ગજો : "પ્રેમ તો પૃથ્વી પરનો અતુલ્ય પદાર્થ છે, પ્રેમ વિના તો આ સૃષ્ટિ સરી પણ ન શકે."
મનમોજી એટલે કે અમો સ્વયં : "પ્રેમ-બેમ કાંઈ છે નહીં એલા જે છે ઇ આ દુનિયા માં આકર્ષણ છે, સ્વાર્થ છે, લોભ છે ને લાલચ છે..સાચો પ્રેમ તો કયુંનો સિધાવી ગયો.."
ગજો : "નહિ મનમોજી, પ્રેમ છે છે અને છે જ. પછીએ ભ્રાતાભાવમાં હોય, માતૃત્વમાં હોય, મૈત્રી સ્વરૂપે હોય, કે પ્રણય સ્વરૂપે, પણ છે જ."
અહં સ્વયં પોતે : "તો એલા ભાયે ભાગ પડે તયે એક ખીંટી હાટુ તલવાર્યું ખેંચાય જાય એમાં પ્રેમ છે?, અવારનવાર આ છાપાવાળાઓ છાપે છે, "ઘાતકી માતા એ પુત્રનો જીવ લીધો કે પુત્રએ માતાની હત્યા કરી" એમાં પ્રેમ છે?, ઘણા ઘનિષ્ટ મિત્રો દગો દયે તયે તારો આ પ્રેમ ક્યાં પહર ચારવા ગ્યો'તો?, ને પ્રણયની તો માંડજે જ નહીં હો, અટાણે તો હાલતા લેલાઓ મજનુંના પાકિટો મારે છે..!"
ગજો માથું ખંજવાળતા : "હેં ! મને કાંઈ કીધું?"
એટલા માં ક્યાંકથી મોટાભાઈ આવ્યા, ને બોલ્યા "પ્રેમ કરવો ગુનો નથી."
ગજો : "હા, સાચી વાત મોટાભાઈ, પ્રેમમાં પડાય, તરાય, ગોતા ખવાય, સ્વપ્નો માં સરાય.."
હુંય મનમોજી ઉવાચ : "ને પછી સલવાય જવાય.. કાં ગજા.. બલ્લોક."
ગજો : "ભારતીય ઘઉંનું અપમાન કરતા પંખીનામી દેશે કહ્યું કે ભારતીય ઘઉંમાં બીમારીઓ છે. એ જ ઘઉં એનો પાડોશી મમ્મીવાળો દેશ બમણાં જથ્થામાં ઉપાડવા તૈયાર થઈ ગયો.."
મનમોજી એટલે કે હું : "એલા, પ્રેમ માંથી પરદેશમાં ક્યાં ઠેકડો માર્યો તેં?"
ગજો : "હેં ! મને કીધું કાઈ?"
મનમોજી મતલબ અમો : "જો એલા, ઇ બધું દાઢીવાળા દાદા જોઈ લેહે, ધાનનું અપમાન કરે એને વેલીમોડી ધાન ની કિંમત હમજાશે."
ગજો : "પ્રેમમાં પડવાનો અનુભવ તમે શું જાણો મહાશય?"
મનમોજી ઉવાચ : "એલા ગજા, એક વાત ઉપર રે ને, ઘડીકમાં પ્રેમ, ઘડીકમાં વૈશ્વિક વાત્યું..ને પ્રેમ ઉપર રાતા રવિભાઈ @Red ની વ્યાખ્યા વાંચી આવ જા."
ગજો : "આપે સાંભળ્યું? જગતજમાદારે કહ્યું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમ માં છે. પ્રાચીન સ્મારકોને નામે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારો ગુજારવામાં આવે છે."
અહં મનમોજી ઉવાચ : "એલા પણ તારું ડા'પણ દોઢે ચડી ગયું લાગે હો.. ઘડીકમાં ટર્કી, ન્યાથી ઠેકીને ઇજિપ્ત, ન્યાથી હવે અમેરિકા પુગ્યો..? જો એલા, આપણા વિદેશ મંતરીએ એ લોકોને મોઢેમોઢ ચોપડાવી દીધું છે, તમારે ન્યા નિશાળ માં દોનાળિયું ફૂટે એનું પેલા કરો પછી બીજા કોક ને કાંક કેજો.."
ગજો : "પણ હું મોટભાઈ સાથે સહમત છું, પ્રેમ માં પડવું ગુનો તો નથી જ."
મેં ગજાને વાંહામાં ઢીકો મારી લીધો. "એલા તું આંય થી આંય ઠેકડા માર્યમાં કા પ્રેમ માં પડ્યો રે ને કા તો વૈશ્વિક લમણાઝીંકમાં."
ગજો : "પણ મોટાભાઈએ કીધું."
હું મનમોજી : "જો એલા, એ કેશે, ગમશે તો લાઈક, કોમેન્ટ કરશે, હાઇલાઇટ કરશે પણ એના હાટુ તારે સાડી ત્રણસો વાર પ્રેમમાં પડવું જરૂરી નથી.."
ગજો : "પણ મારે પ્રેમમાં પડવું જ છે. પૃષ્ઠે વાગતા સિતારોના સ્વરો સાંભળવા છે, સ્વપ્નસૃષ્ટિમાં ખોવાઈ જવું છે, જ્યાં અમે બેઉ જ હોય, ન કોઈ અન્યની અમોને જરૂર.. અમે અમારી અલગ દુનિયા વસાવીસુ, ત્યાં માત્ર પ્રેમ ને જ સ્થાન હશે, અન્ય કોઈ ભાવ ત્યાં પ્રતિબંધિત રહેશે, શ્વેત પડદાઓ સુગંધિત સમીરથી ઉડતા પ્રેમના સંદેશાઓ સુચવશે, અને અમે બેઉ મીઠા ગીતડાં ગાતા, પ્રેમમાં ખોવાશું, વળી એ સૃષ્ટિમાં સુરીલા સંગીતનું સ્થાન સર્વોપરી રહેશે, વાતાવરણમાં જ પ્રાણવાયુ(ઓક્સિજન) સાથે તે પણ વાયુ સ્વરૂપે પર્યાપ્ત માત્રામાં ભળશે. નીર પ્રવાહોને સ્થાને પ્રેમના મધુર જળપ્રપાતો પ્રવાહિત થશે, પ્રેમના મહાસાગરમાંથી જ ત્યાં બાષ્પીભૂત થઈને કાળા ને બદલે ગુલાબી રંગમાં વાદળો સર્જાશે અને વરસશે પણ મીઠા અમીબુંદો સમો પ્રેમ, વૃક્ષો-વેલ લતાઓ ના પર્ણ પર્ણ પર પ્રેમ અંકિત હશે, કળા કરતા કલાપીઓ પણ કંઠ કલકલાવીને પ્રેમોચ્ચારણ જ કરશે.."
અહં મનમોજી : "ગજા.. બલ્લોક.."
ને ગજો કાંક યાદ કરવા મથતો માથું ખંજવાળતો ચાલતો થયો..!