પ્રેમની પ્રભાત || પ્રેમ નામ છે મારું, પ્રેમ ચોપડા.

0
વળી એક દિવસ મોટભાઈ કહે.. "પ્રેમની પ્રભાત.."
#વાતનું_વતેસર
મોટા, આપણે સવારના બીજી કોરી આંટા દેતા'તા તે પ્રેમની પ્રભાત કરવાની રહી ગઈ, તો હવે પ્રેમની સાંજ હાલશે? 

આમ તો હાલે કે નો હાલે, પણ સાંજ થઈ જ ગઈ છે એલા..! તે મોટા, આથમણી સાંજના પ્રેમ તળાવની પાળે પીપળા હેઠે બેઠો તો, દી આખો નોકરીની દોડાદોડીથી કંટાળીને છેવટે શાંતિથી તળાવમાં પવન હાર્યે ઉછળતા-હિલોળા લેતા પાણીના પ્રવાહને એકધારો જોઈ રહ્યો હતો..! સૂર્યના કિરણો એ પાણીમાં પરાવર્તન પામી રહ્યા હતા અને પ્રકાશનો એક અનુપમ પુંજ તળાવમાં ખીલી રહ્યો હતો. પીપળા ઉપર એક માળામાં હોલોને હોલી બેઠા બેઠા પ્રેમને તાકી રહ્યા હતા, હોલીએ હોલા ને કહ્યું,

     "પ્રાણનાથ, આ વ્યક્તિ અહીં ક્યારનો બેઠો છે, એકધારો પાણીમાં નજર સ્થિર કરીને બેઠો છે, કોઈ દુઃખી લાગે છે."

      હોલો : "તારે શું પંચાત, આપણે પાંખાળા જીવ, ચણીને સુઈ જવાય છાનુમાનું..!"

     હોલી : "અરે તમે તો પણ વતાવ્યા જેવા નથી, સીધા બટકા જ ભરો છો પ્રાણનાથ, મેં તો એમ જ કીધું હતું, કોઈ દુઃખી જીવ હોય તો એનું ભલું થઈ જાય એવો ઈલાજ આ પીપળે સંઘર્યો છે."

     હોલો : "તનેય ભારી હરખ તે, આ દુખીયો હોત તો આંસુડાં નો પાડતો હોત?"

એટલા માં તો પ્રેમની આંખ્યુંમાંથી ગંગા-જમના જાણે હાલતી થઈ..!

     હોલી : "જોવો, જોયુને પ્રાણનાથ, આપણે કે'વી એમાં ખોટું હોય જ નહીં, દુખીયો જ છે.. જોજો હમણાં શાયરીયું ઝીંકશે.."

ત્યાંતો પ્રેમ બબડયો.. 
        "શોધવા રખડયો હરેકે શેરીઓ આ શહેરની,
         ને તમે મળશો મને ક્યાં ખબર પડતી કહેરની,
         ત્રાટક્યા ભૂખડી બની બારશ હજુએ લારીયે,
         હોટલ તણું એ બીલ કરતું કિલ દિલ અટારીએ,"

     હોલો : "લે આને તો કોક ફેરો કરી ગઈ છે.."

     હોલી : "પ્રાણનાથ, કોક દિ તો સરખું બોલો, કાયમ અવળું જ કા વદો? એનું દિલ અને દિલ પાસેનું ખિસ્સું બન્ને ખોતરાયું છે, બિચારો ઘાયલ છે. દિલની તો ખબર નહિ, પણ ખિસ્સું ભરાય એવો ઈલાજ આ પીપળા ના મૂળમાં ડાટયો છે, એક રાણીસિક્કા ભરેલી સુઇટકેસ આ પીપળા ના મૂળમાં દટાયેલી છે જો તે તેને કાઢી શકે તો એનું જીવતર સુધરી જાય.. પણ અફસોસ પક્ષીભાષા મનુષ્યો ક્યાં સમજી શકે છે."

પણ એટલામાં તો પ્રેમ ઉભો થયો, પીપળાનું મૂળ ખોદીને સુઇટકેસ કાઢીને હોલી નો આભાર માનતો હાલતો થયો.. ને હોલો ને હોળી એકબીજાની ખુલી અવાચક ચાંચ્યું જોઈ રહ્યા. 

***

     આ વાત ને પચીસેક વર્ષ વીતી ગયા. શાળાની બસ ચલાવી ગુજરાન કરતો વિસ વર્ષનો પ્રીતમ એક આલીશાન બંગલાના પગથિયાં ચડી રહ્યો હતો.. પોતાની પ્રેયસી ચંદ્રપ્રિયાના પિતા સાથે લગ્નની વાત કરવા. બંગલામાં દાખલ થતા જ એક પડછંદ પુરુષની પીઠ દેખાતી હતી.. પ્રીતમે ઓળખાણ આપતા કહ્યું, "હું પ્રીતમ, ચંદ્રપ્રિયાને ચાહું છું." પણ ત્યાં તો આગંતુકને જોતા જ એ વ્યક્તિ પાછળ ફરીને બોલી, "પ્રેમ નામ છે મારું, પ્રેમ ચોપડા. યે પાંચ લાખ પૈસેકી ભરી સુઇટકેસ લેકે ચંદ્રપ્રિયાકો ભૂલ જા, યા ફિર યે ખાલી સુઇટકેસમે છ મહિને મેં પાંચ લાખ ભર દે..!

***

ને હવે ઇ જ તળાવની પાળે, ઇ જ પીપળા હેઠે ખાલી સુઇટકેસ લઈને પ્રીતમ તળાવના પાણીમાં નજર ઠેરવીને બેઠો છે.

Post a Comment

0Comments
Post a Comment (0)