ને બારા આવે પગ' જેવો ઘાટ થાય. વળી આંખનો આકાર સૌનો નોખો હોય પણ અભિવ્યક્તિ તો એવી જ રે', આ ચીનકાવને ઝીણી ઝીણી આંખ્યું દીધીયુ, તોય ઝીનપિંગ એના ઝીણકા પડોશીઓને ઘઘલાવી લ્યે છે ને..!
આંખોને અબાધિત હક છે જોવાનો, દેખાય ઇ દ્રશ્ય, જોવે ઇ દ્રષ્ટિ, અને એમાંય લેખાજોખા કરે ઇ દ્રષ્ટિકોણ..! એક જ દ્રશ્યમાં અનેક દ્રષ્ટિકોણ હોય, પણ અનેક દ્રષ્ટિકોણનું એક જેવું જ દ્રશ્ય ન બની શકે. કેમ કે એની પાછળ સહુની પોતપોતાની કલ્પનાયું -નવરી બાયું ગોઠણવાળીને ગોષ્ઠીયું કરીને કયાનું ક્યાં પુગાડે એવું- હોય..! છતાં આંખ છેતરે પણ છે, છેતરાય પણ છે. ઓલ્યા જાદુગરો આંખની સામે જ જાત-જાતના જાદુઓ કરી બતાવે એ એક પ્રકારની છેતરામણી જ છે ને..!