વળી એક દી મોટાભાઈ પ્રગટ થઈ ને કહે, "ખાંડની ચાસણી"
તો હાલો માંડીને કરીયે ચાસણી..
પ.પૂ.ભાઈ શ્રી મોટા, મને એક તો ઇ નથ હમજાતુ કે કાયમ ચાસણીની વાત આવે ને એટલે તરત તુલના ચાલુ થાય, પ્રેમ હાર્યે, મધ હાર્યે, મીઠાશ હાર્યે, ને અધૂરામાં પૂરું ચીકાશ હાર્યે પણ..!!
કોઈ કહેશે મીઠી ચાસણી જેવો પ્રેમ, વળી કોક કહેશે મીઠો મધ જેવો, કોઈ કૃત્રિમ કહેશે, કોઈ કુદરતી, કોઈ દેખાડો..
સાહેબે ખાંડની નિર્યાત પર પ્રતિબંધ મૂક્યો એમાં તમને ચાસણી નથી સાંભરીને મોટા? શેરડીમાંથી મિથેનોલ કાઢીને પેટ્રોલિયમમાં મિક્સઇંગ કરવાની છે સરકાર, શું થાય 'OPEC' ને ટાઢું પાડવું જોહે ને..! ખેડુ વાવે ને કુદરત ઉગાડે ઇ શેરડી નો સાંઠો - ખેડુ પાંહે થી એવરેજ ૩૦૦ રૂપિયા પ્રતિ કવીંટલ વેચાય. આમાંય ડખો છે હો મોટા, ભાવ ની ગણતરી જુઓ, પ્રતિ કવીંટલ છે, કિલો માં ગણીએ તો ખાલી રૂપિયા ૩ ની કિલો શેરડી થાય.
મોટા હું ખાંડ બને ને એવી ફેકટરી માં એક દી' ગયો'તો, પેલા તો એની ગંધ(સુગંધ પણ લાગે ને દુર્ગંધ પણ) ઘણે દૂર થી જ આવી જાય હો. સીધા ખેડુઓ પાસેથી લીધેલ શેરડીનો જથ્થો કાંટે ચડે (વજન થાય), પછી ઇ બધો માલ એક કન્વેયર માં પડે, ન્યાથી રોલ ફરતો હોય એના હાર્યે ક્રશર મા જાય, ન્યા શેરડી ના છોતરા નીકળી જાય હો.. જોઈ ને લાગે નહિ કે ઇ ભૂતપૂર્વ શેરડીનો સાંઠો હતો મોટા. ઝીણો બારીક પાવડર જેવું થઈ જાય, પણ હજી એમાંથી રસ કાઢ્યો નો હોય. ઇ ભૂકો રોલર વડે જ્યુસ એક્સ્ટ્રેક્ટ થવા જાય, ત્યાં દબાણ વડે રસ અને બાકીનો બચેલ નિઃરસ ભૂસા જેવો પદાર્થ અલગ થઈ જાય, આ જે રસ વિનાનો ખાલી ભુસો આવ્યો એ પણ નિરૂપયોગી નથી હો, એ બોઇલર માં જાય ત્યાં બળતણ તરીકે બળે, એમાંથી બાફ/સ્ટીમ નું સર્જન થાય, અને એજ સ્ટીમ વડે ફેકટરી ચાલે..!! શેરડીનો રસ વિવિધ કન્ટેનરોમાં સ્ટોર થાય, ૧૧૦ ડીગ્રી આસપાસ ગરમ થાય, ચાસણી થાય, ચળાય જાય, રસ બધો ઉપર રે, અને રસ કાઢતી વખતે અમુક ભૂકો અહીં સુધી આવી ગયો ઇ તળિયે પડ્યો'રે. ઇ રસ વાળો ભૂકો પાછો ખેડુના ખેતરમાં પણ જાય. ને છેલ્લે ઘાટો કાળાશ ને પીળાશ વાળો રગડો.. વળી એને રોટેટરી બોઇલરમાં લાવીને વળી પાંચેક વખત પ્રોસેસ થાય, તેમાં રોટેટર ફરતું હોય, અને એ રગડો સ્ફટિક જેવો અષ્ટકોણીય આકાર માં ફેરવાય, પછી મોટા મોટા મશીન વાળા ચારણા હોય એમાં એ ખાંડ આ કણો પોતાની સાઈઝ પ્રમાણે અલગ અલગ ડીવાઇડ થઈ જાય..!! વળી એ ફેકટરી વાળાઓ સીધે સીધી ખાંડ વેચી શકતા નથી, સરકારી પરમિશન બાદ અમુક જ જથ્થો વેચી શકે છે બાકીનો તેમને આવતા/બીજા વર્ષ સુધી સ્ટોર કરી રાખવો પડે છે.
પછી ઇ ખાંડ પેકિંગ થઈ ને સામાન્યતઃ રૂપિયા ૪૦ની કિલો થઈને બજાર માં આપણાં જેવા કન્ઝ્યુમરો ના ઘરમાં આવે, ને આપણે ખાવા હોય ગુલાબજામ્બુ એટલે વળી આપણે એ ખાંડને પાણીમાં ઓગાળીને ગરમ કરીને ચાસણી કરીયે..!!