પ્રીતની પુકાર
હવે ઓલા ઇ જ તળાવની પાળે, ઇ જ પીપળા હેઠે ખાલી સુઇટકેસ લઈને પ્રીતમ તળાવના પાણીમાં નજર ઠેરવીને બેઠો'તો.. પ્રીતમને ઉડતા ખબર મળ્યા'તા કે આ પીપળે દૈવી હોલો હોલી આવે છે ને એમણે જ ઓલ્યા ચંદ્રપ્રિયાના પિતા પ્રેમ ચોપડાને આવડો ધનવાન કર્યો હતો..! પણ આ ફેરે પીપળે એક કાળું ચકલુય ફરકતું નહોતું..!
બે દિ થયા, પ્રીતમ બચાડો એકલો પીપળા હેઠે બેઠો બેઠો ચંદ્રપ્રિયાના વિરહમાં 'જાની-દુશમન' નું 'આજા-આજા' ગીત ગાતો હતો..! અને કદાચ સામે ચંદ્રપ્રિયા પણ તેવો જ પ્રત્યુત્તર કરતી હતી..! ખાલી સુઇટકેસ જોઈને નિરાશ અને હતાશ થયેલો પ્રીતમ તળાવના પાણીમાં નાના પથ્થરોના ઘા કરતો ઉપર તરફ જોઈ રહ્યો હતો, એટલા માં જ પાણીમાંથી એક દેડકી બહાર આવી ને પ્રીતમના પગને અંગૂઠે દાંત દીધા..! 'વ્હોય માં' કરીને પ્રીતમ પાછળ હટી ગયો..
ત્યાં તો દેડકી બોલી, "કાં દુઃખ પડ્યું તો માં સાંભરીને?, તયે કેમ ચંદ્રપ્રિયા નો બોલ્યો?"
પ્રીતમનો પિત્તો ગયો કે લેવા દેવા વિનાની આ બે ઇંચની બટકી મને શિખામણ દે? "તારે શુ પંચાત?" કહીને પ્રીતમે દેડકીને મુઠી માં ઉપાડી લીધી.
ત્યાંતો દેડકી બોલી, "જોઈને પાણાં ઘા કરતો હોય તો. મારા માથા ઉપર ટપ્પો ખાઈને ગયો એક પાણો."
પ્રીતમને ભૂલનો એહસાસ થતા જ એણે માફી માંગતા દેડકીનું માથું ચૂમી લીધું ને ત્યાં તો.. એ દેડકી..
(નહિ નહિ નહિ.. મારી વાર્તા છે દેડકી માંથી સુંદર સ્વરૂપવતી રાજકુમારી પ્રગટ નહિ થાય અહીંયા..)
બોલી, "એય આઘો રે.. ફૂટેલા કપાળમાં એક તો દુખે છે ને તું ન્યા નવું દબાણ દે છો એલા."
અને ઘા એ ઘા વાર્તા પતાવીએ હવે.. તો બંને એ ઘણી લપ કર્યા બાદ દેડકીને પ્રીતમ ઉપર દયા આવી ગઈ, અને તળાવમાં જઈને એક પારસમણિ લઈ આવીને પ્રીતમને દીધો, કે આ પારસમણિ જે લોઢાને અડાડીશ ઇ સોનુ બની જાશે.. ને પ્રીતમ તો ઉપડ્યો ભાઈ ચંદ્રપ્રિયાના ઘરે..! ઓલ્યા પ્રેમને પછાડવા અને પ્રીતની પુકારનો પ્રત્યુત્તર કરવા.. "મેં તો રસ્તે જા રહે થા.." ગાતો ગાતો..! અને ચંદ્રપ્રિયાના પિતા પ્રેમ ચોપડાને મોઢા મોઢ મણી મારીને ચંદ્રપ્રિયા હાર્યે લગ્ન કરી લીધા..! પણ કઠણાઈ ઇ કે મણિ તો પ્રેમ પાંસે રહી ગયો અને હવે બેય લુખેશ.. તોય પ્રેમ ચોપડા એ એક સારા માંહ્યલો બંગલો રે'વા માટે પ્રીતમને આપ્યો.. ને પ્રીતમ પરદેશ કમાવા ગયો.. ને એવું એવું.. બધું .. બાકી પ્રીતમ કમાવા ગ્યો'તો ને એના અનુભવો તમે વાંચી જ લીધા છેને? ને નો વાંચ્યા હોય તો તમને પ્રીતમના પારસમણિ ના સમ.. વાંચી લેજો હો..😀