ગોવર્ધન પર્વત - સતાપર || પ્રવાસ વર્ણન ||

1
એલા આ ઋતુ વિચિત્ર છે હો અત્યારે.. તડકો ગરમી વાળો પડે છે અને પવન ઠંડો ફૂંકાય છે.. ઠંડી ઔર ગરમી કા એકહાર્યે એહસાસ આવતા હૈ..!
હવે આજ બપોરે ટેમ જાતો નહોતો, કચ્છમાં ગાંધીધામ અને ભચાઉની વચ્ચે નેશનલ હાઇવેને ટચોટચ મીઠી રોહર નામનું ગામડું છે. હાઇવે ની બીજી તરફ ઇન્સ્ટ્રીયલ એરિયો છે. કાંક કામથી બપોરે ત્યાં હતો, કામ પતાવ્યા બાદ અચાનક જ બિલકુલ નવરા હોવાનો આભાસ થયો.. હવે કરવું શું? કામ તો પતી ગયું, બેઠા બેઠા કંટાળો ચડે.. તે વળી એ ઇન્ડસ્ટ્રી વાળાનું મોટરસાઇકલ ઉપાડ્યું, ને રખડપટ્ટી આદરવાની શરૂઆત કરી. આમતો એ ઇન્ડસ્ટ્રીની સારી એવી ઓળખાણ એટલે મોટરસાઇકલ માટે મારેય ખચવાટ નહિ ને એમનેય નહિ..! હાઇવે પર પેટ્રોલ-પંપે જઈને મોટરસાઈકલની પર્યાપ્ત માત્રામાં તરસ છીપાવી ને પછી મારી મૂક્યું..

મીઠીરોહરથી ઓતરાદી કોર્ય હાલો એટલે મોડવદર ગામ આવે.. આમતો 2 લેન રસ્તો છે પણ વચ્ચે ડિવાઈડર નથી, એટલે સામેથી પુરપાટ આવતા ટ્રકોથી થોડુંક સાવચેત રહેવું પડે.. વચ્ચે એક રેલવે ફાટક પણ છે અને જો કદાચ ટ્રેન આવવાની હોય અને ફાટક બંધ થયો તો લગભગ 40-50 ટ્રકોની કતાર તો ત્યાં ઘડીકમાં થઈ જાય..! મોડવદરના પાટિયાથી બે-ત્રણ કિલોમીટર પહેલા ચોખાના મોટા જબરા ગોડાઉન્સ છે, તેમાં સારી ક્વોલિટી અલગ કરીને એક્સપોર્ટ થાય છે. મોડવદર ગામની સામો-સામ એક વોંકળો વહે છે, ખ્યાલ નથી, એ કોઈ નદી છે કે તળાવનું પાણી ભળે છે પણ એ જળાશયમાં યાયાવર પક્ષીઓ બેઠા હોય છે. બગલાઓ, બતકો, સુરખાબ (ઋતુ આવ્યે દેખાય છે), ને અમુક પ્રવાસી પક્ષીઓ પણ.. આપણે હજુ આગળ જવાનું હતું એટલે મોટરસાઈકલનું એક્સલેરેટર મરડતાં જ સ્પીડ પકડી. 

મોડવદર થી અજાપર.. અજાપર પહેલા ચોકડી આવે, એક રસ્તો મોડવદર-અજાપર, અને બીજો અંજાર-ભચાઉનો નેશનલ હાઇવે. અજાપર ગામ સારું છે, રસ્તાની બંને બાજુ પેવરબ્લોક વડે ઊંચા ફૂટપાથ જેવું કર્યું છે વળી સ્વચ્છતા પણ સારી હતી. અજાપર થી એ ઘા એ ઘા જાવા દીધી, નર્મદાની કેનાલ ટપતા જ ગામ આવ્યું ખારા પસવારીયા.. એ પણ પાર કર્યું ત્યાં આવ્યું મીઠા પસવારીયા.. (હા, કચ્છમાં ખારા પસવારીયા, મીઠા પસવારીયા નામે ગામો છે, વળી ખારી રોહર અને મીઠી રોહર પણ ગામ છે.. બીજાય ખારા-મીઠા હશે, ખ્યાલ નથી પણ હશે જરૂર.) ખારાની ખારાશ કે મીઠાની મીઠાશ ચાખવા આપણે ઉભા રહ્યા જ નથી એટલે વિશેષ ખ્યાલ નથી.. 

હવે મીઠા પસવારીયાથી નીકળ્યા બાદ સતાપર અંજાર રોડ આવી જાય.. સતાપર પાસે ગોવર્ધન પર્વતનું નામ સાંભળ્યું હતું, અને ગૂગલમાં ફોટો વગેરે જોયા હતા, કાંક નવીન લાગ્યું એટલે મીઠી રોહરથી પચીસ-ત્રીસ કી.મી ના જ અંતરે હોવાથી લાગોલાગ લ્હાવો લઈ જ લીધો..! જગ્યા સારી છે. વળી શ્રી રાધાને સમર્પિત છે, બરસાના, અને યમુનાજી ને સમાવિષ્ટ કર્યા છે. નાની એવી ટેકરી છે, (ટેકરીની ઊંચાઈ કદાચ બે માળ ના મકાન જેવડી હશે. એ જ ગોવર્ધન પર્વત.) વળી અદ્યતન લિફ્ટની સુવિધા પણ છે. પગથિયાં તો ગણીને સો જેટલા પણ નહીં હોય.. પણ પગથીયાની ઊંચાઈ સામાન્યથી વધુ છે એટલે કદાચ મારા જેવા બેઠાડુ જીવોને ચડવામાં પગ ઝલાવા કે હાંફ ચડવાની સમસ્યાઓ થઈ શકે છે. ઉપર શ્રી રાધા કૃષ્ણનું ખૂબ સુંદર અને રળિયામણું મંદિર છે. વળી મૂર્તિ ની સન્મુખ ઉભા રહી ને દર્શન કર્યા બાદ ઉપર છત તરફ નજર કરતા રાધા અને ગોપીઓનું રાસ લીલાના સુંદર રંગમિશ્રિત ચિત્રો દોર્યા છે. કાળીયા ઠાકરની પ્રદક્ષિણા કરીને એ ગોવર્ધનથી નીચે ઉતર્યો. ત્યાં જાણવા મળ્યું એ ટેકરીની પણ પ્રદક્ષિણા થાય છે.. 

હવે ઓલ્યા વૃંદાવનની પ્રદક્ષિણા તો થાય કે નહીં આની તો કરી જ લેવી એમ ધારી ને જય ઠાકર કહેતા પ્રદક્ષિણા શરૂ કરી, ત્યાં જ નજર પડી ત્યાં નાનું એવું પ્રાણી સંગ્રહાલય પણ છે. ત્રણ મોટા પાંજરાઓ માં પક્ષીઓ છે, લીલા-પીળા પોપટ, ને ચકલા, એનાથી આગળ એક પાંજરામાં ત્રણ હરણ હતા.. એનથી આગળ પાંજરામાં ૯-૧૦ બતક હતા, અને છેલ્લા પાંજરામાં બે ઇમુ (શાહમૃગ જેવા પક્ષી). રાધે કૃષ્ણ કરતા કરતા હાલ્યા એટલા માં તો પ્રદક્ષિણા પુરી પણ થઈ ગઈ.  એ પ્રતિકૃતિનો ઘેરાવો ઘણો વિશાળ નથી..  આગળ રમણ રેતી કહેવાતું સ્થાન છે, એનાથી આગળ એક પાણીનો વિશાળ કુંડ છે, જેને યમુનાજીની પ્રતિકૃતિ મનાય છે, અને તેમાં નાના દેરા વડે વિવિધ ઘાટ ના નામો પણ અપાયા છે. આ સ્થાન માં સૌથી સરસ મને જો લાગ્યું હોય તો તેમને ધાર્મિક સ્થાન ને નામે જુનવાણી જીવન-રીતિઓ જીવંત કરી છે. જુનવાણી ગાડાઓ, વલોણાં, કૂવે પાણી ભરતી સ્ત્રીઓની પ્રતિકૃતિ, અને શણગારેલું ગામડાનું ઘર તથા જુનવાણી વાસણો પણ સંગ્રહિત કરાયા છે. અને હા કોઈ પણ એન્ટ્રી ફી કે એવું કોઈ પણ ચુકવણું ત્યાં કરવું પડતું નથી.. તદ્દન ફ્રી છે હો.

એકાદ કલાકનો સમય વ્યતીત કરીને આપણે ફરી મોટરસાઇકલ ઉપાડી અને એનો એજ રસ્તો.. સતાપર, મીઠા પસવારીયા, ખારા પસવારીયા, અજાપર, મોડવદર, અને મીઠી રોહર..!!

અસ્તુ..
* ફોટાઓ તથા લખાણ ક્યાંય પણ કોપી પેસ્ટ કરવું નહ

Post a Comment

1Comments
  1. ખૂબ સરસ દર્શન.. ખૂબ આભાર🙏

    ReplyDelete
Post a Comment