કબૂલ કરવાની હિંમત || તમે માણહ પ્રજાતિ ઘણી વિચિત્ર છો..

0
કાલ એક ઝાપટું પડ્યું એમાં વાડીએ પાણીનું ખોબા જેવડું ખાબોચિયું ભરાણું એમાં રિવર રાફટિંગ કરવાની તૈયારી કરતો'તો એટલા માં ડાઘીયું આવ્યું, મારા અકલ્પનિય પ્રયાસોને બિરદાવવા સહેજ ત્રાંસુ મોઢું કરીને "હૂંહ" એમ બબડયું..!

"શું થયું એલા?"

"તમે માણહ પ્રજાતિ ઘણી વિચિત્ર છો?" ચાલુ કર્યું ભાઈ એણે તો આવતાંવેંત..!!

"કાં એલા હવે શું ગોતી આવ્યો ચાર પગાળા.." 

"બે વર્ષ પહેલાં આસામ માં ભયાનક પુર આવ્યું હતું, મોટું નુકસાન થયું હતું. પણ સમાચારો માં શું ચાલતું હતું? અશોક ગેહલોતની સરકાર પાડીને સચિન પાયલોટ રાજસત્તા હાથમાં લેશે..! મોટાભાગની ન્યુઝ ચેનલોમાં આસામ પૂરના સમાચાર માત્ર નીચે ચાલતી પટ્ટીમાં જ સ્થાન પામ્યા હતા.. હમણાં સાત-આઠ દિ પહેલા પણ એવું ને એવું ફરી બન્યું, આસામમાં ફરી ભયંકર પુર આવ્યું, લાખોની પાયમાલી થઈ, સમાચારો માં શું ચાલતું'તું? મહારાષ્ટ્રનું રાજનૈતિક સંકટ? તમારા લોકો માટે રૂપિયો સૌથી મોટો છે કાં?"

"વાત તો ડાઘીયા સાચી કરી તે..!"

ને ફરીથી 'હૂંહ' એમ નિસાસો નાખી છાપરે ચડી ગયો. "કબૂલ કરો.. તમે માણસ પ્રજાતિ મતલબી છો."

"હવે એમા કબૂલ કરવાની ક્યાં જરૂર છે.. સૌ જાણે જ છે.. મતલબ કે માણસ સર્વશ્રેષ્ઠ છે એમ."

"નહિ, તમે લોકો પ્રેમનો પણ દુરુપયોગ કરો છો, અન્ય ભાવનાઓને પણ પ્રેમનું નામ આપીને..!"

"જો ડાઘીયા પ્રેમની માંડજે જ નહિ હો, મહેરબાની."

"તો કબૂલ કરો, તમે નાહિમ્મત પણ છો, ઘાત લગાવીને હુમલો કરો છો."

"ઇ શું એલા?"

"ફાંસલા મુકો છો, કોક ફસાય અને તમે તેનો ઉપયોગ કરી શકો."

"ના, બધા એવા નથી હોતા. પાંચેય આંગળીઓ ક્યાં સરખી છે?"

"તો પાંચે આંગળીનું કામ પણ ક્યાં સરખું છે? કનિષ્ઠિકા કરી શકે એ મધ્યમાથી ન થાય."

"ઇ કેવી રીતે?"

"કાન ખંજવાળવો હોય ત્યાં મધ્યમા ન જઈ શકે."

"એલા તું રેવા દે, વાત બદલ.."

"તો કબૂલ કરો.. તમારામાં કબુલવાની હિંમત પણ નથી."

"હિંમતની તો તું રેવા જ દેજે. માણસ માં અખૂટ હિંમત તો છે એટલે જ તો આટલી પ્રગતિ કરી છે, આવનારા વર્ષોમાં મંગળની ધૂળમાં આળોટવાનો છે માણસ.."

"કોના ભોગે?"

"મતલબ?"

"અહીંની પ્રકૃતિનો નાશ કરીને જ તો તમે ત્યાનું પ્રયાણ પામશોને? કબૂલ કરો તમે સર્વનાશી છો."

"એલા વાત બદલ."

"તો કબૂલ કરો તમે સત્ય પણ સાંભળી શકતા નથી."

"સાચું કેજે ડાઘીયા આજ શું ખાઈને આવ્યો છો?"

"આખું સાકરકોરું."

"ડાઘીયા તને ખબર છે, ૨૦૨૩ માં G20ની સમીટ ભારતમાં થશે, એમાંથી અમુક મિટિંગ્સ કાશ્મીર માં યોજાશે."

"તમે કબૂલ..."

"એલા બસ કરને.. કબૂલ કબૂલ.. કાબુલી ચણા ચાટી આવ્યો છો કે શું?"

ને પ્રત્યુત્તર માં ડાઘીયે મને એના તીક્ષ્ણ દાંત દેખાડ્યા, અને બોલ્યું, "નહિ, કાશ્મીરમાં તમે લોકો મિટિંગ્સ કરીને કરી પણ શું લેશો, તમે એમ જ દેખાડવા માંગો છોને કે કાશ્મીર ભારતીય ભાગ છે, ને તમારા એ પ્રયાસનો ના-પાકિસ્તાને વિરોધ શરૂ કરી દીધો, એમાં એની ખાલા-'શી' એ પણ જાહેર કરી દીધું કે તે ભાગ નહિ લે. તમે કબૂલ કરો તમે માનવ સમુદાય નબળા અને ડરપોક પણ છો."

"ડરપોક તો સૌ હોય, ઓલી નેતરની સોટી મારા હાથમાં હોય તો તને કેવું થાય?"

"દમ હોય તો લઇ દેખાડો." કહેતા એણે બગાસું ખાવાને નામે એના તમામ દાંત મને દેખાડ્યા.

એટલે આપણે મોટા, કોણ લાંબી લપ કરે આવા ચાર પગા ને લાંબી જીભાળા હાર્યે.. એમ ધારી… વળી વાત બદલવા કોશિશ કરી, "તે ડાઘીયા, તું આવડી ફાંકા-ફોજદારી કરે છો તો તે તારા શ્વાન સમાજનું કલ્યાણ કરને, તમારામાં પણ કેટલા રપકાર છે, બુલડોગ, ને જર્મન શેફર્ડ, ને પુંછડબઠ્ઠું ડોબરમેન, ને વોડાફોન વાળું પગ ને રૂંછડીયાળુ પોમેરનીયન, ને પઠ્ઠા જેવું લેબ્રાડોર, દેશી માં હિમાલયન શિપડોગ, રામપુર ગ્રેહોઉન્ડ, બાખરવાલ.. ને એક આપણું દેશી કટ્ટા જેવું તું..!"

"તમે કબૂલ કરો, અમારી એકાદ પૂંછડિયાળી પ્રજાતિ પણ તમને વગર પૂંછડીએ ભગાડવા સમર્થ છે."

હશે હાલ, રેવા દે હું જ જાઉં હવે..! તારું કબુલાતનામું ખબર્ય નહિ કેદી પૂરું થાય..!! ને મોટા માંડ છટક્યો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)