"નાદાની"
મોટભાઈ, કાંઈ નહિ ને નાદાની..? નાદાની તો કોક જ કરતું હશે..! બાકી તો મોટેભાગે સૌ જાણીજોઈને જ કરતા હોય, 'ને ભૂલ કબૂલ ના કરવી હોય એટલે અથવા કોઈની ભૂલ છુપાવવી હોય ત્યારે નાદાની નામનું અસ્ત્ર કામ આવે..!
મોટા, મુદ્દો નાદાની છે, પણ આજ તો જાણીજોઈને અલગ દિશામાં ગાડી ફંટાવું છું. આમ તો મુદ્દો ખાસ નવીન નથી, કે આ વિષય અચર્ચિત પણ નથી..! પણ હમણાંથી ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. "બ્લેસ્ફેમી અથવા ઇશનિંદા"..! ઘણા દિ અગાઉ સુધાંશુ ત્રિવેદીનું લેક્ચર સાંભળતો હતો, એમાં એમણે એક વાક્ય કહ્યું હતું જે હૈયે બેસી ગયું'તું, "દુનિયામાં બે મોટા ધર્મો છે, જેમાં એકના ગ્રંથોમાં પૃથ્વી નારંગી આકાર નહિ પણ ચપટી કીધી છે, બીજાનામાં પૃથ્વીને સૌરમંડળનું કેન્દ્ર કહ્યું છે, અર્થાત કે પૃથ્વી સ્થિર છે સૂર્ય પૃથ્વી ફરતે ચક્કર મારે છે એમ." અને ખરેખર એવું માને પણ છે તેઓ. જ્યારે એક માત્ર આપણે ત્યાં જ નવગ્રહોની પૂજા પ્રાચીનકાળથી થતી આવી છે અર્થાત આપણાં પૂર્વજોને અવકાશી જ્ઞાન હતું. વળી ગેલેલીઓ ગેલેલીએ જ્યારે તેમના ધર્મથી વિરુદ્ધ જઈ ને સાબિત કર્યું કે પૃથ્વી સૂર્ય ફરતે ચક્કર લગાવે છે નહીં કે સૂર્ય પૃથ્વી ફરતે ત્યારે ચર્ચ દ્વારા તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી..! દરેક ધર્મોમાં ઇશનિંદા વર્જ્ય છે, ઇશનિંદા બદલ આકરામાં આકરી સજાઓ પણ નિર્ધારિત છે. ત્યારે કહી શકાય કે સનાતન હિન્દૂ ધર્મ જ એવો છે જ્યાં પુરાતન ગ્રંથો પર ટીકાઓ પણ લખાયેલી છે. ખરેખરી ટીકાઓ જ્યાં જરૂરિયાત મુજબના સુધારા-વધારા પણ સૂચવ્યા છે, સહિષ્ણુતા અસીમ છે. એટલે જ તો કોઈ પ્રોડક્ટ બનાવતી કંપની હિન્દૂ ધર્મના દેવોને ચપ્પલ માં પણ ચીતરી શકે છે, ગણપતિને લેમ્બ ખાતા દર્શાવી શકે છે, તાજેતરમાં જ મહાકાળીને સિગરેટ પીતા દર્શાવ્યા છે. કારણ ઇશનિંદા બદલ કોઈ સજાની જોગવાઈ જ નથી.
ના-પાકિસ્તાન જેવા કંગાળ દેશોમાં પણ ઇશનિંદા બદલ મૃત્યુદંડની જોગવાઈ છે. અરે ત્યાં માર્ચ 2022માં તેર વર્ષીય એક છોકરીએ સપનામાં ટીચરને ઇશનિંદા કરતા જોયા, આ બાબત તેણે તેની ફરિયાદ એક મહિલા શિક્ષકને કરી, ત્યાર બાદ 3 અન્ય મહિલા શિક્ષકે મળીને પોતાની સથી મહિલા ટીચરની હત્યા કરી નાખી હતી (દિવ્ય-ભાસ્કર માંથી). ઇસ્લામિક દેશોમાં છેલ્લા વિસ વર્ષમાં ઇશનિંદા ના મામલે ૧૨૦૦૦ થી વધુ લોકો ને મોતની સજા થઈ છે.
મહારાષ્ટ્રમાં ઉથલપાથલ થઈ એટલે યાદ આવ્યું બાલ ઠાકરે એવું કહેતા કે દરેક હિન્દુએ એક મિલીટેન્ટ બનવું જોઈએ, ત્યારે જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે.! ઇસ્લામિક ઇશનિંદા બદલ ગળે છુરા હુલાતા જોઈને બાલ ઠાકરેના શબ્દો સિદ્ધ કરવા જેવા લાગે તો છે જ. જો અન્યોની ઇશનિંદા હોય તો સનાતની હિન્દૂ સહિષ્ણુ શા માટે? તાજેતરમાં તમિલનાડુની કોઈ ફિલ્મેકર લીના મણીમેકલાઈએ પોતાની ડોક્યુમેન્ટરી 'કાળી'નું પોસ્ટર રિલીઝ કર્યું, જેમાં મહાકાળી સિગરેટ પીતા દર્શાવ્યા છે. શું આ હદે પણ અભિવ્યક્તિની આઝાદી યોગ્ય છે?