છાંયડો - ..છાંયો પરાધીનતાનું પણ પ્રતીક છે. માણસ થાકી-હારીને અંતે છાંયો શોધે..

0
'છાંયડો'
શેનો છાંયડો મોટા? કોઈ વૃક્ષનો, કોઈના વડપણનો, કોઈના આશ્રયનો..! છાંયડાનું નામ પડે એટલે એજ જૂનો ચીલો વૃક્ષ.. થડ, ને ડાળખી, ને પાંદડા, ને વેલ્યુ, ને કૂંપણ્યું, મૂળિયાં સોત ખોદી નાખીને કાવ્યશાસ્ત્રનું શ્રેષ્ઠતમ વ્યંજન બનાવવાનો પંથ..!

મોટા, છાંયો પરાધીનતાનું પણ પ્રતીક છે. માણસ થાકી-હારીને અંતે છાંયો શોધે…! બીજી રીતે કહું તો પોતાની ક્ષમતાઓ વિકસાવવાને બદલે અન્યની અપેક્ષા..! જો કે જરૂરી પણ છે. એકલું હું-પણું લઈને દોડવું પણ કેટલે..! ઝીણી એવી શરદી થઈ હોય તોય મારા જેવા ચાર દી રજા પાળે..! છાંયો ગોતી ને ટાઢા થઈને પડ્યા રે..! શું થાય.. માણસની પ્રકૃતિ જ એવી થાતી જાય છે. પરાવલંબી! મારે કાંક કામ હોય, હું ઈચ્છું કે હું ન કરું કોઈ પાસે કરાવડાવી લઉ. એલા, રેશનકાર્ડ માં નામ ચડાવવું હોય કે કમી કરાવવું હોય તોય લાઇન માં ઉભા રહેવા કરતા મામલતદારની બહાર લીમડાના છાંયડે ઓલ્યા ઝોળી-છાપ બસ્સો રૂપિયા લઈને કરી દે ઇ સે'લા પડે છે..! નકર ઈનું ઇ કામ લાઈનમાં ઉભા રહયે વિસ રૂપિયામાં પતતું હોય. પણ હું થાય, ખિસ્સા ખખડતા હોય તયે છાંયો જરૂર સાંભરે..! ઇ બસ્સો વાળો એંશી પોતાના ખિસ્સા માં નાખે, વિસ રૂપિયા સરકારી ફી.. ને બાકીના સો.......! ને આળસુ જીવનું કામ સંધાઈ જાય.

છાંયો પાછો કાળો પણ છે, કાળો કલુષિતતાનું પ્રતીક કહી શકો. હવે આવું કોણે કહ્યું ઇ મને નથી ખબર ક્યાંક વાંચ્યું'તું..! કાળાથી યાદ આવ્યું, કાળો રંગ કાં તો સોગ માં વપરાય કાં વિરોધમાં..! આનું કારણ શું? કોક ના લગ્નમાં કાળું પહેરીને ગયા હોય કે કોઈ જનસભામાં કાળું પહેરીને ગયા હોય તો? પરિણામ કહેવાની જરૂર છે? પહેલા તો કંકોત્રી જ કાળા અક્ષરોથી લખાતી..! આતો હવે લાલ લખાણ વાળી આવે છે, એમાં ય ઘણી જગ્યાએ તો કંકોત્રી નો ય રિવાજ નથી, કંકુવાળા ચોખા જ કંકોતરીને સ્થાને ચાલે છે આજ પણ..! પહેલા દેશનિકાલો કરતા એને કાળા વસ્ત્રો ને કાળા ઘોડે ચડીને કાળી રાત્યે નીકળી જવાનું કશ્યપરાઉતનું પહેલું કિરણ નીકળે ઇ પહેલા..! કાળું સર્વગ્રાહી છે..! અને જ્યાં કાઈ નથી ત્યાં કાળો અંધાર તો છે જ..! ... એલા મુદ્દો છાંયો હતો કાં?

છાંયા નો વિરોધી તડકો.. તડકો એટલે ઉકળાટ.. ઉકળાટ એટલે આઈસ્ક્રીમ.. આઈસ્ક્રીમ એટલે ગળપણ, ગળપણ એટલે રસ, રસ એટલે રસના(જીભ), રસના એટલે અવયવ, અવયવ એટલે શરીર, શરીર એટલે રોગ, રોગ એટલે શરદી.. આમ જાજુ તડકો છાંયો થાય ને એટલે શરદી થાય હો..! આતો જસ્ટ એનિથિંગ ફાંકા-ફોજદારી..!! નથિંગ સિરિયસ યુ નો ના..! મોટા, ક્યાંક ઊંડો ઉઝરડો પડે ને ઇ પોહાય પણ આ શરદી નહિ હો.. લખાણ માં ય આવીને ઉભી રે જો આમ..

હાલો તયેં આજ ના રામ રામ સૌ ને જય જગન્નાથ..!!

Post a Comment

0Comments
Post a Comment (0)