નસીબ .. કોઈ અદ્રશ્ય કૂવો.! જ્યાં આપણી ક્ષમતાઓની બહારનું કાઇ ઘટિત થઈ જાય તો બસ..! એ કુવાને નામે નાખી દ્યો..!

0
નસીબ શું છે મોટા?
કોઈ અદ્રશ્ય કૂવો.! જ્યાં આપણી ક્ષમતાઓની બહારનું કાઇ ઘટિત થઈ જાય તો બસ..! એ કુવાને નામે નાખી દ્યો..! પાછો એ કૂવો અક્ષય છે..! અન્નપૂર્ણાના પાત્ર જેવો. મોટા, જ્યાં તુલના થાય ત્યાં નસીબ હોય. પછી ત્રાજવાના એક છાબડે ક્ષમતા અને બીજે છાબડે નસીબનું આહવાહન થાય, જેમાં નસીબનું છાબડું નમે..! બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે બાળકનું નામકરણ થાય, એવું માનવા માં આવે છે કે વિધાતા આ છઠ્ઠીના દિવસે બાળકનું પ્રારબ્ધ લખે છે.

એક રીતે જોઈએ તો, અમુક બંધનોને કારણે અપૂર્ણ ચકાસણીઓ બાદ થયેલ પરિણામ પણ નસીબના કૂવે નખાય છે..!! શેરબજારમાં ઘણા લાખના બાર હજાર કરે તો નસીબનું નામ, અને બાર હજારના લાખ થાય તો પણ એની પાછળનું પરિબળ એટલે પ્રારબ્ધ.

આ પ્રારબ્ધને સોનાની સાંકળ પણ કહી શકાય. આમાંથી છૂટી શકાતું નથી. લકી નામનો માણસ જુગાર રમે અને જીતે જ એવું શક્ય થોડું છે? પાછું આ પ્રારબ્ધને કોઈ સીમાડા છે જ નહીં. "હરિભાઈનો હકો આયાં દેશમાં હતો ન્યાં લગી ધૂળમાં આળોટતો, પણ નસીબ તો જો વિદેશ ગયો તે ડોલરના દેગડા ઉતારે સે.." પણ હકીકતે એ હકાએ ત્યાં ઝાડુ-પોતા મારવામાં પણ હીણપ ન અનુભવી હોય ત્યારે જ તો એ પ્રારબ્ધનો બળિયો બન્યો હોય.

"હા, ઈતો મુઈ છોકરા જણવા રમત્યું થોડી છે, ઈતો પાપણી હયશે તે નિરવંશીયું નસીબ લઈ ને આવી.." પણ એમા એ બાઈના નસીબને શાને દોષ દેવો? શારીરિક ખામીઓમાં નસીબ કરી પણ શું લેવાનું? એતો વિજ્ઞાનનો વિષય છે.

"હજી કાલ આંય રમતો'તો, આજ એરુ આભળી ગયો.. હાય રે અભાગીયું નસીબ" આ કરુણાન્તિક વાક્યમાં આળસ અથવા અવગણના છે.. ને દોષારોપણ નસીબને થયું. જ્યારે ગઈ કાલે જ ત્યાં સર્પ જોયો હતો તો ચેતી જવું જોઈએ ને..!

ખરેખર પ્રારબ્ધ છે કે કોઈ કલ્પના છે? કે બસ કોઈ અદ્રશ્ય કૂવો.. એક વાક્ય ક્યાંક વાંચ્યું હતું.. "ચિત્રગુપ્ત આપણા ચોપડા લખતા નથી, આપણે જ આપણું 'ચિત્ર' 'ગુપ્ત' રીતે દોરતા હોઈએ છીએ."

કાંઈ નચિકેતા જેવડી ગ્રહણશીલતા તો આપણી પાસે હશે નહિ.. નહિતર યમના દ્વારેથી પાછા આવે કે પછી યમના પાડાનું પૂંછડું પકડવું એ પણ નસીબ જ કહેવાય છે, અને યુધિષ્ઠિર સાથે શ્વાન સદેહે સ્વર્ગે જાય એ પણ નસીબનું જ જોર ને..! પ્રારબ્ધ/વિધાતા કેટલું બળવાન છે નહીં? એ ચાહે એ કરી શકે.

Post a Comment

0Comments
Post a Comment (0)