મન મારું મોહી ગયું || જાણે ગરબો, ચાલ, સંગીત, ગરબાની રમત, રમત થી ઉડતા ધૂળના કણો, તાળીયું ના તડાકા.. આખું વાતાવરણ જાણે એકાકાર અને એકલયમાં હાલતું હોય..!

0
વળી એક દિ મોટાભાઈ કહે, "મન મારું મોહી ગયું..!!"
જોવો મોટા, એક તો અટાણે નવરાત્ય હાલે છે, ને બે ઋત જેવું વાતાવરણ, તે ખાસ ધ્યાન રાખવું, મન આમથી તેમ ઠેકડે ચડશે - પણ મોહાવા દેવું નહિ..!!

મોટા, સિટીયુંના નોરતા જોયા હો, પેલા તો કાળુધોળું કરીને પાસ લેવાના, પછી ઇ પાસ લઈને ગરબા માં એન્ટ્રી લ્યો, એટલે માણહ માણહ માણહ કાંઈ.. મોટા, પાર વિનાનું માણહ.. મજા શું આવતી હશે રામ જાણે..! બાયું એટલી તૈયાર થઈ હતી.. ઓલ્યા આભલા ટાંકેલા ભરત ભરેલા લૂગડાંનો ભાર ઝીલતી ઠેકયું દેતી'તી..! હાથના આનીપા-ઓનીપા (આ બાજુ-પેલી બાજુ) લટકા કરી કરીને એમ ઠેકયું દીધી જાણે ક્રિકેટની બોલિંગ કરશે હમણાં..! ને બાયું તો ઠીક પણ ભાયું.. શું કેવું મોટા..! પારંપરિક પરિધાન ને નામે ચટા-પટા ને ચબરાકિયા ..ને આભલા કોડિયું ટાંકેલા ..ને પાઘડીને નામે પંદર મીટર કપડાને આડું-ટેડું વીંટાળીને માથે શંખલા-કોડિયું ટાંકીને મઠારેલા લૂગડામાં ઢયડાતો આવતો ઇ જણને આપણે જોવી તો એમ લાગે કે આવું પારંપરિક પરિધાન ક્યાંય ભાળ્યું ન્હોતું..! મોટે ભાગે જુનવાણી ભાભલા આજ પણ જોવો તો ધોળું લૂગડું જ પેરે છે. હા, રબારી ભરવાડમાં કેડિયું ચોંયણી, ને આયરો માં ખુલ્લા પાયસાની ચોંયણી, ને પટેલોમાં ને બ્રાહ્મણોમાં થોડોક ધોતિયા ને પનિયા બાંધવાનો રિવાજ, ને દરબારૂ ને કાંટીયા વર્ણમાં પિંડીયું થી ચપોચપ ચોંયણી ને માથે ઝભ્ભો ને બંડી - પણ હંધાય ના લૂગડાં ધોળા હતા, આ તો ઓલ્યા થાનગઢના મેળા ટાણે અમુક આભલા-કોડિયું ઉલળી'તી.. (જો કે મનેય જાજો ખ્યાલ નથી એટલે જાજુ કેવુય ખોટું..!)

મોટા, અમે તો નાની એવી ગરબી કરવી, ભાદરવી વદ ચૌદશે ગરબીચોક શણગારી લેવી, ને ઓણ તો અમાસની રાત્યે જ ગરબી (ચોકની વચ્ચે લાકડાનું માતાજીનું મંદિર જેવું હોય ઇ) થાપન કરી દીધું'તું. પછી રાતે નવેક વાગ્યે આરતી, વિશ્વંભરીની સ્તુતિ, ને પછી રમઝટ બોલે.. સાઉન્ડ સિસ્ટમ માં હારા માંહ્યલી પ્યોર ગરબાની જ કેસેટ/પેનડ્રાઈવ ચડાવી દેવાની.. પેલા પુરુષો એક કેસેટ રમી લે.. પછી બાર-એક વાગ્યા સુધી એકધારો બાયુનો જ વારો..!  ને અમારા જેવા બે ચાર જણ ગરબી-ચોકની ચોકીયું કરવા ચોકને એકાદ ખૂણે તીરપાલિયું પાથરીને લાંબા થઈને રાતના બારેક વાગ્યે વાયકયુ ખોલીને ખાંખાખોળા કરતા હોય તયે જ કેસેટ માં વાગતું હોય કીડી બિચારી કિડલી રે.. કીડી ના લગનીયા લેવાય.. તયે એમ થાય કે એક આ કીડી ને એક તારક મેહતાના પોપટલાલ, હજી સુધી લગ્ન લગ્ન ને લગ્ન જ કરે છે એલા..!!(મજાક મજાક હો..)

આમ તો હવે શહેરી (પાસ વાળા) ગરબાઓ શુદ્ધ અને દેશી રહ્યા નથી..! ન્યા જુઓ તો મન-મોહાવા અને ન કે'વાય કે સહેવાય એવા થઈ પડયા છે. એનું કારણ છે, નવરાત્રીમાં ભક્તિની ઉણપ ને ભભકાની છલક ને ઝલક..! વળી કલાકારોએ પણ ગરબાને નામે અન્ય સાહિત્ય જ પીરસવું શરૂ કર્યું. હિન્દી ગીતો, પ્રેમી ગીતોને ગરબામાં ભેળવતા ગયા એમ એમ ગરબા ના ભક્તિ નૃત્યમાં પણ બદલાવો આવતા ગયા. ગરબા, રાસ અને રમત માં ફેર હોય.. ઓલ્યા અટકચાળા થતા હોય એને ગરબા નો કેવાય..! 

હમણાં નોરતા/ગરબા ની શરૂઆત પેલા વાંચ્યું, "આ વખતે ખેલૈયાઓ પુષ્પા સ્ટેપ્સ પર ધમાલ મચાવશે." નહિ, મતલબ તમે લોકો ગરબા જેવી પ્રાચીન ધરોહર ને કઇ દિશાએ લઈ જઈ રહયા છો? ત્રણ તાળી, એકતાળી, હિંચ/ટીટોળો સિવાય તમે આ નવા નવા હાથના લહેકાઓ કરીને નાચ કરી બતાવો છો.. તો કા તો આને પારંપરિક નો કયો, ને પારંપરિક ગરબા જ હોય તો પછી ફેન્સીવેડા અળગા કરો..!

વળી આપણે કે'વી તો પાછા એમ કે' તમને આવડે નહિ એટલે જેને આવડતું હોય એને વગોવો છો.. એલા ભાઈ વગોવણા નથી આ, હકીકત છે. પેલાની જૂની બાયું (આપણા માજીયુ) રમતા હોય ઇ જોજો. એક હરખી હંધાયની ચાલ, એક હાર્યે તાળીયું, એક હાર્યે જ પગની ઠેક, હંધાય માજીયુ, એક જ હાર્યે પગ ઉપાડે, પાછા, માથેથી સાડીનો છેડો પડે નો પડે ઇ પેલા તો રમતા રમતા તાલ માં જ માથાનો છેડો ય સરખો કરી લ્યે, જાણે ગરબો, ચાલ, સંગીત, ગરબાની રમત, રમત થી ઉડતા ધૂળના કણો, તાળીયું ના તડાકા.. આખું વાતાવરણ જાણે એકાકાર અને એકલયમાં હાલતું હોય..! હવે આવું ગામડાઓમાં પણ જવલ્લે જોવા મળે છે. જોઈએ જ્યાં સુધી જોવા મળે..! પછી તો આ ફેન્સી ડાન્સ પ્રથા જ જોવાની છે.

આપણે મોટા, મન મોહાવાનું હતું કાં? હશે હવે, નેક્સટ ટાઈમ મોહાશે તયે પાછું લખીશ આજ આવું રાખો..!

======================================

Post a Comment

0Comments
Post a Comment (0)