કૃષ્ણનું સરનામું || કૃષ્ણ કહે એમ કરાય, કરે એમ તો થાય નહિ..

0
કૃષ્ણનું સરનામું..!!
મોટા, કૃષ્ણના સરનામાની વાત આવશે એટલે મોટાભાગે આવા જવાબો આવશે.. કણ કણમાં, રાધાના હૃદયમાં, દ્વારકામાં, મથુરામાં, ગોકુળમાં, પુરીમાં, વૃંદાવનમાં, દ્રૌપદીની સહાયમાં, અર્જુન અને સુદામાની મૈત્રીમાં, મીરાના સદેહે ગમનમાં, નર્સદિનહની હુંડીમાં, ગાયુમાં, નંદના ઘેરમાં, યશોદાના પારણામાં.. ને આવું આવું હજુ ઘણુંખરું મળતું જ હશે..! સૌના જવાબ સાચા પણ છે..! કૃષ્ણ ક્યાં નથી? બધે જ છે. વૃક્ષોથી માંડીને જઠરાગ્નિ સુધીમાં સર્વે શ્રી કૃષ્ણ છે જ..!

“માધવ ક્યાંય નથી મધુવનમાં !
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વહે ગુંજનમાં….. માધવ ક્યાંય નથી.” - હરીન્દ્ર દવે
કૃષ્ણના વૈકુંઠગમન સમયે નારદે કૃષ્ણ મુલાકાત માટે ઘણા ધમપછાડાઓ કર્યા, મથુરાના કારાવાસથી માંડીને સમુદ્રમાં પોઢેલી દ્વારિકા સુધી.. સ્વર્ગથી માંડી સ્મશાન સુધી.. છેલ્લે ઉદ્ધવ અને દારૂક મળે છે, પૂછપરછમાં ઉદ્ધવ નારદને કૃષ્ણ સુધી લઈ જાય છે, અને પીપળા થડ ને અઢેલીને આંખો મીંચેલા કૃષ્ણ પાસે પહોંચતા પગના અંગૂઠામાંથી વહેતા રુધિરની રેખ ભાળતા જ નારદને અત્યંત પીડા થાય છે અને ઉદ્ધવ તેમને સમજાવે છે કે નારદના સર્વના પરિભ્રમનણો માં કૃષ્ણ છે, યુગો પશ્ચાન્ત ભક્તો અને કવિઓ દ્વારા કૃષ્ણ અને રાધા ના વિરહમાં, યશોદાને સ્નેહ અને દેવકીના વાત્સલ્યમાં કૃષ્ણની શોધ થશે, અને નાર્દની હ્રદયવીણાના પ્રત્યેક સ્પંદનોમાં પણ કૃષ્ણનો વાસ હોવાનું વર્ણવે છે અને અંતે નારદને પરમ શાંતિ થાય છે અને કૃષ્ણ વિરહથી વ્યાકુળ ચિત્તને શાંતિ મળે છે..! મોટા આ થઈ સહજ અને ભક્તિની વાત..

હવે મારી સાંભળો, સરનામું એનું હોય જે સ્થાયી હોય.. કૃષ્ણ સ્થાયી છે? મથુરામાં કેદખાને જન્મ્યા, જન્મતાવેંત એમના પિતા ગોકુળમાં મૂકી ગયા, ગોકુળથી વળી વૃંદાવન અને ગોવર્ધન ને એ બધા ખેલ કાંઈ કેવાની જરૂર છે? વળી ગોકુળ થી મથુરા ગયા, ન્યાથી દ્વારકા, ને હસ્તિનાપુર, ને ઇન્દ્રપ્રસ્થ ને કુરુક્ષેત્ર, ને સોમનાથ, ને ભાલકા.. સારૂ છે ત્યારે આધારકાર્ડ નહોતા.. નહિતર દાદાને કેટલા સરનામાં અપડેટ કરાવવા પડેત? (મજાક મજાક હો..કૃષ્ણ સર્વેની આસ્થામાં છે.)

કૃષ્ણ કહે એમ કરાય, કરે એમ તો થાય નહિ.. મહાદેવના ભગત હર હર ભોલે કહીને ગાંજાની ચલમુના લાંબા લાંબા કશ ખેંચીને પોતાની ભક્તિનો પરચો પુરે છે.. આપણે પુછીયે તો કહે ભોળા ફૂંકે તે આપણેય ફૂંકીયે, ભોળો તો ઝેરનો કટોરોય ઝીંકી ગયા'તા, આ લોકો કોક દી ઉન્દેડા વાળીય ટ્રાય કરી જોવે જોઈ.. એવી રીતે ગાયને સુંડલો એક ચારો નો નાખનારાંય કૃષ્ણની આઠમને નામે જુગાર રમનારાને પુછીયે, તો કહે, કૃષ્ણ રમતા'તા,(આપણે તો કૃષ્ણ ક્યાંય જુગાર રમતા સાંભળ્યા નથી, હા! નરસિંહ મહેતાની "મથુરા નગરીમાં જુગઠું રમતા, નાગનું શીશ હું હારીયો" આ પંક્તિ સિવાય.) એમ તો કૃષ્ણે એક મુઠી ચોખા સામે સુદામા ને અખૂટ ધન ભંડારો કરી દીધા'તા. એવું આને નો આવડે પાછું..!! 

એટલે મોટા, જાજુ સરનામાંની લપમાં નો પડાય, ગામમાં ઠાકરમંદિર હોય ન્યા ઝાલરટાણે જવાય, ધુપદીવા કરીને, બે હાથ જોડીને જે અંતરના ઉમળકા હોય ઇ એની મૂર્તિ આગળ ઠાલવી દેવાય.. ને મોટા નિષ્પાપ મન હોય તો ખાટલે પડ્યા પડ્યા ય પોકારો તો દેવ દોડતો આવે જ છે..!

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

Post a Comment

0Comments
Post a Comment (0)