હવે બે ત્રણ દી થયા ઉપરાછાપરી નકરું પ્રેમ પ્રેમ પ્રેમ વાંચ્યું.. તે આજ મને થયું, આજ આપણેય ઝીંકી જ દેવી, આવડા બધા એ ઉપાડો લીધો છે તે વહેતી ગંગામાં હાથ આપણેય ધોવી..!
મુદ્દો છે પ્રેમ. પ્રેમ એટલે શું? એમ આપણે પુછીયે એટલે જવાબ આવે, એકબીજાની જરૂરિયાતો, સંભાળ, સ્નેહ, સમજણ વગેરે વગેરે સચવાઈ જાય. કાંઈક આવો આવો મોટેભાગે જવાબ મળતો હોય છે. પ્રેમ ના દ્રષ્ટાંત પુછીયે એટલે રાધા કૃષ્ણ થી માંડીને આ લેલા મજનું લગી ના નામો આવે..! વળી જો એમ પૂછીએ કે પ્રેમ નો પ્રકાર તો, ભાઈ-બહેન, માં-દીકરો, બાપ-દીકરી વગેરે વગેરે સંબંધો ના સગપણ ને એવું બધું..!
કોઈ કહે છે પ્રેમ શાશ્વત છે, કોઈ કહે અખંડ છે, કોઈ વળી નિરંતર વહેતી ગંગાના નીર સમો પવિત્ર, કોઈ કહે સમુદ્ર સમ વિશાળ, વળી કોઈ કહે ઈશ્વરીય ચેતના, કોઈ કહે અનંત અનુભવ છે, કોઈ કહે લાગણી કે ભાવ માં સર્વોત્તમ, કોઈ કહે છે હસ્તરેખામાં છે, કોઈ કહે મોહની સીમા પુરી થયે પ્રેમારંભ, કોઈ કહે આકર્ષણના સોપાન, કોઈ તેને વખાણે, તો કોઈ વખોડે છે, કોઈ તેને માણે છે, તો કોઈ ઘૃણા અને તિરસ્કાર કરે છે, કોઈ ટીકા કરે છે, કોઈ માટે સર્વસ્વ છે, તો કોઈ માટે એક ભાવની અભિવ્યક્તિથી વિશેષ કાંઈ નથી, કોઈ માટે જીવન છે, તો કોઈ માટે અધ્યયન, કોઈ માટે વસ્તુ છે, કોઈ માટે નસીબ છે, કોઈ કહે છે પ્રેમ આંધળો છે, તો કોઈ પાંગળો. કોઈ તેને પૂજે છે, કોઈ તેને રિઝવે છે, કોઈ તેનો આશ્રય શોધે છે, કોઈ તેને તરસે છે, કોઈને પ્રેમની પડી નથી, કોઈને પ્રેમની અનુભૂતિ મળી નથી, કોઈ કહે છે પ્રેમ જિજ્ઞાસા છે, તો કોઈને ખાલી આશા છે..! સહુ કોઈને પોતાના પ્રેમની પોતાની વ્યાખ્યા છે. પણ તો પણ ઘણુંખરું તો ઉપર કહ્યું એવું જ બધા કહેશે. બધા ના માપદંડો જુદા છે, બધાને જરૂરિયાત પણ જુદી છે, પોતપોતાનો નિભાવ થઈ રહે તેટલો તેનો ઉપયોગ કરી આગળ વધી જાય છે.
'પ્રેમ' - હકીકતે કોઈ પણ આની વ્યાખ્યા કરવા કે વિવરણ આપવા સમર્થ નથી, કારણ સૌનો દ્રષ્ટિકોણ. કોઈ પ્યાલો અડધો ભરેલો છે એ મારા મતે અડધો ખાલી પણ દેખાતો હોય કે પછી અડધો ભરેલો, એમ બે સંભાવનાઓનું સર્જન થાય છે. જેને પ્રેમ કહેતા હોય એ મારી દ્રષ્ટિએ આકર્ષણ- મોહ - જવાબદારી પણ હોય શકે. કદાચ એક માં ના પોતાના સંતતિ પ્રત્યેના કર્તવ્યો, કે સંતાનની માતાપિતા પ્રત્યેની સ્થાપિત ફરજો, કે પછી યુગલે નિભાવવાના ધર્મને પ્રેમ કહેવાનો? શું પ્રેમ એ કોઈ ભાવ છે? સમર્પણ છે? ત્યાગ છે? કે પછી અભિવ્યક્તિનું સાધન છે? અને હા કોઈ તો પ્રેમ ને સાધના પણ કહે છે. યોગ કહે છે, ભોગ પણ..! કોઈએ કહ્યું આકર્ષણ એ પ્રેમનું પહેલું સોપાન છે, તો શું વાત્સલ્ય ભાવનામાં પણ આકર્ષણ હોય છે? ખરેખર કોઈ પણ ભાવ કે ભાવના કે રસ સ્થાયી છે ખરા? પ્રેમ પણ નશ્વર જ હોવો જોઈએ, વળી ઘાતક તથા બદલાની પણ ભાવના ને સાઈડ ઇફેક્ટ ની જેમ ઉપજાવનારો પણ ખરો.
આપણે આપણા વિવિધ વાદ ને સાચા કરવા જેવી ને તેવી વ્યાખ્યાઓ આપણાં પોતાના લાભાનુસાર/સ્વાદાનુસાર કરી લેતા હોઈએ છીએ. કોઈ પ્રેમી યુગલ છે, સમાજ સામે પ્રેમ જાહેર કરી શકતા નથી, તો પ્રેમ કાયર છે. છડેચોક જાહેર કરે તો પ્રેમ અભદ્ર છે. વળી એ યુગલના જન્મધર્મ જુદા હોય તો પ્રેમ પાપ છે. વળી યુગલની ઉંમરમાં તફાવત હોય તો પ્રેમ વાસના છે. યુગલ નથી, પણ એક તરફી પ્રેમ હોય તો પ્રેમ અંધમતિ છે. યુગલ નીડર હોય તો પ્રેમ પણ નીડર કાં તો મોહાંધ છે. વાલીનો પ્રેમ વાત્સલ્ય છે, પતિપત્નીનો પ્રણય, ભ્રાતાનો સ્નેહ.. જેવો સંબંધ એવા ધારા-ધોરણો, અને એવી જ આન્ટીઘૂંટીઓ..! થોડા સમય પહેલાં એક વાત વાંચી હતી, લેખકનું નામ તો ભુલાઈ ગયું પણ એક હિમાલયના ઊંચા પર્વતના શિખર પર એક ઘણી મોટી શીલા પડી હતી, અભિમાન માં રાચતી, કે નીચે કેવું બધું ઝીણી રજ જેવું છે, અને હું અહી એકલી મારા સમાર્થ્યને જોરે સર્વોચ્ચ સ્થાને છું, એટલામાં એની પર વીજળી પડી, શીલાને ખાસ ફરક તો ન પડ્યો, પણ એક બિલકુલ ઝીણી એવી તિરાડ પડી, વળી અભિમાન ઓર ઊંચકાયું, કે આવડી શક્તિશાળી વીજળી પણ મારું કાઈ બગાડી શકી નહીં.. પણ ખરેખર જે તીણી તિરાડ હતી તેમા સહેજ પાણી ભરાયું, બરફ માં પરિવર્તિત થયું, શીલાને પોતાના માં કંઈ દબાણ થતું લાગતું હતું, ધીમે ધીમે તિરાડ વધતી ચાલી, શીલા પણ ચિંતાગ્રસ્ત થતી ચાલી, તેનો ગુમાન ઓગળવા લાગ્યો, અને એક દિવસ ફરી તેની પર વીજળી પડી, વળી વરસાદના પાણીએ તેની નીચેની જમીનનું ધોવાણ કરતા શીલા ટોચથી ગબડી, પહાડીની ધારે જે મહાકાય વૃક્ષોને તે તરણા જેવા તુચ્છ ગણતી હતી તેના જ આશરે તેને જવાનું હતું કદાચ.. એ ગબળતી જતી હતી અને એક વૃક્ષને ટેકે તે પડતા રોકાઈ ગઈ, પણ ઉપરથી આવતો પાણીનો ધસમસતો પ્રવાહ, માટીનું ધોવાણ અને શીલાનું વજન તે વૃક્ષ ઝીરવી ન શક્યું તેથી વૃક્ષ પણ ધરાશાયી થયું, શીલા ફરી ગબડી પણ હવે તે શીલા ન રહી, નાના-મોટા પથ્થરોમાં તેનું પરિવર્તન થયું. ને નદી માં પડી.! હવે તે નીચે પડી પડી ઉપર ટોચ તરફ જોયા કરતી, પોતાનું વૈભવશાળી સ્થાન જોતી અને અત્યારની હાલત..! ધીમે ધીમે પાણીના પ્રવાહ માં ઘસાઈ ઘસાઈ ને તેના તમામ ભાવો સાથે તેનો આકાર પણ નાનો થતો ગયો.. તેનો બીજો ટુકડો તો રેતીના કણ થઈ ચૂક્યા હતા, નદીના પ્રવાહ સાથે આમથી તેમ હિંચકોલતા હતા..! નદીના પ્રવાહ સાથે ઢસડાઈ ને એક કિનારે પડી તે પોતાની સ્થિતિ ઉપર હવે તેને ન કોઈ ગુમાન રહ્યો, ન કોઈ દયાભાવ, ન કોઈ કરુણા કે અફસોસ, અને એક દિવસ એક વ્યક્તિ આવી, તેણે તેને ઉપાડી, મંદિરમાં સ્થાપી, તેનો આકાર ગોળ થયો હતો, સપાટી લીસી, અને વર્ણ શ્યામ..! તમામ ભાવોથઈ મુક્ત થતા, તેને પ્રેમનું સ્વરૂપ શાલિગ્રામ તરીકે સન્માન મળ્યું..!
વળી આપણે ત્યાં કવિ, લેખકો, વિચારકો એ એટએટલી ઉપમાઓ અને વ્યાખ્યાઓ કરી મૂકી છે, કે અસલ પ્રેમની કોઈ વ્યાખ્યા કહી શકતું નથી, ઉપરથી બૉલીવુડ વાળાઓ એ બે-ત્રણ દાયકા આખા પ્રેમ અને પ્રેમ ના આખ્યાનો માં કાઢ્યા.. 'શ્રાવ્યચિત્ર' (ફિલ્મ) માનસિકતા ઉપર ઘણી અસર કરે છે. હવે ધારો કે કોઈ ગોદડું છે, વપરાશને કારણે સહેજ ફાટી ગયું, તો સ્ત્રીઓ શું કરે કોઈ જૂની સાડી ચડાવી ને એ ગોદડું સીવી નાખે, નવું થઈ ગયું, વળી એને એમ થાય કે આમાં કિનારીઓ નબળી છે, એટલે એને બેવડી વાળી ને કોર સીવી નાખે, એટલે ડિઝાઇન ની ડિઝાઇન અને ગોદડાં નું ગોદડું..! વળી એમ થાય કે હજી આછું એટલે થડોક ગાભા ઓર ચડાવીને વળી એકાદ જૂની સાડી માથે ચડાવી દે..! હવે એમ લાગે કે ગોદડાનું સ્વરૂપ બદલી ગયું ત્યારે તે પાથરણું કે ચાકરો થઈ જાય, વળી એમાં આભલા-ચાંદલિયા ટાંકીને થોડોક શણગાર કરે એટલે ઢોલિયાનો શણગાર થાય..! કોઈ મોંઘેરા મહેમાનના આદર સત્કારનું સ્થાન બને. ફરી જૂનો થાય, એટલે ગાડે પથરાય (હવે તો ગાડાં ના સ્થાન ટ્રેક્ટરે લીધા છે.) ને છેલ્લે ઇ ચીંથરુ થાય ત્યાં સુધી વાડીએ છાપરું હોય ત્યાં પડ્યું રહે..! કદાચ પ્રેમ પણ આવી રીતે ઠેકઠેકાણે સ્વરૂપ બદલે છે.. રંગ બદલે છે, અભિવ્યક્તિનો આશ્રય બદલે છે..! એટલે એમ પણ કહી શકાય, પ્રેમ નો કોઈ રંગ પણ નથી, રૂપ પણ નથી, આયુષ્ય પણ મર્યાદિત છે, તો પણ એને પ્રેમ કહેવો એ ઉચિત છે? કેમ કે કોઈ તો કહે છે પ્રેમ અમર છે..!
ટૂંકમાં આકર્ષણ, મોહ, જવાબદારી, વાત્સલ્ય, સ્નેહ, કાળજી, આ બધા ભાવો છે એને જ પ્રેમના નામે ખપાવવામાં આવે છે..! પ્રેમનું ખાલી નામ છે.. ભાગ તો આકર્ષણ અને જવાબદારી જ ભજવે છે..!