નકરી વાતો..

0
વળી એક દિ મોટા કહે "વાતો" કરો..
આ હારુ લ્યો, વાતું જ કરવાની છે..! પણ જો મોટા આપણું કાંઈ નક્કી નહિ વાતું માં ક્યાં ના ક્યાં પુગવી..!!

હવે ઢોલિયો ઢાળીને પીપળ હેઠે બેઠો'તો, ન્યા અમારે જીહ્વાધારી ડાઘીયું આવ્યું, એના હાટુ ઓણ તો બેકરીવાલ બિસ્કિટ ની હાર્યો-હાર રેવડીયુંય લાયવો'તો.. ઈય મફત. પણ અમારે ડાઘીયું એમ મફત નો લે. કાઈ નહિ તોય છેલ્લે બેકરીવાલની પિંડીયુંમાં ચચ્ચાર દાંતના નિશાન તો દીધા જ..! તે ઇ રેવડીયું ને બિસ્કિટનો સ્ટોક એણે પીપળ હેઠે દાયટો'તો.. ઇ ચગળાવતું મારી પાંહે ખાડો ગાળીને શરીર સંકેલીને બેહી ગયું, ને આપણેય કાંઈ વતાયવું નહિ. 

હવે ટેમ જાતો નહોતો મોટા ને એક નવો પીડા-પોપટ પાળ્યો છે તે એને પંપાળી ને ભૂલવા હાટુ ઈંસ્ટા શરૂ કરયુને હામી જ રીલ આવીને ઉભી રહી ગીત ના શબ્દો હતા,
"પતા ચલા કે ગલત લેકે પતા મેં નિકલા"
હવે મોટા, આ નવરા મારા જેવા કવિએ ઝીંક્યું લાગે છે નકર સીધુને સરળ નહોતું લખાતું કે, 
"મેં ગલત પતા લેકે નિકલા વો હવે ઠેઠ પતા ચલા.."
પણ નહીં, કવિઓ પોતાને શ્રેષ્ઠ અને અનન્ય - ગુજરાતીમાં કહું તો  'ટૂ ગુડ' અને 'યુનિક' દેખાડવા આવી રીતે શબ્દો ને આડા અવળા કરતા હોય છે..!!

ઇ બંધ કરીને ફેસબુક ઉપાડ્યુ.. ન્યા તો બગાછકડી બોલતી'તી.. ને એનો મુદ્દો હતો પરમપુજ્ય ઉર્ફે પપ્પુ એ મોંઘા-માંય્હલ્યું ટી-શર્ટ પહેરીને જાત્રા કરી..!! ઇ ય બંધ કર્યું..

..ને યુટ્યુબ શરૂ કર્યું. હવે ન્યા તો નોખી જ લપ હાલતી'તી એલા.. ટર્કીની પ્રાઇવેટ ડિફેન્સ કંપની બાયરક્તર ડ્રોન્સે છડે-જાહેર એક મીડિયા ઇન્ટરવ્યૂમાં બાફ્યુ કે અમે ક્યારે પણ ભારતને આ ડ્રોન નહિ વેંચીએ. આ બાયરક્તર ડ્રોન એ જ છે જેણે યુક્રેન દ્વારા રશિયન સેનાને ઘણું નુકસાન પહોચાડ્યું છે. ભારતના પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને પાસે આ ડ્રોન છે. પાછા આ ડ્રોન અન્ય ડિફેન્સ સપ્લાયરો કરતા સસ્તા પણ છે. લિથુઆનીયાની પ્રજાએ ઓનલાઈન ડોનેશન ભેગું કર્યું, એક ડ્રોન ખરીદ્યું અને યુક્રેનને ભેંટ કર્યું એટલું સસ્તા ડ્રોન છે આ. હવે મુદ્દો ઇ છે કે ભારતનું રક્ષા મંત્રાલય એક નાની ગોળી પણ ટર્કીથી ખરીદતી નથી, તોય ઇ દોઢ ડાહ્યું પોતાના પ્રચારર્થે - ગુજરાતીમાં કહું તો પબ્લિસિટી માટે સંજય લીલા ભણસાલીની જેમ આઇડીયો મારે છે. સંજય લીલા ભણસાલી એવુ જ કરે છે, ફિલ્મ બનાવે પછી જાહેર વિવાદ - ગુજરાતીમાં કહું તો પબ્લિકલી કોન્ટ્રીવર્સી ઉભી કરે અને ફિલ્મ સુપરહિટ થઈ જાય. બસ આવું જ કાંક બાયરક્તર ડ્રોનના સી.ઇ.ઓ એ ટ્રાય કર્યું છે પણ વાંધો ઇ છે કે ભારત તરફ થી પ્રતિક્રિયા જાહેર થઈ નથી. જો કે યુક્રેનની પ્રજાએ બાયરક્તર ડ્રોન ની ઘણી પબ્લિસિટી કરી છે. યુક્રેનિયનોએ તો બાયરક્તર પર ગીત પણ પબ્લિશ કર્યું છે.. છતાં એના એ ડ્રોનના સી.ઇ.ઓને કાંક સળવળે છે તે ભારતના મોઢામાં હાથ નાખે છે.

એલા આવી આવી વાતું વાગોળતો'તો ન્યા અમારે ગજો આવ્યો, "કેમ છો મહાશય?"

"આયવ એલા પીડા થોડીક ઓછી થાતી હતી એમાં તારી જ કમી હતી."

"મતલબ?"

"કાઈ નહિ, કેમ જાજા દિ એ પ્રગટ થયો એલા ઇ કે ને.."

"નામીબીઆ ગયો હતો."

"તારું ન્યા શું ડાટયું'તું?"

"પેલા દાઢીધારીને હમણાં મહાત્માની ઉપાધિથી એક નાટ્યકારા એ બિરદાવ્યા એમના આદેશાનુસાર નામીબિયા ચિત્તા લેવા ગયો હતો."

"એલા સાવ આમ નો હોય એલા.. ફેંકાય પણ નીરજ ચોપડાની જેમ."

"અરે સાચે જ મહાશય! ફ્લાઈટમાં ચિત્તાઓ સાથે ગ્વાલિયર જ ઉતર્યો, અને ત્યાંથી સીધો આપને મળવા આવી પહોંચ્યો."

"તે નયાં તારું શું કામ હતું?"

"પશુ વિશેષજ્ઞ તરીકે મને ત્યાં મોકલ્યો હતો, ચિત્તાઓની ચકાસણી કરીને આવ્યો છું."

"હવે, પોદળામાં સાંઠીકુ ભરાવનારાને પશુ વિશેષજ્ઞ નો કેવાય."

"એવું નથી, એ ભૂખ્યા ચિત્તાઓની સાથે છેક ત્યાંથી અહીં સુધી સંભાળ લેતો આવ્યો છું, વળી અહીં પહોંચ્યા પછી દાઢીવાળા સાહેબને પણ છબીઓ ખેંચવાનો શોખ જાગ્યો તો એમને પણ કેમેરાની વ્યવસ્થા મેં કરી આપી, અને એમની છબી ખેંચનારાઓનું ધ્યાન તેમના તરફ પણ મેં જ લેવડાવ્યું હતું."

"હશે હવે, આજની પર્યાપ્ત માત્રા - ગુજરાતીમાં કહું તો ઇનફ ક્વોટા ભરાઈ ગયો છે.. બાકીના હથોડા જમા રાખ."

ને મોટા ગામની સીમમાં વાડીની વાત્યું આવી હતી હો..!!

●••●••●••●••●••●••●••●••●••●••●••●••●••●

Post a Comment

0Comments
Post a Comment (0)