વ્યસ્ત ન બની જાવ..
તો મોટા તમારા હિસાબે નવરા રહેવું? નવરો નખ્ખોદ વાળે ઇ ખબર છે ને મોટા? મારા મતે તો વ્યસ્તતા નથી ત્યાં નિઃરસતા છે મોટા. આમ તો તમે જે કયો એના વિરોધમાં જ હું લખી નાખી છું.. વિરોધ એટલે કે તમારા મત ની બીજી બાજુ.. તમે કાંટો કયો તો હું છાપો વર્ણવું.. આજ જોવી હાલો તમે કયો એમ વ્યસ્ત ન બનું..!
તો મોટા સવારમાં સૌથી પહેલું સામાન્યતઃ દાંતણ-કોગળા કરીને પછી મોબાઈલ લઈને ટોઇલેટમાં વ્યસ્ત થવું પડે.. એટલે હવે તમે ના પાડી તો માંડી વાળીયે..! પછી નાહી-ધોઈને દિવાબત્તી બાદ શિરામણનો વારો.. એમાંય વ્યસ્તતા તો રહે જ ને.. ઉપરાછાપરી કોળિયા મોં માં મુકવાના હોય ને.. પણ તમે વ્યસ્તતાની ના પાડી એટલે એક કોળિયો મોં માં મુક્યા બાદ પાણી પી લેવાનું.. વ્યસ્ત નથી થવાનું નવરા રેવાનું છે.. ઇ પછી સામાન્યતઃ કામ-ધંધે વળગવાનું હોય, આજ હાલીને જાવું હતું, હળવા માટે એક પછી એક ડગલાં મુકાય, પણ એતો સતત કરો એટલે પાછું વ્યસ્તતાની શ્રેણીમાં આવી જઈએ એટલે આપણે બાઇક ઉપાડી..! ગામને ચોરે ભાભલા પાંહે ગામ-ગપાટા કરવાતા પણ એમાં વાતું કરવી પડે, બોલવું પડે, સતત બોલો એટલે એ પણ વ્યસ્તતા એટલે આપણે બારોબાર વાડીયે પુગ્યા..!
વાડીએ નિંદામણ સારા માંહ્યલું થયું છે, એ વાઢવું'તું, પણ એમાં વ્યસ્ત થવું પડે ને વ્યસ્ત થવાની તો તમે ના પાડી.. એટલે ઇ પણ માંડી વાળ્યું.. હવે નવરા જ છીએ તે એયને પીપળ હેઠે ઢોલિયો ઢાળી ટાઢો પવન ખાતો'તો ન્યા ઝોકું આવી ગયું તે ઝબકીને જાગ્યો મોટા.. સુવામાં શરીર શિથિલ થઈ જાય.. અનાખો બંધ થાય.. વ્યસ્તતા નો ભંગ થવો જરૂરી છે એટલે આમથી તેમ હલનચલન કર્યું તો ચાલવું એ પણ પગની વ્યસ્તતા છે એટલે એ પણ ન ચાલે.. તો .. વિચાર્યું એકાદ માવો ચોળીયે.. પણ તણ મહિનાથી તો માવો ય મૂકી દીધો છે તે હવે શું કરવું? આમ તો વિચારોની વણઝાર હાલી.. ને વિચારોની આવનજાવનમાં યાદ આવ્યું કે હું તો વિચારોમાં વ્યસ્ત થઈ ગયો.. વળી વ્યસ્તતાને ભંગ કરવી પડે..!તે આપણે મોટા હવે શું કરવું ને શુ નો કરવું ઇ જ પીડા થઈ પડી..!
પછી વળી વાયકયું ખોલ્યું.. કાલ રાતના બધા ગરબાઓ વાંચ્યા.. પેટ પકડી પકડીને દાંત કાઢ્યા.. ન્યા વળી યાદ આવ્યું.. સતત હસવું પણ વ્યસ્તતા ગણાશે એટલે સહેજ એવું મલકાઈને માંડી વાળ્યું. હવે શું કરવું જેમાં વ્યસ્તતા નો હોય? એટલે વળી પાછું મોટાનું કોલેબ ઇનવાઈટ વાંચ્યું એમાં લખ્યું હતું.. "વ્યસ્ત ન બની જાવ" વળી થયું કે વાંચવામાં આંખ્યું એક ધારી જોયા રાખે એટલે પટપટાવી ને આંખોની વ્યસ્તતા માં ભંગાણ કર્યું..!
આજની પોસ્ટ માં કોઈ કસ કાઢી લેવાનો નથી ને તોય તમે આ વાક્ય સુધી વાંચતા હોય તો તમે ધન્ય છો.. એટલે અમારી જુનવાણી કટાઈ ગયેલી તોપથી પોણા ચાર કિલોના સાડા આઠ ગોળાની સલામી સ્વીકારશો અને નવરાશ હોય તો હજી આગળ વાંચજો પણ વ્યસ્ત થતા નહીં...
તે મોટા, વળી વ્યસ્ત નહોતું થાવું એટલે બપોરા કરવા ઘેરે ગયો, ન્યા તૈયાર ભાણે બેઠો ને વળી યાદ આવ્યું, ચાવવામાં વ્યસ્તતા થાય, અને ભૂખેય કકડીને લાગી'તી.. કરવું શું? ઉભા ગળે કોળિયા ગળ્યા મોટા.. બપોરે આમ તો ઊંઘવાની ટેવ નથી પણ કોઈ પણ પ્રકારની વ્યસ્તતા બચવા આખરે ઉંઘનો આશરો લેવો ઠીક રહેશે એમ ધાર્યું તો વાડીએ ઝોકું આયવું'તું ને જે તર્ક આપણે સિદ્ધ ગણ્યો હતો તે અહીં પણ ઉપયોગી તથા અર્થસિદ્ધ લાગતા આપણે સુવાનો ટાળ કર્યો..!
ધીમે ધીમે ખાલીપો લાગવા લાગ્યો.. વ્યસ્ત ન રહેવું બિલકુલ નવરા રહેવું પણ પીડાદાયક થવા લાગ્યું.. પહેલા તો સવારમાં 'ત્યાગ' થયેલો નહિ, એટલે બેચેની લાગવા લાગી, વળી બપોરા ઉભા ગળે આરોગ્યા એટલે પેટને બે-કોરાનો માર પડ્યો..! વ્યસ્ત ન બનવા પાછળ નિષ્ક્રિય થઈને પડી રહેવાથી ઘણીય જાતની ઉપાધિઓ આવી ચડી..! મોટા તમારું માનું છું તોય ડખા થાય છે..! હવે આજનું વાડીનું નિંદામણ બાકી રહ્યું છે એનો દાડીયો કરવો જોશે ને ઇ તમારે ચૂકવવાના થશે મોટા.. જોઈ લ્યો હવે, હજી કાલ પણ વ્યસ્ત નો રહેવાનું હોય તો અત્યારે જ કહી દેજો દાડીયો ગોતી રાખું..!
ને એલા તમે સૌએ આ વાક્ય પણ વાંચ્યું હોય તો હવે સાડા એક તોપની સલામી જૂનામાં ઉમેરી લેજો ભલે.. ધન્યવાદ આપણા તો..!!