પ્રતિબિંબ
એ રામ રામ મોટા, આ શું છાંયો લેતા આવ્યા આજ?
હમણાં ઘણા દિ રજા પાડી, મેં એકલે નહિ હો, લગભગ હંધાએ..! અમુક સાતમ આઠમ ગયા હશે, અમુક ભોળો ભજવાને, અમુક વાયરલ ફિવરના ખાટલે હશે, અમુક રાંધણ છઠની પુરીયુને પાટલે..! હવે તળેલું આરોગીને ગળું પાકયું હોય તોય ઘોઘરા અવાજે ઘુઘો એકાદ ઘૂઘરો ખાવા ઘુધીને ઘઘલાવતો હોય તોય આપણે શું મોટા, આપણે એવી પંચાતયું જાજી કરવી નહીં..!
આ શ્રાવણ જાવું જાવું કરે ન્યા હમણાં દુંદાળાની ચોથ આવીને ઉભી રેશયે, એમાં વળી આજકાલ આ પામોલિનના તેલમાં તળેલી બુંદીયુને બાંધીને રાતો રંગ ઉમેરીને બનાવેલ મોતીચુરનો લાડવો ગણપતિના ઓટલે અડાડીને ઉભે ગળે આરોગતી પ્રજાનું પાછું ગળું પકડાય તોય સમજે ઇ બીજા હો..!!
ગામડામાં તો હજીએ એય ને દુંદાળાની ચોથ આવે એટલે બાયું પ્રભાતના પોરમાં ઘઉંનો જાડો-કરકરો દળેલો લોટને બાંધીને શેકે, પછી ખાંડે ને પછી ઘી ને ખાંડ કે ગોળ ઉમેરીને ચૂરમું બનાવે ને, દીકરાને ગણેશના થાનકે મોકલે, ન્યા ધૂપ દીવો કરીને ચૂરમાં ના લાડવામાંથી પાંચ કોળિયા કરીને દેવના ઉંબરે ચડાવે, એકાદ શ્રીફળ વધેરે કા તો આખું ચડાવે, ને શેષના જીણકા ટુકડા કરીને ચૂરમાં ના કોળિયા હાર્યે નાના ભૂલકાવમાં પ્રસાદી બાંટી દેતા.. આ હવે જવલ્લે જોવા મળે છે મોટા..!
પ્રતિબિંબ અદલ હોવું જોઈએ, પણ અટાણે ધૂંધળું થાતું જાય છે. એલા મોટા! હમણાં હમણાં માં આ બૉલીવુડ વાળાવનુંય પ્રતિબિંબ બગડ્યું એવું સાંભળ્યું..! આમિરના કાન પાછા ખડા થઈ ગયા તે બેઠા જ નહીં, ને ઓલી દખણાદીની ઢીંગલી પાપસી પન્નુ ની મનોકામના સૌએ પુરી કરી..! મોટા, લાગે છે હરકોઈ એ જેવા સાથે તેવા નો સિદ્ધાંત રગેરગમાં ઉતાર્યો છે..! જનસંખ્યા/પ્રજા ધારે તે કરી શકે એ હમણાં જોયું..!
મોટા, પાંચેક મહિના પહેલા ભૂલથી આપણે ત્યાંથી એક બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાનમાં પુગી ગઈ'તી, તે એમાં સેના ના ત્રણ ઓફિસરોને રજા આપી દીધી.. પણ એ ત્રણે ઓફિસરો આમ તો ધન્યવાદના હકદાર કેવાય હો, જે ભારત આર્મ્સ(હથિયારો)નો આયાત કરનાર દેશ હતો એ હવે બ્રહ્મોસની નિર્યાત કરનાર બની જવાનો..! જો કે આ બ્રહ્મોસ અકસ્માત પહેલા જ તેની નિર્યાત નો સોદો થયો હતો, પણ આ અકસ્માત બાદ સાઉથ-ઇસ્ટ અને સાઉથ અમેરિકા તથા આફ્રિકાના દેશો પણ રસ દાખવતા થઈ ગયા..!
મોટા, એક તો ઘણા દિ એ લખવા બેઠો એમાંય નાના-મોટા કામ આવી આવીને કનડે છે તે આય રામ રામ કરી લેવી મોટા..! તયે હાલો સૌને જાજેરા જય માતાજી..! ને જેવા શીતળામાં નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો..!