તારી અને મારી વાત || વાતની વાતનું વતેસર || વાત જણાય, સમજાય, વિચારાય, પછી પણ સો ચારણે ચારીને જ વહેતી કરાય.

0
તારી અને મારી વાત


લ્યો આજ તો વાતની વાતનું વતેસર કરવું જોહે..!! પણ તારી મારી કરીને મહાભારત કોણ કરે..? નકરું તારું તારું કરીશ તો દોષારોપણ કેવાશે, નકરું મારુ મારુ કરીશ તો અભિમાન કે સેલ્ફ પ્રમોશનમાં ખપાવશો..! તો હવે કરું કોની વાત? કોઈ ની નહિ પણ વાતની જ વાત કરું હાલો..!

વાત છે ઇ વાનગી જેવી છે, અમુક મીઠી કરે, અમુક કડવી, અમુક તૂરી કે બેસ્વાદ.. તોય સૌ કરે છે. પાછી વાત ઇચ્છાધારી પણ છે, એક મોઢેથી નીકળી બીજે મોઢે બોલાય ત્યારે એનું સ્વરૂપ વધે...

જમના ડોશીએ સાડીની કોર દાંતે દાબીને ગંગા ડોશીને કીધું, "શે'ર માં રે ઇ આપણા ગામના ભગાભાઈના ભૂરા એ લગ્ન માટે ના પાડી દીધી."

ગંગા ડોશીએ હાથ લાંબા કરી કરીને  કોશી ડોશીને કહ્યું, "ભગાભાઈના ભૂરાને લફરું હશે, એટલે એણે લગ્નની ના પાડી દીધી." 

કોશી ડોશીએ ચારેકોર નજર કરીને ઝીણા સાદે રેવા ડોશીને કીધું, "આ કોર્ય ભૂરાનું માગું આવ્યું ને ઓલ્યી કોર્ય ભૂરો કોકને ભગાડી ગયો." 

રેવાડોશી બજર ચોળતા કાવેરી ડોશીને કહે, "ભૂરે જેને ભગાડી એને બે છોકરા છે એવું સાંભળ્યું." 

કાવેરીડોશીએ કાન આડા હાથ મૂકીને સોન ડોશીને કહ્યું, "ભૂરો ભણ્યો ગણ્યો તોય નફ્ફટ રહ્યો હો, જેને ભગાડી ગયો એને છોડીને બીજી હાર્યે લફડું કર્યું." 

સોનડોશીએ ગળે આવેલ ગળફો થૂંકીને ગોમતી ડોશીને કહ્યું, "ભૂરો જે બીજી હાર્યે ભાગ્યો ઇ તો જેનું માગું આવ્યું'તું ઇ જ છોડી(છોકરી)." 

વળી ગોમતી ડોશી ગળું ખંખેરીને માલણ ડોશીને કહે, "બળ્યું મુઈ, આપણે શું પંચાત પણ સાંભળ્યું કે ભગાભાઈનો ભૂરો દારૂ પીને ઘરે રોજ કંકાસ કરે છે.. પ્રેમ લગન આવા જ હોય જો બાઈ." 

વળી માલણ ડોશી આડું મોઢું કરીને આજીડોશીને કહે, "ઈતો બાઈ વડ એવા ટેટા હો, ભૂરા નો બાપ ભગો ય બોવ વાયડો હતો, તે એના ફરજંદ તો ફાંકા કરે જ ને.." 

આજીડોશી એ વાત ફેરવીને ફુલકી ડોશીને કહે, "બાઈ, ભૂરો તો ભૂરાયો થઈને એના બાપ ભગા હામું થિયો'તો, બથ્થમબથ આયવા'તા બાપ-દીકરો." 

ફુલકીડોશીએ મોઢે કળા કરીને કાળી ડોશીને કહ્યું, "હૈ બાઈ હાંભળ્યું, ભગાભાઈ ક્યાંય જડતા નથ." 

વળી કાળી ડોશીએ કાળપ પાથરતા પૂર્ણાં ડોશીને કહે, "ભૂરા એ સગા બાપને સોજવાડી દીધો, ભારી કળિયુગ બાઈ." 

પાછી પૂર્ણાં ડોશી મોણ મેળવીને ખારી ડોશીને કહે, "બાઈ સાંભળ્યું, ભૂરો જેલમાં જઇ આવ્યો."

ખારી ડોશી ખોંખારીને ઉતાવળી ડોશી ને કહે, "જો તો બાઈ કેવો જમાનો આવ્યો છે, ભૂરાએ તો ભોમકા લજવી, નકે આપણા ગામનું નામ કેવું?"

વળી ઉતાવળી ડોશીએ નિલકા ડોશીને કીધું, "એ બાઈ સાંભળ્યું, ભૂરો જેલમાં છે ને એને ઘરે દીકરો આયવો હો."

નિલકા ડોશી નાક ખંજવાળતી સાંગ ડોશી ને કહે, "અરર, ભૂરે તો ખાનદાનનું નામ ડબોળ્યું, સાંભળ્યું એની વહુ પિયર વઇ ગઈ."

ને સાંગડોશીએ એના વર સખણા ડોશા ને માંડી ને કીધું, તયે ડોશે આખી ચોખ પાડી, કે ભગાભાઈના ભૂરાને ભણવું હતું, એટલે લગ્ન પાછા ઠેલ્યા'તા.. ને ભણીને જેલસીપાહીની ભરતીમાં પાસ થયો, ને નોકરી મળી, માગું હતું ઇજ કન્યા હાર્યે લગ્ન કર્યા, ને ભગાભાઈને એક રેઢિયાળ ખૂંટિયા એ માથું માર્યું'તું, તે બચાળા નો ખભો સોજી ગયો'તો, ને એના ઘરે દીકરો આયવો એટલે જ એની વહુ પિયર ગઈ છે, બચાડી ઘણા વખતથી ગઈ નહોતી..!! તમે નવરી ડોશીયું કયાનું ક્યાં પુગાડો એલી.

ને તોય સાંગ ડોશીએ બીજે દિ' ઓજત ડોશીને કહ્યું, "ઓલ્યા શે'રમાં રે' ઇ ભગાભાઈનો ખૂંટિયો આંટી ગયો, બચાળા કોમામાં છે એવું સાંભળ્યું..!!

***

વાત છે ઇ વહેતી નદીયું જેવી છે, ઝીણી ધારમાંથી ઝરણું થઈને દરિયામાં ભળતા ટાણે વિકરાળ રૂપ ધારે..! એને છંછેડાય નહિ, નિર્મળ જ જાવા દેવાય..!

વાત જણાય, સમજાય, વિચારાય, પછી પણ સો ચારણે ચારીને જ વહેતી કરાય. તોય આપણે ગફલતમાં કે ઘણીવાર સહજ જાણીને ન બોલવાનું બોલાઈ જતું હોય છે, ને વાત સાથે સાથે સ્થિતિ પણ બગડે છે, ને ઘણી વાર ગંભીર પરિણામ ઉભા થતા હોય છે. ઓલ્યો નાનપણનો લપલપીયો કાચબો યાદ રાખવો, બહુ વાતો ઉકલતી હોય તો..!

હાલો લ્યો, કાચબો યાદ આવ્યો એટલે આ લપ આંય પુરી કરું હુંય..!! 

Post a Comment

0Comments
Post a Comment (0)