રથયાત્રા || પુરીના રાજવીઓ પણ જગન્નાથનું રાજ્ય કહેતા, અને જગન્નાથ ના પ્રતિનિધિ તરીકે રાજ્ય સંચાલન કરતા...

0
"રથયાત્રા"
અનહદ જોને ઉપડ્યા, ગગને કાળા ગાઢ...!
વરસો અનંત વાદળાં, આયો માહ અષાઢ..!!

      અષાઢ માસ આવતા-આવતા તો આભ માં વાદળાં દોડાદોડી કરવા માંડે..! પવનની પુરજોર લહેરખી આમથી તેમ ફૂંકાતી હોય, જેઠ ના વંટોળને જાણે વિદાય કરતી હોય ને આખું આભ કાળા ડિબાંગ વાદળાથી મંડાય જાય, કોક નવોઢા જાણે નવી પરણીને આવી હોય ને નવા વાસણો- રાચરચીલાથી પોતાનો સ્વપ્ન મહેલ સજાવતી હોય ને દિવાલનો એક ખૂણો પણ કોરો ન રહેવા દે એમ વાદળાંઓ એકની માથે એક ખીચોખીચ આભમાં ભરાતાં જાય. વિજળીઓને પણ પોતાની હયાતી દર્શાવવી હોય એમ એક બંધ થાય ને બીજી ગરજે.. જાણે યૌવન પોતાના ચરમ પર હોય. ચાર ચાર મહિનાથી તપતી ધરાની તરસ જાણે એકસામટી બુઝાવવી હોય એમ અનરાધાર અષાઢનું આભ સજે..! વળી બે બુંદ વરસ્યા પછી માટીની ભીની સુગંધ.. અહાહા આ અનુભવ તો અવર્ણીનય છે..! ચાહે બાળક થી માંડીને બુઢ્ઢા સુધીના ને..! મેહ કોને ન ગમે? ચચ્ચાર મહિનાથી ખેડુ આભ સામું મીટ માંડીને રાહ જોઈ રહ્યો એને તો અષાઢ માં આભે ચડેલી એક નાની વાદળી પણ સારા વર્ષ ના શુકન આપી જાય છે. અષાઢીબીજનું તો વરસાદનું શુકન કેવાય..! ભલે એક બુંદ વર્ષે..!

     અષાઢીબીજ..  કચ્છીઓનું નવું વર્ષ. જામ રાયધણજી અને લાખા ફુલાણી સાથે આ કચ્છનું નવું વર્ષ જોડાયેલું છે, વર્ષા પ્યાસા કચ્છીઓને અષાઢીબીજના આગમનની આતુરતાથી રાહ હોય છે, ભારતભોમનો આ પશ્ચિમ છેડો તો નવવર્ષ તથા આભમાં વાદલના આગમનથી રાજી હોય ત્યારે પૂર્વમાં ઓરિસ્સાના પુરી ધામ માં ભગવાન જગન્નાથ નગરચર્યા એ નીકળે.

     આપણી શ્રદ્ધા કેવી છે, જગતનો નાથ, પાલનહાર.. ઈશ્વર છે છતાં આપણી જ શ્રદ્ધાથી એ માંદા પડે, ધીમેધીમે એમની તબિયત માં સુધાર આવે અને અષાઢીબીજના રોજ તો તેઓ નગરજનો ને મળવા પણ નીકળે..! એમના સ્નેહીને ત્યાં રોકવા જાય.. વગેરે વગેરે.. ઘણું ખરું સમાચાર પત્રો કે લેખ સાહિત્યોમાં આ બધું તો જાણવા મળી જ રહેશે..! આપણે દેવ ને પણ આપણી જ પ્રમાણે ગણી ને તેમનો સત્કાર વગેરે બધું કરીયે છીએ. રથના નીતિ નિયમો, મૂર્તિના નિયમો, જગન્નાથને બહાર લઈ જવાથી લઈને પાછા નિજમંદિર માં લઇ આવવા સુધીની નિયમાવલી, તથા રીતિઓ, રિવાજો, આગતા સ્વાગતા.. અરે પુરીના જગન્નાથ તો ઘણા દૂર છે, અહીં દ્વારકા જ જુઓ.. દ્વારકાધીશની ધજા.. એના કેવડાં નિયમો છે..!

     પુરીના રાજવીઓ પણ જગન્નાથનું રાજ્ય કહેતા, અને જગન્નાથ ના પ્રતિનિધિ તરીકે રાજ્ય સંચાલન કરતા. આ પ્રથા પણ ઘણી અલગ છે, રાજસ્થાન ઉદયપુરમાં પણ એવો જ મળતો રિવાજ હતો. ભગવાન એકલિંગનું રાજ્ય અને મેવાડી રાણાઓ તેમના પ્રતિનિધિ તરીકે રાજ્ય ચલાવતા.

     એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર પૂર્ણ પુરુષ માત્ર બે જ છે. એક અશ્વ બીજા શ્રી કૃષ્ણ. અશ્વ ને પૂર્ણ પુરુષ માનવામાં આવે છે, એનું વૈજ્ઞાનિક કારણ પણ છે, અને યાદવેન્દ્ર કુળભુષણ શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષ, વળી પુરુષોમાં પણ સર્વોત્તમ એમ પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. કૃષ્ણ વિશે તો કહીએ એટલું ઓછું છે..! અને અહીં કહેવાની તો જરૂર જણાતી પણ નથી.

     આપણી સંસ્કૃતિમાં તમામ જીવથી માંડીને વૃક્ષ વનસ્પતિ, પ્રકૃતિ સર્વેમાં ઈશ્વરની ચેતના કહી છે, સ્વયં ઈશ્વર જ કહ્યા છે, પીપળાથી માંડીને મંદિરમાં બેઠેલી પથ્થરની મૂર્તિ સુધીમાં સૌ ઈશ્વર છે અથવા ઈશ્વરીય ચેતનાનું આવાસ છે. અમુક અનુવાદકોએ ગૂંચ પણ ઉભી કરી છે. દેવદત્ત પટ્ટનાયક જેવાઓ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના નામે ઈશ્વરને એલિયન સુદ્ધા કહી જાય છે, અને અમુક આધુનિકતાની આડ અસરથી ઉપજેલ કલુષિત માનસિકતા તેને સ્વીકારીને પ્રચાર પણ કરે છે.! મંદિરો સ્પેશ શટલ છે, ગણપતિ વગેરે પરગ્રહથી આવેલ પરગ્રહજીવો હતા અને તેમણે પૃથ્વી લોક ના મનુષ્યોના કલ્યાણાર્થે જીવનનીતિઓ ઘડી આપી...! કલ્પના ના ઘોડા ને બદલે ગધા છુટા મુક્યા છે આણે તો..! 

     તર્ક એવો હોવો જોઈએ જે વ્યવસ્થિત માર્ગદર્શન આપે..! સરળ બુદ્ધિને પણ સમજાય જાય. પણ આપણે ત્યાં એવા એવા પાયાવિહીન તર્કો સર્જન પામે છે કે વાત જાવા દ્યો. વિચારકો નવી દિશાને નામે અધોગતિને સ્થાન તરફ લઈ દોરે છે. વળી આવા વિચારકોને પ્રોત્સાહન તથા પ્રચાર અને પ્રસારણ પણ સરળતાથી મળી જાય છે, બીજી તરફ જે સમાજ/સંસ્થાન કે લોકોપયોગી છે તે એટલું પણ પ્રશસ્તિ નથી પામતા કે પડોશી સિવાય ત્રીજું ઘર ન જાણતું હોય. એનું કારણ શું છે એ પણ વિચારનો વિષય છે.

     એક તરફ આપણે દેવતાને સર્વોચ્ચ સ્થાને સ્થાપી એમના માર્ગદર્શનો તથા રીતિ-રીવાજોને નામે લડી પણ લઈએ છીએ, અને બીજી તરફ એજ દેવના સ્થાનકમાં દીવા ટાણે કાળું ચકલુંય હોતું નથી. પ્રભાતનું પહેલું કિરણ ઉદિત થાય એ પહેલાં જ દેવને જગાડી, સ્નાનાદિ શણગાર શૃંગાર વિધિઓ બાદ પુરા નાદવૈભવ સાથ ધૂપ-દીવા-આરતીનું વિધાન છે. અને આપણી જીવનચર્યા એવી થઈ ગઈ છે કે આંખ જ આઠ વાગ્યા પછી ખુલે છે..!

આ શરીર રૂપી રથનો આત્મારૂપી સારથી સાંસારિક જીવન ના પથ પર સતત ચલવે છે.. આ યાત્રા કેવી ખેડવી, કેવા સુખો લેવા, દુઃખો નો કેવી રીતે સામનો કરવો એ બધો નિર્ધાર આપણા નિર્ણયોને આધીન છે. નિર્ણયશક્તિ કેળવવા ની શિક્ષા તો બાળપણથી જ મળતી રહે છે, એમાં આપણે કેવું પ્રદર્શન દાખવીએ એ જોવાનું છે. બુદ્ધિ બધાની સમાન છે પણ કોણ કેવો ઉપયોગ કરે છે એ મુખ્ય છે.

જય જગન્નાથ
અસ્તુ

Post a Comment

0Comments
Post a Comment (0)