પ્રથમ મિલનનું મૌન || જેને ઊંઘવું જ હોય એને ઓટલો શું ને ખાટલો શું? બરોબર ને?

0
વળી એક દિવસ મોટાભાઈ કહે : પ્રથમ મિલનનું મૌન..
મોટા, વિરામ બાદ આજ લખવાની શરૂઆત કરવી'તી ને તમે આવું લઇ આવ્યા.. ("ઇ દુઃખ ખતમ કાહે નહિ હોતા..")

વાંધો નહિ તો આપણે આમાંય ઝીંકાઝીંક કરવા સમર્થ છીએ મોટા..! જેને ઊંઘવું જ હોય એને ઓટલો શું ને ખાટલો શું? બરોબર ને?

હવે કિશોરાવસ્થામાંથી યૌવનાવસ્થામાં પ્રવેશ થાય એટલે શારીરિક માનસિક ફેરફારો થાય અને અમુક નવીન ભાવનાઓ ઉદભવે..! અથવા એક અલગ દ્રષ્ટિકોણની રચના થાય. આ કાળે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે અન્યથા સામાજિક પતન માટે આ પણ એક કારણ બને. તો હવે આ સમયગાળો એવો હોય એમાં આંખ્યું થી આંખ્યું મળે, આકર્ષણના ઉદગમબિંદુ પર ચોટ થાય અને હિમાલયના શીખરથી ગંગા દડતી આવે એમ આકર્ષણનો એક વિશાળ ધોધ પ્રવાહિત થાય. પછી એ ધોધ થકી ઊડતી જળ છાંટ વડે કોઈ એક પાત્રનું ચયન થાય. તેના પ્રત્યે સંવેદનાઓ જાગૃત થાય, આ બધી પ્રક્રિયાઓ ગુપ્તપણે ચાલતી હોય છે. એ ચયનીત પાત્ર વિશે એકતરફી વિચારોનો ખંડ ખડકાઈ જાય, મગનું નામ મરી કરીને પણ આ ચયનીત પાત્ર સાથે આખી જીવનયાત્રા સર કરવા સુધીના વિચારોનો વર્ગ હકડેઠઠ ભરાય ને છતાંય છલકે નહિ. બસ આવી આવી લપ હાર્યે બિલકુલ પહેલી જ વાર ઘુઘોને ઘુઘી ધોળાં દી એ દોરે વીંટળાયેલા પીપળા હેઠે બેઠા હતા, બંનેની નજર જમીન ખોતરતી હતી, શું બોલવું, શું કહેવું, શું કરવું ની જાણે સમજ ન પડતી હોય છતાં જીહવા પર જોર કરીને ઝીણા સાદે લહેકા સાથે ઘુઘી બોલી, "બસ આમ મૂંગા જ રહેવાનું છે?"

ને ઘુઘા એ બીજી દિશામાં મોઢેથી રાતીચોળ પિચકારી મારીને કહ્યું, "વીસ વાળો ઇસપેશિયલ માવો ખાધો હતો, નકામો થોડો જાવા દેવાય.."

"તમારે મન મારા કરતા માવો મોટો એમ.?"

"અરે હોય ગાંડી, પેલી મુલાકાતમાં ઢીકે પાટે બાધતા હારા નહિ લાગવી, એના કરતાં મોટા એ કીધું એમ મૌન જાળવીએ..!" ને પહેલા મિલનનું મૌન અખંડ રહ્યું.

***

આ તરફ ગજો ને ગજી હરિદ્વારથી આવ્યા પછી રાજીખુશી હતા..! ગજો નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.

ઇન્ટરવ્યુર : કેટલું ભણ્યા છો?
ગજો મૌન

ઇન્ટરવ્યુર : તમને પૂછું છું એ મિસ્ટર, ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો ને?
ગજો મૌન 

ઇન્ટરવ્યુર : ફાઇલ ઠીક છે પણ આવડત છે કાઈ?
ગજો મૌન

ઇન્ટરવ્યુર : બોલી શકતા નથી તમે? કે કોઈ વ્રત વગેરે છે મૌનનું.?
ગજો મૌન 

ઇન્ટરવ્યુર : તમે જઇ શકો છો.
ગજો : તો નોકરી પાકી? 

આ ફેરે ઇન્ટરવ્યુર મૌન.

બધી વાત મને ગજા એ માંડીને કરી, ને વાંહામાં ઇન્ટરવ્યુરના સિક્યુરિટી ગાર્ડ કરી આપેલ સાઈન સ્ટેમ્પ પણ જોયા. એટલે આપણે ભાઈ સહજ પૂછ્યું, તું કાંઈ બોલ્યો કેમ નહોતો? 
ગજો : કેમ બોલવું, મોટભાઈ એ કહ્યું, પ્રથમ મિલનનું મૌન..

***

વળી આવી બધી પીડાઓથી માંડ છૂટ્યો, ને બીજી પીડા ઉભી, ચા ને ગલ્લે બેઠો હતો, એક ગાડી આવી, આગળ-પાછળ નંબર પ્લેટ નહિ, બધા કાચ પર બ્લેક ફિલ્મ ચડેલી એકદમ કાળા કાચ..! કાર માંથી બે જણા ઉતર્યા, પોતાની ઓળખ આપી ફલાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે પણ કોઈ આઈડી વગેરે દેખાડ્યા નહિ, મારી બાજુમાં બે બિહારી બેઠા હતા, તેમની પૂછ-પરછ કરી, ને પોલીસ સ્ટેશન જવા કહ્યું, પેલા બંને બિચારા સીધા સાદા મજૂર હતા, એટલે પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યાં તો પોલીસે તેમના આધાર કાર્ડ લઈ તેમના નામે એફ.આઈ.આર. નોંધી જેલમાં નાખી દીધા, ગુનો નોંધ્યો ડી.એમ. ના આદેશ ભંગ બાબત. ડી.એમ. નો આદેશ હતો કે બીજા રાજ્યો થી આવેલ લોકો એ પોલીસ સ્ટેશનમાં પોતાની જાણ કરીને વેરિફિકેશન અને રજિસ્ટ્રેશન કરાવવું. મજૂરોને આ બાબત જાણ જ નથી. રહીશો એ પોતાના મકાનમાં રહેતા ભાડુઆતોનું પણ નજીકના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન કરવું જરૂરી છે. આવી બાબતો કોઈને ખ્યાલ હોતી નથી, પછી સાહેબો ઉપર કહી એવી કાળા કાચ વાળી ગાડીઓમાં આવે, ધાક-ધમકી સાથે વાત કરે. અને કેસ નોંધીને જેલ ભેગા કરી દે. ઓલ્યા ત્રણ બિહારીઓના સમાચાર તેમના બીજા ઓળખીતાઓ મળ્યા, ધીમે ધીમે આખા શહેરના મજૂરોને જાણ થઈ, છકડા-રિક્ષાઓ ભરાયા.. ને પોલીસ સ્ટેશનમાં ઠલવાવા લાગ્યા.. મજૂરો છકડા માંથી ઉતરે, સ્ટેશનમાં દાખલ થાય, એક જ વાત કરે, અમારું વેરિફિકેશન કરી દ્યો, પોલીસ વાળા ફોર્મ આપે, એટલે મજૂરો દાંત કાઢતા કહે, લખતા આવડતું હોત તો ઠેઠ આંય મજૂરી હાટુ થોડા આયવા હોય ..ને આડત્રીસ છકડામાં ત્રણસો જણ મેં ગણ્યા પછી.. બાકી પોલીસ વાળાઓ પ્રથમ મિલનમાં હવે મૌન દાખવી રહ્યા છે..!!

હાલો લ્યો આજ આટલું ઘણું, મૌન મારે પણ રાખવું છે..!

Post a Comment

0Comments
Post a Comment (0)