પ્રીતમ પરદેશી - રાત બાકી છે અને ભૂત થયું - ભાગ ૫

0


    બરોબર મધરાત થઈ, આકાશે ધોળો ચંદરવો પથરાઈ ગયો હતો, ચકોરો ચાંદા હામુ મીટ માંડીને જાણે જનમ જનમનો તરસ્યો પાણી ભાળે એમ જોઈ રહ્યો હતો, કોઈ વનના નિશાચરો મધરાત ના મોરલા થઈ ને વગડો ગજવતાતા, ને આપણો આ ઉ.પ.પ્રીતમને ઢીંચણ જેવડા બટુક મહારાજ બેય ઓલી સુરંગ વાટે પુગેલ કોઈ તપિયા ના ઓરડા માં એની વાટ્યું જોતા બેઠા'તા.

     ઉ.પ.પ્રીતમનું ધ્યાન તો એકધારું ઓલ્યા મસમોટા પટારા સામુને સામુ હો. એના મનમાં તો એને પોતાની આખી જિંદગી ઓલ્યા પટારામાં જાણે બીડાઈ બેઠી હોય એમ ભાસ થાતો'તો. કોણ જાણે પણ એને મનમાં એમ જ હતું કે ઇ પટારો એનો જ માલ સંઘરીને બેઠો છે ને ઇ પટારા નો માલિક એજ ઓલ્યો ત્રિકાળી બાવો. ઘણી ઘણી વાર સુધી રાહ જોઈ પણ કોઈ કાળું ચકલુય ન્યા હજુ આયવું નહિ, ઘડીક તો ઉ.પ.પ્રીતમને થયું હાલ્યને પટારો તોડી ને જોઈ લેવી, પણ બટુક મહારાજે એને સમજાવ્યો કે "તપિયા-જપીયા-જોગીની કોઈ માલ મત્તા ઉસકી રજા બગેર અડનેકા નહિ, નકે ઉલમાંથી ચુલમાં પડયા જેખા હોગા બચ્ચાં."

     "પોતે ગોઠણ જેવડો મને બચ્ચા કેય છે" એમ મનમાં બબડી એણે બટુક મહારાજની સૂચના અવગણી પટારા પાંહે ધોડીને પુગી ગયો, હજી બટુક એને પકડે નો પકડે ઇ પેલા તો એને પટારા માથે મારેલ તાળું ઉપર ફેરવીને પાટું ઝીંક્યું, તાળું તો નો તૂટ્યું પણ બીડેલ નકુચો નીકળી ગયો. પણ પટારા ને ઠોકર લાગતા'તો પટારો ધ્રુજયો હો.. જાણે પટારો એની માલીપા(અંદર) ભૂકંપ સાચવી બેઠો હોય એમ માંડ્યો ધુણવા. ડોલતો પટારો ભાળીને આ ઉ.પ.પ્રીતમને તો માંડ્યો પરસેવો છૂટવા ભાઈ..!

     ઓનીપા ઓલ્યા બટુક મહારાજેય મૂંઝાણાં, કે "હું ક્યાં આ ડફોળ ની વાંહે આંય ગુડાણો, આ ઘેલો તો મરશે, મારીય આંય ભોં હેઠે સમાધિ કરાવેગા"

     પટારો ધ્રૂજતો તો સે'જ ઢાંકણ ઊંચક્યું ને કાંક કાળો ડિબાંગ ધુમાડો બારો નીકળ્યો, પાછું સે'જ ઢાંકણ ઊંચું થયું તયેં દીવા ની રોશની માં ઇ પટારા માં ચમકતી બે પીળી પીળી આંખ્યું જેવું વરતાણું, હવે બટુકમહારાજે તો ધોતિયું કચકચાવીને ઝાલી લીધું, ભાગવા માં નડે નહિ ને એલા. ઉ.પ.પ્રીતમ તો ધોડીને બટુકમહારાજ ની વાંહે સંતાવા માંડ્યો પણ આ તયણ-ચાર ફૂટ ના મહારાજેય એને કેટલોક સંતાડવાના? તોય ભો(ડર) ભલભલું કરાવે હો.

     પટારો હવે આખો ખૂલતો હોય એવું લાગતું'તું, જાણે એમાંથી કોક કાળો પડછંદ પડછાયો નીકળ્યો, કોઈ માનવકૃતિ નહોતી, પણ નકરાં કાળા ધુમાડા ના ગોટા જ, પણ હા, બે પીળી ઝબૂકા મારતી આંખ્યું હેઠે લબાકા કરતીક લાંબી રાતી જીભ ભાળી.

     બટુક મહારાજે ફેરવીને એક ઢીકો ઉ.પ.પ્રીતમ ને વાંહામાં પેશ કર્યો, "મેંને કીધા થા ને તુમકો, એસે કિસીકી ચીજ કો અડતે નહિ હૈ, અબ તું ભી મરેગા ને હમ ભી."

     "પણ તમેં તો મહારાજ સાધુબાવા છો તમને તો જંતર મંતર કાંક આવડતું હશે આને કાબુ માં લ્યો ને." ધ્રુજતા ઉ.પ.પ્રીતમ ને આટલું જ મોઢેથી નીકળ્યું.

     "બચ્ચા, મેરા હજી ટ્રેનિંગ ચાલુ હૈ, ને મેં તો પાછા તપ કરતા હૈ, જંતર મંતર નહિ, મેરે કો નહિ આવડતા." બટુક મહારાજે અણ-આવડત જાહેર કરી નો કરી ત્યાં તો ઓલ્યા કાળા ધુમાડામાંથી ખડખડાટ હાસ્યનો ઘોઘરો અવાજ આવ્યો. બટુક મહારાજને ઉ.પ.પ્રીતમને તો કાપો તો લોહી નો નીકળે એવા હાવ મડાં જેવા થઈ ગયા.

     હવે આ બે ને પૂંછડી તો હતી નહિ, નકર ઉભી પૂંછડીએ ભગાડેત પણ એટલે અટાણે તો આ બેયે મુઠીયું વાળી ને દોટ દિધીયું, ધખતી ધૂણી આખી ઠેકીને ઓલી કોર્ય કાંક દરવાજો આડો હતો ઇ ખોલીને બીજા ઓરડામાં જઇ ને કડી ભીડી દીધી. પણ ઇ બારણા ની તયડ(તિરાડ)માંથી ઓલ્યો ધુમાડો સોંસરવો ગડી ગયો, હવે આ ઓરડા માંથી પાછા વડલા વાળા ઓટલા પાંહે પુગાય એમ રહ્યું નહિ, પણ બીજી દિશા માં એક ઘોડેસવાર દોડી શકે એવડો પકતો રસ્તો સુરંગ વાટે ક્યાંક નીકળતો હશે તે આ બેયે તો ભૂત ભાળ્યું ને ઉભો રે ઇ બીજો એમ ધડબળાટ બોલાવતા ધોડ્યે જાય, આખે મારગ વાંહે વળી ને નો જોયું, સામે થી અંજવાશ આવતો દેખાયો, ગુફાનો દ્વાર એજ હોય એમ દોડ્યા પણ દ્વાર ની વચ્ચોવચ કોઈ માનવાકૃતિ ઉભી હોય એમ લાગ્યું, હજુ પૂરો સવારનો પો ફાટ્યો નહોતો, ને આની વાંહે તો ભૂત થિયું'તું એમાં કોક માણહ જેવું દેખાતા તો બેય એની પાંહે પુગી ગયા, કે "બચાવો બચાવો ભૂત થાય આયાં ભૂત થાય.."

Post a Comment

0Comments
Post a Comment (0)