વિચારોને કેળવો..
વાહ ભાઈ મોટા, આજ વળી ગંભીર મુદ્દો કા લઇ આવ્યા..? વિચાર એવી વસ્તુ છે, ઇ ક્યાંથી આવે ને કેનીપા ઇ જાય કોઈને ખબર નો પડે..! નથી એનો સ્પર્શ, નથી એની ગંધ, નથી એનું રૂપ.. તોય ગોફણથી ગડગડીયો છૂટે એમ વિચારની ધડબડાટી બોલ્યા કરતી હોય.. વિચારો ઉપર અંકુશ લગાવવો આકરું કામ છે એલા..!
વિચારોનું કાંઈ નક્કી નહિ, સારા થી માંડીને સાંસતા - ગુજરીમાં ગાભા ગોથા ખાતા હોય એમ - મગજમાં ગંજ ખડકાયા કરે..! ક્યારેક પીડા આપે, ક્યારેક શાંતિ, કયારેક સ્તબ્ધતા અને ક્યારેક નિરસતા પણ..!
વિચારોને કેળવવા કરવું શું? ધ્યાન-યોગ-પ્રાણાયામ? કે મનના બધાય બારણે ખંભાતી તાળા દેવા, કે પછી ન્યા ગરણી મુકવી કે ચારણો.. કે પછી વિચારોની બેરોકટોક અવરજવર થવા દેવી..! કદાચ મનને બીજી દિશા દઈને વાળીયે, મનપસંદ પ્રવૃતિઓમાં રત રહીએ, તો પણ જે વેળા એ મન વિચારવિહીન થયું, એની બીજી જ ક્ષણે પુરપાટ વિચારોનો પ્રવાહ આવે અને મનને ઢસડી જાય..! યોગની ધ્યાન વગેરે ક્રિયાઓ દ્વારા આમ તો મનને નાથવાના માર્ગો છે, મન પર અંકુશ આવ્યો એટલે વિચારો પર પણ આવશે.. વિચારોમાં વજન પણ હોય છે, અને તેનો ભાર અનુભવી પણ શકાય છે..
ક્યારેક બિલકુલ શાંત મુદ્રા, શિથિલ શરીર કરીને બેઠા હોય, અને ક્યારેક વ્યગ્ર મુદ્રા અને અક્કડ વાળું શરીર કરીને બેઠા હોય, એ બંને વચ્ચે જેટલો તફાવત છે એટલું મૂલ્ય વિચારોના ભારનું છે..! આમ તો જે પ્રત્યક્ષ છે તેનું શિક્ષણ હોય, પણ વિચારોતો પ્રત્યક્ષ નથી.. અગાઉ કહ્યું એમ દેખાતા નથી, તેનું કાઈ નક્કી નથી તો એનું શિક્ષણ થઈ શકે? કેળવણી? કાંક તો થતું હશે..! વિચારોમાં શુભ અશુભ, સારા નરસા, લાભ હાનિ, તમામ શક્યતાઓ વસેલી છે.. આપણે આપણા ઉપયોગ પ્રમાણે તેમાંથી આપણી ઇચ્છાનુસાર વિચારને વર્તનમાં લાવીએ છીએ, અને પછી તેના પરિણામો પણ ભોગવતા હોઈએ છીએ.
અમુક વખત તમે કોઈ વિચારથી કેટલા પણ વેગડા જાઓ, એ વિચાર પીછો છોડશે જ નહીં, એનું કારણ શું? મક્કમતાની કમી? કે અનિચ્છા? મનના કોઈ ખૂણે પણ એ વિચાર પ્રત્યે સંવેદના રહી જતી હોય છે. મન પર મક્કમતા અને સંકલ્પસિદ્ધિ હોય તો વિચારોનું પણ યોગ્ય રીતે દોહન અને વહન થઈ શકશે.