પ્રત્યેક પળ અમૂલ્ય..
*****
સમય ઘણી અઘરી વસ્તુ છે.. માણસ પાસે ધારે એ કરાવી શકવા સમર્થ છે..! સમય, નસીબ, કર્મ.. આ બધું ઘણું જ વિચિત્ર છે, અથવા અટપટું છે. હું મારું કર્મ ધારી લખું છું, કે મારો સમય મારી પાસે લખાવે છે અથવા મારા નસીબમાં આ લેખન હશે..! મૂળ વસ્તુ લેખન/લખવું છે.. પણ સમય, નસીબ અને કર્મ ભળતાની સાથે અર્થ અને સ્થિતિ બંને બદલાઈ જાય છે.
*****
આજ સવાર સવાર માં એક વિચિત્ર ભાવ સાથે વિચિત્ર દુહો બની ગયો,
"વાછરડા આ વલખતા, આંગણયે અણવાર,
સાજણ પડી સવાર, આજ હજી કાં ઉઠે નહિ?"
સ્ત્રૈણ માનસનો કલ્પાંત તો લોકોએ-લેખકોએ અનહદ વર્ણવ્યો છે..! પણ એક પુરુષ.. મોભાદાર મર્દ, ટટ્ટાર છાતી વાળો, પુળો એક મૂંછ ને ધારણ કરનારો, દાઢીના કાતરા થયા હોય એવો અડાભીડ જણ.. એના કર્તવ્યોનું નિર્વહન કરનારો.. એણે બસ લોકલાજ રાખવાની? એનું કકળતું હૈયું દાબીને એણે બસ એક જ પોક મુકવાની..! પણ હવે બદલાઈ પણ રહ્યું છે..!
મૃત્યુ સરળ નથી. કોઈ કહે કે બે ઘડી થાય.. પણ ના.. એ બે ઘડીમાં આખું જીવનવૃત્તાંન્ત કદાચ નજર સામે તરવરી ઉઠતું હોવુ જોઈએ..! કાયમની નિંદ્રામાં જતા પહેલા કાંઈક તો થતું હશે ને? મનોભાવની અભિવ્યક્તિ કરવાનું કોઈ સાધન નથી. બસ કદાચ તમામે કર્તવ્યોમાંથી મુક્તિ. શ્વાસની આવનજાવન થી સતત વ્યસ્ત રહેતા ફેફસાઓને પણ કર્તવ્યમુક્તિ, ધબકતું હૃદય પણ..! કદાચ આંખો ખુલ્લી રહી ગઈ હશે, કે સદાને બંધ.. પણ એ આંખો પર એક શ્વેત પડદો હશે.. અને આંખો પાછળ અનંત અંધારું.. સ્વ ને સ્વ ની ઓળખ સુદ્ધા ન થાય તેટલો અંધકાર..! અનહદ કલ્પાંતોને અવગણતી શ્રવણેન્દ્રિયમાં સંપૂર્ણ શાંતિ છવાઈ જતી હશે જે અસહ્ય બની રહેવાની..! કદાચ તેનો ઉપર કહ્યો એ પુરુષ પોકારતો હોય, "અરે સાંભળ" કહીને પુચકારતો હોય, "એકવાર ના પાડીને?" કહીને ક્યારેક ભરેલ વડકા બદલ એક અધૂરું હિબકું એને ગળે આવીને પાછું કાળજે જઈ સંતાઈ ગયું હશે. એના ગોરા મહેંદી-રંગ્યા હાથને પોતાના હાથમાં રાખીને ગોરે કહેલા શાસ્ત્રોક્ત શ્લોક થકી જ તો હસ્તમેળાપ થયો હતો અને એજ હાથને પોતાના હોઠે અડાડી એણે પ્રથમ રાત્રીનો પ્રણય વ્યક્ત કર્યો હતો, એ હાથ ફરી નહિ હલે..! એ નવા-સવા સંસારી જીવનમાં ચપળતા વાળી ચાલથી ઉઠતો ઝાંઝરનો નાદ.. જે તે પુરુષના કર્ણ વડે પ્રવેશી તેના હૈયાને વીંધતો એ.. બસ.. ફરી.. એક અધૂરું હિબકું..! રાતી-ચોળ આંખોને બસ એની એ કલ્પના જ કાયમ રહેવાની..! એકમેકને કરેલા કાયમના સમર્પણ બસ અકાટ્ય વચનો બની રહ્યા.. ઘરની થાંભલીને ટેકે એ પુરુષ પોતાનું ગળું ખંખેરીને ખોળામાં બેય કુમળાં પુષ્પોના ગાલ પર ઉતરતા ઉષ્મ પ્રવાહને લૂંછતો હતો.. અને અંદર ઓરડામાં સ્ત્રીઓનું આભને ગજવતું અનહદ રુદન.. અને એ પુરુષ પણ છાતીએ હાથ રાખી ઢળી પડ્યો.. આંખો પર અનંત અંધારા છવાયા, શ્વાસોની ગતિ મંદ થતી ગઈ.. તમામે ઇન્દ્રિયો જાણે અશક્ત થઈ અથવા અવજ્ઞા કરતી લાગી..
કોઈ કલ્પનાસૃષ્ટિના શ્વેત મેદાનમાં ફરી એ સ્ત્રીને પુરુષ મળ્યો, પોતાના અંતરનો કૂપ ઠાલવતો એ પુરુષ સ્ત્રીના ખોળામાં માથું ઢાળેલો સૂતો પડ્યો હતો.. એક-એક પ્રસંગ, ઝીણામાં ઝીણી વાત પણ તેના કંઠેથી વહેતી સરવાણી માફક આવ્યે જતી હતી, સ્ત્રીને કાંઈ કહેવાનો મોકો પણન આપતો એ પુરુષ એકાંત ભાળી ને પોતાનું સર્વે સર્વા સોંપી રહ્યો હતો.. અને તે સ્ત્રી મુખ પર આવેલ વાળની લટ ને કાન પાછળ કરતા, એક હાથે એ પુરુષના કપાળ પર ફેરવતા હકારમાં માથું હલાવતી બસ સાંભળીએ જતી હતી, અને આ જ પળ.. બસ .. અનંત.. આમ.. જ.. ચાલતી.. રહે.. તે.. જ કામનાધીન તે પુરુષની વજ્રસી છાતી પર માથું ઢાળતી હતી.