મર્યાદા
પરમસત્ય આ જ છે મોટા - મર્યાદા. મર્યાદા છે ત્યાં સુધી બધું જ સારું છે. અમર્યાદિત હાનિકારક કહી શકો. પૃથ્વી માં બધું જ મર્યાદાના માપદંડો માં છે, એવું શું છે જેને મર્યાદાનું બંધન નથી? અવકાશની મર્યાદા તો હશે જ.. જ્યાં આપણી મતિ નથી પહોંચતી ત્યાં આપણે અમર્યાદા કહીએ છીએ.
બાયુંના ઘૂમટાથી માંડીને ઉછળતા સમુદ્રને પણ મર્યાદા ના બંધનો છે. નદી, પર્વતો, કુદરત, પ્રાણી, મનુષ્યો સર્વે જીવો-નિર્જીવો, હર એકને પોતાની એક મર્યાદા છે. જ્યારે જ્યારે આ મર્યાદાનું બંધન ત્યજીને કોઈએ કાંઈ કર્યું છે ત્યારે ત્યારે મહાભારતો થયા છે.. જીભ થી માંડીને જમ સુધીને મર્યાદા છે..! અને જરૂરી પણ છે. ચાહે શક્તિ હો કે ભક્તિ એક મર્યાદા સુધી યોગ્ય છે. અમર્યાદિત શક્તિ પણ સારી નહિ ભક્તિ પણ નહીં.! હું હંમેશ કહું એમ પાચનશૈલી મજબૂત હોવી પડે.. અથવા બીજી રીતે કહું તો ગ્રહણશક્તિ. આમ તો બીજી શિક્ષાઓ જેવડી જ મર્યાદાની શિક્ષા જરૂરી છે. મર્યાદામાં છે ત્યાં સુધી તે નદી છે, અમર્યાદિત એટલે સર્વનાશ..!
જેની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, સત્તા છે, સર્વસ્વ છે તેને પણ મર્યાદા તો છે જ. શ્રી રામ ને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે, અમાપ શક્તિઓ હતી છતાં લક્ષ્મણ-મૂર્છા વખતે સાંસારિક મર્યાદાને અનુસર્યા હતા, સીતાની અગ્નિપરીક્ષા અને સીતા ત્યાગ પણ મર્યાદાને આધીન રહીને વર્ત્યા. સામાજિક મર્યાદાનું અનુસરણ ઈશ્વર હોવા છતાં જો એમને પણ કરવું પડતું હોય તો આપણે કોણ?
બુદ્ધિ બાબતે એમ કહી શકાય કે એ અમર્યાદિત છે. એનું કારણ જ્યાં સુધી તેનું ગમન થઈ શકે છે ત્યાં સુધી તે જાય છે. જ્યાં નથી જઈ શક્તિ ત્યાં આવડત નથી.. માર્ગ તો છે જ. મતલબ કે બુદ્ધિ અમર્યાદિત હોય શકે. પણ આપણે વાપરીએ ક્યાં છીએ? બંધનો લાદવામાં, સીમાઓનું સર્જન કરવામાં. સીમા સર્જનથી યાદ આવ્યું, અંગ્રેજોએ જ્યાં જ્યાં સીમારેખન કર્યું ત્યાં ત્યાં આજ સુધી સીમા બાબત નો વિવાદ જીવતો છે..! ભારત-પાકિસ્તાન હોય, ચાહે ઇજિપ્ત સુદાન હોય..! ભારત બાંગ્લાદેશની સીમા સુધારણા છેક ૨૦૧૫ માં થઈ, કુચબિહાર અને રંગપુરના રાજાઓએ ચેસ ની રમતમાં જમીનો દાવ પર લગાવી અને વિશ્વનો એકમાત્ર થર્ડ ઓર્ડર એનકલેવ ત્યાં સર્જાયો. એનકલેવ એટલે એક દેશમાં બીજા દેશની જમીન અથવા જગ્યા અથવા આખું ગામ પણ હોય શકે..! દહલા ખગરાબરી નામક ભારતનું સ્થાન ઉપનચોકી ભજની નામના બંગલાદેશી ગામમાં હતું, આ ઉપનચોકી ગામ પાછું બાલાપરા ખગરાબરી નામક ભારતીય જગ્યામાં હતું, અને આ બાલપરા ખગરાબરી ફરીથી થી બાંગ્લાદેશી દેબીગંજ ઉપોજીલ્લાથી ઘેરાયેલું હતું..! આ લોકોના સીમાંકન રૂપી મર્યાદા થોપવાને કારણે બિર તાવીલ નામક સ્થાન આજ પણ ઇજિપ્ત અને સુદાન વચ્ચે ત્રિશંકુની જેમ ઝૂલે છે..! જો કે તેનું અન્ય કારણ પણ છે. મર્યાદા માંથી સીમારેખનના વિષય ઉપર વળી ગયા..!
ભગવદ્ગોમંડલ પ્રમાણે મર્યાદા એટલે વિવેક; વિનય; અદબ; મોટપણ જોઈ માન રાખીને વર્તવાની રીત; સભ્યાચાર; શિષ્ટાચાર; યોગ્ય વર્તણૂક; સદાચાર. પવન, અગ્નિ, જળ, વીજળી, ગરમી વગેરે કોઈ પણ પ્રકૃતિનાં બળો મર્યાદા બહાર જાય, ત્યારે કોઈ રીતે લાભ કરતાં નથી, તેમ મર્યાદા બહારનું કોઈ પણ કામ સારાને બદલે માઠાં પરિણામો જ નિપજાવે છે. પરમેશ્વરે સમસ્ત જગતને મર્યાદાથી બાંધી લીધું છે. દિવસ, રાત, ઋતુ, સૂર્ય, ચંદ્ર વગેરે કુદરતના નિયમ પ્રમાણે જ ચાલે છે. નિયમ વગર કે કારણ વગર એક પાંદડું પણ હાલીચાલી શકતું નથી. નિયમન અને મર્યાદાના ઉલ્લંઘનથી જીવન ઘણી વાર મૃત્યુના મુખમાં જઈ પડે છે. યંત્રો પણ નિયમમાં રહીને જ કામ કરે છે. જીવનને જેટલું વધારે ઉચ્ચ કોટિનું બનાવવું હોય, તેટલું મર્યાદાનું અધિક પાલન જરૂરનું છે. ગીતા હૃદયમાં લખ્યું છે કે, તમારી જે નૈસર્ગિક ભૂખ તેને તદ્દન મારી નાખો એમ ધર્મનું કહેવું નથી, પરંતુ તેની મર્યાદા આંકો એમ ધર્મનું કહેવું છે. ભગવાન રામચંદ્રને મર્યાદાપુરુષોત્તમ કહે છે. જેને પુરુષોત્તમ બનવું હોય, નરના નારાયણ બનવું હોય, તેમણે મર્યાદા પાળવી જ જોઈએ.