આત્મવિશ્વાસ || છોરું કછોરું થાય..! એમ માની ને આપણે આ પાક બચ્ચા ને મોટું મન રાખી માફ કરતા રહીએ.

0
એ રામ રામ મોટા..!!
તયે આજ આ આતમ-વિસવા લખવાનો છે એમ ને..! તે લખી નાખવી એમાં હું? આ લાઈટ વહી ગઈ છે તે બે ઘડીક નવરા છીએ..!

તે મોટા, હમણાં થોડાક દી ભયંકર વ્યસ્તતા હતી.. જરીકેય નવરાશ નહિ.. બળધુ છોડવાના, પાવાના, ચારવાના ને.. પાછા ખીલે બાંધવાના.. ને પછી, નીણનો ભારો લઈને ઘર કોર્યે ગાડી (અમે ટુ-વ્હીલનેય ગાડી જ કે'વી, એટલે નવાઈ કરવી નહીં.) મારી મુકવાની..! ને રાત નું વાળુંપાણી કરીને ગટી કરી જવાની (સુઈ જવાનું).. વળી સવારના ઈનું ઈ..!

હવે આવી નવરાશ વિનાની બઘડાસટ્ટી બોલતી હોય તોય મને યુ-ટ્યુબ માં ઔડીયો સાંભળતા કામ કરવાની ટેવ છે..! ક્યારેક ભજન, ક્યારેક હિન્દી ગીતો, ને ક્યારેક વૈશ્વિક રાજનીતિ..! કામેય થાતું રે ને મનોરંજનેય..! ક્યારેક કામમાં ભૂલ પડે પણ .. હાલ્યા રાખે.. !!! તે આજ જ એક વિડીઓ સાંભળતો'તો, એટલા માં તમારી નોટિફિકેશન આયવી, "આત્મવિશ્વાસ".. એટલે થયું કે આજ તો થઈ જ જાય.. ઘણા દી થયા..!!

ભોળાએ એક દિ નંદીને કીધું કે, "જા, મરત્યું-લોક ના માણસો ને કે, ત્રણ વાર નાવાનું, એક વાર ખાવાનું." ને ભાઈ નંદી તો ડોલતા ડોલતા પ્રથમી ઉપર પુગ્યા, તયે મુદ્દો ભૂલી ગયા ને કાળા માથાળાવ ને ભોળા નો આદેશ દીધો, "ત્રણ વાર ખાવાનું, એક વાર નાવાનું." ભૂખ્યું ડાંસ માણહ માંડ્યું તત્તણ વાર ધાન ઉલાળવા.. તે ધાન ની અછત થઈ પડી, ને મહાદેવ તો થિયા ખારાં નંદિ માથે, કે તે ભૂલ કરી તે ભોગવે હવે, તેદુનો ઇ નંદીનો વંશ ખેડુ ભેળો ખેતર ખેડે..! તે અટાણેય ખારસા(બંજર ભુભાગ)માં સૂકા ઘાસની જ્યાફત માણતા ઉભા છે ને હું, આત્મવિશ્વાસની વાત કરવા આ પીપળ હેઠે બેઠો છું..! 

"ભારતનો કુપુત્ર પાકિસ્તાન.. આર્મી ચીફ જનરલ કમર બાજવા રીટાયર થયા. આમ તો પાકિસ્તાનીઓ માનતા કે તેમનો દેશ પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વજીરે-આઝમ ચલાવે છે.. પણ ખરેખર તો આર્મીનો ચીફ જ નિર્ણયો લે, અને વજીરે આઝમે તેમાં સહી સિક્કા કરી દેવાના..! પાછું એમને ન્યા આંતરિક કાંઈ પણ વિખવાદ થાય એટલે… બસ "યે તો 'રા' કા કામ હૈ..!" રૉ ને રા કહેનારી ઇ પરજા.. નવો ચીફ સૈયદ અમીન મુનિર બન્યો. જો કે ગૃહયુદ્ધના આંગણે ઉભેલ આ દેશને મહત્વ દેવું? અથવા માંગીને ખાનારો આ દેશ.. રોજ નવા દેશ સામે કટોરો લઈને ઉભો રે છે. હમણાં તો આઈ.એમ.એફ. એ ગ્રે લિસ્ટ માંથી બહાર કાઢ્યું છે એટલે થોડુંક બળ માં છે.. લાંબા સમયથી ફંડ વિના સુતેલા આતંકી દળો ધીમે ધીમે જાગે છે. એલા બીજે વાત વહી ગઈ..!!

તે હું એમ કેતો'તો મોટા, કે આ જનરલ બાજવા જાતા જાતા 'આત્મવિશ્વાસ' સાથે એક વાત બબડી ગયો. ૧૯૭૧ માં ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકો સામે મોઢે તરણું લીધું..! બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું આત્મસમર્પણ.. વિશ્વ વિક્રમ છે આ..! પણ નબળા કાળજાના પાકિસ્તાનીઓને આ વાત સાપનાં છછૂંદર જેવી સલવાણી છે. હવે ગયઢા એ જાતાં જાતા બકવાસ ઝીંકી.

કે છે, ત્રાણું નહિ, ચોત્રી હજાર સૈનિકોએ સરેન્ડર કર્યું હતું, ઈય હંધાય સૈનિકો નહોતા! થોડાક તો ઓફિશિયલ નોકરી વાળા પણ હતા..! આ પાકલા પાછા લોજીક કે સારો તર્ક ભૂલી જાય હો.. કે' છે અઢીલાખની મુક્તિવાહીની અને વિશાળ ભારતીય સશસ્ત્ર દળ સામા ઇ ખાલી ચોત્રી હજાર હતા, એટલે સરેન્ડર કરી દીધું.. ટંગડી ઊંચી રાખવાનો નકામો પ્રયાસ..! એલા ઢાંકણીમાં પાણી લ્યો.. ત્રાણું હજાર હતા તોય, હથિયાર મૂકીને તતી કરીને ઉભી ગયા'તા..! આપણે અહીંયા બહુ વિવાદિત ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉ એ આપણા સૈનિકોને બહાર સુવડાવીને આ પાકી ફોજના માણસોને રહેવા તંબુઓ અને સારું ભોજન આપ્યું હતું.. ને પૂર્ણ સુરક્ષા આપી હતી.. ઇજ પાકલા આપણો કોઈ માછીમાર ભૂલ માં નયાં વયો જાય તો આંગળીયું ના નખ હોત ખેંચી લે છે..! હવે ઇ જનરલ બાજવો બોલતા તો બોલી ગ્યો પણ આપણા વાળાય કાંઈ ઓછા છે? ન્યાં ની ટપાલ ટીકીટ ગોતી આવ્યા.. (ઉપર bg માં ચોંટાડી છે મેં ય, પાકિસ્તાનનું આ મહા સરેન્ડર બાદ જ્યાં સુધી શિમલા કરાર ન થહો ત્યાં સુધી આ ત્રાણું હજાર આપણે નયાં જબ્બર જલસા કરતા'તા.. પણ પાકિયોએ ડોઢા થઈને ટપાલ ટીકીટ બહાર પાડી કે અમારા નેવું હજાર સૈનિકો પાછા આપો.. (ત્રણ હજારની ગાપલી તો તયે જ મારી ગયા તા)) ખરેખર મુક્તિવાહીનીની સંખ્યા દોઢ લાખથીએ એક લાખ એંશી હજાર આસપાસ હતી.. ઈતો હારુ થયું કે પાકિયોએ સરેન્ડર કરી લીધું, નકર ઇતિહાસમાં એક મોટો જેનોસાઈડ મુક્તિવાહિની દ્વારા પાકી સૈનિકોનો નોંધાણો હોત..! 

છોરું કછોરું થાય..! એમ માની ને આપણે આ પાક બચ્ચા ને મોટું મન રાખી માફ કરતા રહીએ.  પણ મોટા, બાજવાનો આત્મવિશ્વાસ કેમ છે સાચું કેજો એલા..!!

હાલો આજ આટલું ઘણું હો..!! આત્મવિશ્વાસ થી.

Post a Comment

0Comments
Post a Comment (0)