શાંતિ જેવું દુનિયામાં કે જિંદગીમાં કાઈ છે ખરું?
એલા મોટા કેમ આજે આમ? સવારમાં વેલણ નથી આંટી ગયા ને? હમણાં જો કે શાંતિ ડહોળાયેલી છે. આમ તો આપણે ન્યા અમુક બાબતો ઘણી વિચિત્ર છે. જેમ કે તાજેતર માં જ આ રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવ્યા એ જ જોઈ લ્યો. આમ તો મોટા આપણે આવી નાજુક બાબતોની મેટર માં માથું મારતા નથી પણ આમાં કાંક કે'વાની ઈચ્છા છે.
હવે વિખરાયેલી શાંતિનું ધ્યાન કરતા કરતા સમાચાર જોયા કે માલધારીઓએ એ કાયદા પ્રત્યે વિરોધ નોંધાવ્યો છે. મોટા, લોકશાહીમાં 'વિરોધ' એક મહત્વનું પાસું છે. વિરોધ વડે જ લોકશાહી તાનાશાહીમાં પરિવર્તિત થતી અટકે છે. લોકો અથવા લોકોનું એક નાનું ટોળું પણ વિરોધ-પ્રદર્શનો દ્વારા પોતાનો મત રજૂ કરી શકે છે. પણ આપણે અહીં વિરોધ પ્રદર્શન કરવા હોય એટલે અંગત અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવું. આ શોર્ટકટ છે. મીડિયા દ્વારા આ સમાચારો ને વેગ મળે છે, અને પછી ઠેર ઠેર આવા છમકલાં થાય છે. આવા વિરોધપ્રદર્શનો વખતે ખરેખર મિલિટરી બેસાડી ને સખત માં સખત જાપતો બેસાડવો જોઈએ અને દેખાય એને ધોકાપાક દેવો જોઈએ. શાંતિમાંથી ધોકાવાળી હિંસા માં પહોંચી ગયા નહિ..?
તે મોટા, કાલ જોયું અમુક માલધારીઓએ દૂધ ઢોળી નાખ્યું. વળી અમૂકે દૂધ કૂતરાઓને પાઈ દીધું..! આ શું રીત છે? તમારી માંગણીઓ રાખો પણ વ્યય તો ન કરો. કાંક અગિયારેક માંગણીઓ છે, એમાં એક નંદી વસાહત જેવું હતું. વ્યાજબી છે માંગણીઓ, સરકારે સ્વીકારવી પણ જોઈએ. પણ તમારે લોકો એ પણ થોડાક સુધારાઓ કરવા જોઈશે. જેઓ મોટો માલ રાખે છે (ગાય-ભેંસ વગેરે મોટો માલ કહેવાય, બકરા-ઘેટાં વગેરે નાનો માલ) પણ એકલદોકલ સંખ્યામાં, એ લોકો એ પોતાના પશુઓને ઘરે જ બાંધી રાખવા જોઈએ. શહેરોમાં માં મેં ઘણા જોયા છે, એકાદ ગાવડી રાખે, દી આખો બચાડી રખડતી હોય, સાંજે એનો માલિક ગોતી આવીને ઘરે લાવીને દોહી લે..! અમુક તો છ-સાત ગાયું રાખે છે તેઓ પણ આવું કરે છે. જો રાખવું હોય તો વ્યવસ્થિત ઢોર રાખવું. વ્યવસ્થિત સેવા કરવી. વળી જે ગાય દૂધ દેવાનું બંધ કરે એને છુટ્ટી મૂકી દેવામાં આવે છે. વળી કોક બીજો એને બાંધે, એનું જતન કરે, વિયાય, દૂધ આવે એટલે પૂરતો લાભ લઈને વળી એનું દૂધનું પ્રમાણ ઘટી જાય અને એના ઉપર કરવો પડતો ખોળ-ભૂંસા કે ચારો ઇત્યાદિનો ખર્ચ વધી જાય એટલે છુટ્ટી મૂકી દે..! ઘણા લોકો ગાય પાળે, જતન કરે, વિયાય અને જો વાછડો થયો તો એને છુટ્ટો મૂકી દેવાનો..! મનુષ્યની સંતતિ માં પુરુષત્વ જોઈએ છે પણ ગાય-ભેંસમાં નહિ..!
માલધારીઓએ જો વ્યવસાયિક કે સેવાકીય રીતે પણ ગાયો-ભેંસો નું જતન કરવું હોય તો તેમણે પોતાની રીત બદલવી પડશે. નાના પ્લોટ માં કે શહેરની વચ્ચે તેમનો વ્યવસાય કે સેવાકીય પ્રવૃતિઓ સરખી રીતે થઈ શકવા સમર્થ નથી. તેમણે થોડોક મોટો પ્લોટ રાખીને માપસર ઊંચો શેડ બાંધીને ગૌશાળા જેવું કરવું જોઈએ, પશુ પણ એ મોટા પણ ચોતરફી બંધિયાર જગ્યાની બહાર ન જવી જોઈએ. તો કોઈને તકલીફ પણ નહીં પડે, કોઈ ની શાંતિ પણ ભંગ નહિ થાય, કોઈને વિરોધ પણ નહીં કરવા પડે અને એયને લીલા - લે'ર રહેશે.
ને એલાવ, દૂધ ઢોળવા ને બદલે મેરવી નાખો, ઘી થાશે, ખાલી દૂધ તો વધી વધીને ૭૦-૮૦ જાશે પણ ઘી લગભગ ૧૨૦૦ મા તો જાશે જ, ને ઘી નું આયુષ દૂધ કરતા જાજુ છે..!
અને સરકારને પણ નંદીશાળા ઓ કે પછી પાંજરાપોળ માં વ્યવસ્થિત ધ્યાન દેવું જોઈએ..! ઘણીય એ પાંજરાપોળમાંથી પશુઓ બહાર નીકળી જતા હોય છે અને સંચાલકને ખ્યાલ પણ હોતો નથી. ખાસ તો નાના પશુપાલકોએ પોતાના પશુઓને જો શહેરોમાં રાખતા હોય તો ઘરે રાખવા. ચારા ની જોગવણ નો હોય તો રાખવું નહિ બાકી રખડતું મૂકવું નહિ. આવાવ ને લીધે જે વ્યવસ્થિત પશુપાલકો છે એમને પણ તકલીફો આવતી હોય છે.
બાકી મોટા, આપણે તો વિચાર છે, દૂધ નહિ મળે તો બે બકરી લેશું.. ઇ બે બકરીના બે બચ્ચાં આવશે, ને ચાર બકરી થાશે, ઇ ચાર બકરીમાંથી આંઠ બકરી થશે પછી ઇ આઠ બકરીની સોળ થશે, પછી ઇ સોળ ની બત્રી, બત્રીની ચોંસઠ, ને ધીમે ધીમે દસે એકર માં નકરી બકરીયું જ બકરીયું હશે..! પછી ઇ બકરીયું બદલી બે ગીર ગાયું લેશયું, વળી ગાયોનું દૂધ પીશ્યુ, વળી ધીમે ધીમે આઠ ગાય થાય એટલે બે જાફરાબાદી ભેંશ્યુ લેશયું.. એનાય દૂધ-ઘી ઉલાળશું.. ને બસ સવાર પડતા જ સપનું પૂરું થઈ ગયું..!! ને જાગ્યા ત્યારે જાણ્યું, દૂધ ની થેલીયું જડતી નથી..! ને મારીય શાંતિ નો ભંગ થયો મોટા..!
•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•◆•