મનોહારી ચંદ્રપ્રિયા ને પોતાનું હૃદય દઈ બેઠેલો આ ઉ.પ.પ્રીતમ બાવરો થિયો'તો હો, ખાલી હાથ પાછા ફરવા સિવાય એને કોઈ બકરીનીય બીક નહિ. એટલે જ તો આવી અવાવરું જગા માં ઇ વડલા હેઠે ઓટલો ભાળી ને ન્યા પુગ્યો.
ન્યા એક તયણ-ચાર ફૂટ નો, ને મોઢે દાઢી-મૂછ વચ્ચે ઝીણા એવા ખાલી હોંઠ જ દેખાય, ને જાણે આખો જમાનો ઘોળી ને પી ગઈ હોય એવી ઝીણી ઝીણી આંખ્યું, ને નેણ તો નાનું એવું જંગલ જ જોઈ લ્યો, ધોળો-પીળો લાંબો કપાળ માં ચાંદલો કર્યો તો, ને શરીરે એક લંગોટ માત્ર, હાથ માં ચિપીયો લઇ ને ઓટલા ઉપર આમથી તેમ આંટા દીયે ઇ બટુક મહારાજ.
ઉ.પ.પ્રીતમને તો અહીંયા કોઈનીય આશા નહોતી ન્યા આને જોઈને હાશકારો ને કૌતુહલ ભેળું થિયું. ઇ અવડાક અમથા બટુક મહારાજ પાંહે જઇ ને આણે પ્રથમ તો પ્રણામ કીધા ને પછી આખી વિગત વાર વાત કીધી. "મેં તેરે આનેકા પ્રયોજન જાણતા હું બચ્ચા". બટુક મહારાજે એમ કહીને વડલે ટીંગાળેલી ઝોળી માંથી કોઈ વન-વૃક્ષના મૂળ નો કટકો આપ્યો. ને કીધું, "ઇસ્કો તેરી મુઠી મેં રખ લે, ચલતે ચલતે જીધર એ તેરે હાથ માંથી અપને આપ ગીર પડે વહાં તુજે તેરા સબ મિલેગા..!!"
આવડા આ ઉ.પ. પ્રીતમને તો કાંક આશા બંધાણી કે હાલો લ્યો કાંક તો મળશે, બાકી અટાણ હુધી(સુધી) તો વન વગડો રખડી રખડી ને ધૂળ-ઢેફા જ ખાંડયા છે. તે ભાઇ આણે તો મુઠીયું વાળી દોટ દીધી હો.. ઘણુંય ધોયડો ઘણુંય ધોયડો પણ ઓલું મૂળ હાથ માંથી ક્યાંય પયડુ નહિ.. કેટલોય પલ્લો કાપીને પાછો ઇના ઇ જંગલ માં ઇના ઇ વડલા હેઠે પુયગો ને નયાં એક પાણા ની ઠેહ(ઠેસ) વાયગી ને ચાર ગલોટિયા ખાઈ ને પયડો, પડતો તો તયેં મુઠી ખુલી ગઈ ને સીધી ઇના ઇ જ વડલા ના બટુકમહારાજ ના ઓટલા પાંહે પયડી..
બટુક મહારાજ કે "એલા તું હજી ગયો નહિ?"
"ગ્યા ની ક્યાં કરો એલા? ફરતા બાર ગાઉ દોડી આયવો પણ આ મૂળિયું ક્યાંય પયડુ નહિ ને કેડો ભૂલી ગયો તો તે પાછો આંય પુયગો ને તમારા ઓટલા હેઠે આ મૂળિયું પયડુ, હવે આંય જ ધામા નાખવા આપણેય હો..!"
"ઇધર તુમ કુછ નહિ ડાલ શકતા, એ મેરા જગા હૈ." પણ માને ઇ આ ઉ.પ.પ્રીતમ નહિ, ને એણે તો બટુક મહારાજ ને ઉપાડીને બાજુ માં મુયકા ને માંડ્યો ઓટલો ખોદવા. ખોદતાં ખોદતાં એક સુરંગ ન્યા ભાળી એણે. બટુક મહારાજેય માથું ખંજવાળતો'તો, આતો આપણેય કોઈ દી જોઈ નથી. બેય જણાં સુરંગ માં ગર્યા. સાંકડી હતી પણ માણહ જઇ શકે એવડી જગા તો હતી..ઇ સુરંગ માં આગળ ગયા ન્યા તો એક નાનો પણ સરસ મજાનો ઓરડો હતો, એક બાજુ ધૂણી ધખતી'તી, એક બાજુ વાઘનું ચામડું, એક કમંડળ, ચિપીયો ને એક મોટી છાબ હતી, એમાં વિવિધ વનસ્પતિઓ, કોઈ કંદ, અમુક વિચિત્ર ફૂલડાં ને સામે એક મોટો પટારોય પડ્યો'તો. રખિયા થી રમમાણ એ ઓરડો હતો. બટુક મહારાજ તો ભેખધારી હતો એટલે જાણી ગયો કે કોઈ તપિયા-જોગી ની આ જગા છે. પણ ઉ.પ.પ્રીતમને તો નવીનવાઈનો પટારો ભાળી ને કેટકેટલાય કોડ જાગ્યા.. ઈતો ધોડી ને ઇ પટારા પાંહે પુગી ગયો. બટુક મહારાજ ને કે મારો ખજીનો આમાં જ છે, મને પાકી ખબર ઓલ્યો ત્રિકાળી બાવો જ આંય લાયવો હોય ને એણે જ આંય સંતાયડો હયશે.
"તેરે કો કેસે ખબર એ ત્રિકાળી બાબાકી જગા? તું ખુદ દેખા?"
"તો જોઈ લેવી, આપણે આંય સંતાઈને બેહવી રાત બાકી જ છેને..!!